નાના પાટેકર કો ગુસ્સા ક્યું આતા હૈ?

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
નાના પાટેકર કો ગુસ્સા ક્યું આતા હૈ? 1 - image


- સિનેમા એક્સપ્રેસ- શિશિર રામાવત

શું નાના પાટેકરની કમાન છટકે તો એ પોતાના ડિરેક્ટરોને ધીબેડી નાખે છે તે વાત સાચી? ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીને તાજેતરમાં આ સવાલ પૂછાયો. 'ધ કાશ્મીર ફાઇલ્સ' જેવી અતિ વિવાદાસ્પદ અને અતિ સફળ ફિલ્મના મેકરને આ પૃચ્છા કરવાનું કારણ એ કે એમની આગામી ફિલ્મ 'ધ વેક્સિન વૉર'માં નાના પાટેકરની કેન્દ્રિય ભૂમિકા છે. વિવેક અગ્નિહોત્રી મલકાઈને પેલા ઇન્ટરવ્યુમાં કહે છે, 'હા, વાત તો સાચી છે. નાનાએ પોતાના કેટલાક ડિરેક્ટરોને ખરેખર માર્યા છે. અમુક ડિરેક્ટરોએ ખુદ મને કહ્યું છે કે એણે નાનાના હાથનો માર ખાધો છે! પલ્લવી (જોશી, વિવેકનાં અભિનેત્રી પત્ની)એ નાના સાથે થોડી ફિલ્મો કરી છે. એણેય પુષ્ટિ કરી કે સેટ પર નાનાની ડાગળી ઘણી વાર ચસકી જાય છે. નાના એ રીતે માથાફરેલ કલાકાર છે. એમને ગુસ્સો ખૂબ આવે, પણ એનું કારણ એ છે કે તેઓ પરફેક્શનિસ્ટ છે. એમનો ક્રોધ કામ સંબંધિત હોય છે.'

વિવેક અગ્નિહોત્રીએ 'ધ વેક્સિન વોર'માં નાનાને લેવાનું વિચારતા હતા ત્યારે એમના ઘણા દોસ્તારોએ ચેતવ્યા હતા કે ભલા મા'ણા, રહેવા દે. આ ઉંમરે મારા ખાવાનું સારું લાગે? પણ વિવેક, અને ખાસ તો પલ્લવી જોશી, નાનાના કાસ્ટિંગ બાબતે મક્કમ હતા. તેમને એવો એક્ટર જોઈતો હતો જેની ક્રેડિબિલિટી સો ટચના સોના જેવી હોય. જો એ સ્ક્રીન પર બોલે કે 'ઇન્ડિયા કેન ડુ ઇટ' તો એમના અવાજમાં, એમના વ્યક્તિત્ત્વમાં જ એટલું વજન હોય કે ઓડિયન્સ કન્વિન્સ થઈ જાય. આ અધિકૃતતા, આ અધિકારી વજન નાના પાટેકરમાં ભારોભાર છે. 

વિવેક અગ્નિહોત્રી અને પલ્લવીએ તો મનોમન કાસ્ટિંગ કરી નાખ્યું, પરંતુ નાના પણ માનવા જોઈએને? બન્ને ગયા નાનાને મળવા. નાના હવે મુંબઈમાં રહેતા નથી. તેઓ શહેરથી છ કલાકના અંતરે ખડકવાસલા નામના ગામડામાં રહીને ખેતી કરે છે. ઇવન મુંબઈ હતા ત્યારે નાણાંની જરાય તંગી ન હોવા છતાંય તેઓ વન-રુમ-કિચનના ખોબા જેવડા ફ્લેટમાં રહેતા હતા. અતરંગી માણસ કોને કહેવાય!  

ખડકવાસલા પહોંચ્યાં એટલે નાનાએ સૌથી પહેલાં તો વિવેક અને પલ્લવીને પોતાના હાથે રસોઈ બનાવીને જમાડયાં. ગરમાગરમ રોટલી ઉતારતા જાય ને બન્નેને પીરસતા જાય. ભોજન પત્યું એટલે ત્રણેય વાતો કરવા બેઠાં. વિવેક કહે, 'નાનાજી, ફિલ્મની સ્ટોરી ને એ બધાની ચર્ચા તો આપણે કરી લઈશું, પણ મારે તમને એક વાત અત્યારથી જ કહી દેવી છે. તમને મારા પર ગુસ્સો આવે તો મને એકાંતમાં ચાર થપ્પડ મારી લેજો, પણ મારી એક વાત તમારે સ્વીકારવી પડશે. આ રોલ કાગળ પર જે રીતે લખાયો છે એક્ઝેક્ટલી એવી રીતે જ તમારે ભજવવો પડશે.'

...અને એવું જ થયું. 

નાનાનું કિરદાર અને આખીય ફિલ્મ કેવીક અસરદાર છે એ તો જોઈએ ત્યારે ખબર, પણ સહેજે સવાલ થાય કે નાનાનો મિજાજ આવો ભડકીલો શા માટે છે? વચ્ચે 'બાજીરાવ મસ્તાની' ફિલ્મનું રણવીર સિહ પર ફિલ્માવાયેલું 'મલ્હારી' ગીત જોઈને તેઓ ભડકી ઉઠયા હતા, કેમ કે આ ગીતમાં શબ્દો આવે છે કે, 'દુશ્મન કી દેખો જો વાટ લાવલી'. એમણે તરત સંજય લીલા ભણસાલીને ફોન કર્યો અને કહ્યું કે સંજય, આ કઈ ટાઇપના શબ્દો મૂક્યા છે તેં ગીતમાં? બાજીરાવ જેવા ઐતિહાસિક પાત્રના મોઢે 'વાટ લાવલી' જેવા શબ્દો શોભે? સંજય ભણસાલીએ કહ્યું કે સર, ગીત લોકજીભે ચડે તે માટે અમુક શબ્દો વાપરવા પડે ને આ ગીત ઓલરેડી બહુ પોપ્યુલર બની ચૂક્યું છે.

નાના પાટેકરને છ ભાઇ-બહેનો. આજની તારીખે તો છએ છ ભાઇ-બહેનો સ્વર્ગે સીધાવી ચૂક્યાં છે, પણ નાનપણમાં નાનાએ પોતાના ભાઈઓને કારણે ખૂબ લઘુતાગ્રંથિ અનુભવી છે. ભાઈઓનો દેખાવે રુપાળા, ગોરા, જ્યારે નાના રહ્યા શ્યામ. એમને થાય કે મા-બાપ ભાઈઓને વધારે વહાલ કરે છે કેમ કે એ બધા દેખાવમાં સુંદર છે. મા-બાપનું અટેન્શન મેળવવાનો ઉપાય એમને એક વાર આકસ્મિક મળી ગયો. 

કરવા જેવું કામ તો એક જ છે: એક્ટિંગ! 

બન્યું એવું કે ગામમાં તહેવારો દરમિયાન એક નાટક ભજવણી થવાની હતી. તરુણ વયના નાના નાટકમાં ઉતર્યા હતા. પિતાજી એ વખતે મુંબઈ રહેતા હતા, પણ તહેવારો પર વતન આવ્યા હતા એટલે નાનાનું નાટક જોવા પણ ગયા. નાનાને થયું: આ જ અવસર છે, પિતાજીને પ્રભાવિત કરવાનો! એમણે પોતાના રોલમાં જીવ રેડી દીધો. પ્રેક્ષકો અને ખાસ તો પિતાજી ખુશ ખુશ. નાનાને થયું: આ સારું છે. દેખાવમાં ભલે હું મામૂલી હોઉં, પણ સ્ટેજ પર એક્ટિંગ કરું છું ત્યારે લોકો મને જોઈને તાળીઓ પાડે છે! ને બસ, નાનામાં અભિનેતા બનવાના બીજ રોપાઈ ગયાં. 

દૈવયોગે બન્યું એવું કે નાના તેર વર્ષના હતા ત્યારે પિતાજીનો ધંધો ચોપટ થઈ ગયો. નાના પર કમાવાની જવાબદારી આવી પડી. તેમણે નોકરી કરવાનું શરૂ કરી દીધું. શાની નોકરી? ફિલ્મનાં પોસ્ટરો ચિતરવાનું. ૮ કિમી પગપાળા ચાલીને જવાનું, ૮ કિમી પગપાળા પાછા આવવાનું. રોજના ૧૬ કિલોમીટર. મહિને પગાર કેટલો? ૩૫ રૂપિયા, ફક્ત. અને હા, સાથે એક ટંક ભોજન પણ મળે. આ અનુભવોએ નાનાને ઘડયા છે. આ સમયગાળામાં તેઓ જીવનના જે પાઠ શીખ્યા તે કદાચ બીજા ક્યાંય ન શીખી શક્યા હોત. 

નાનાનું ડ્રોઇંગ સારું હતું એટલે તેમણે મુંબઈની પ્રતિષ્ઠિત જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન લીધું. મુંબઈમાં પણ તેમણે રંગભૂમિ પર નાટકો કરવાનું શરુ કરી દીધું હતું. તેઓ તો થિયેટરથી ખુશ હતા, પણ એમને ફિલ્મોમાં ખેંચી લાવનાર સ્મિતા પાટીલ. સ્મિતાએ આગ્રહપૂર્વક કહ્યું: નાના, બહુ થઈ ગયું થિયેટર. હવે ફિલ્મોમાં આવી જા. 

'ગમન' નાનાની પહેલી ફિલ્મ. વર્ષ હતું ૧૯૭૮ અને તે વખતે નાની ઉંમર હતી, ૨૭ વર્ષ. બસ, ત્યારથી સિલસિલો શરુ થયો, જે હજુ પણ ચાલી રહ્યો છે. કેટકેટલાં આઇકોનિક રોલ્સ કર્યા છે નાનાએ. 'ક્રાંતિવીર', 'તિરંગા', 'પ્રહાર' (નાનાની ડિરેક્ટર તરીકેની આ એકમાત્ર ફિલ્મ), 'પરિંદા', 'થોડા-સા રુમાની હો જાએ', 'ખામોશી'...  ને બીજી કેટલીય ફિલ્મો. 'પરિંદા'ના ક્લાઇમેક્સનો પેલો આગવાળા સીન યાદ છેને? નાના હિંચકા પર બેઠા છે, જેકી શ્રોફ દારુની બાટલીઓના ઘા કરે છે કમરામાં આગ લગાવી દે છે. તે સીનમાં નાના ખરેખર ખૂબ દાઝી ગયા હતા. પૂરા બે મહિના એમને હોસ્પિટલમાં રહેવું પડયું હતું અને એક આખું વર્ષ તેઓ કામ નહોતા કરી શક્યા.  

નાનાએ 'વેલકમ' અને 'વેલકમ બેક' જેવી હાડોહાડ કમર્શિયલ ફિલ્મો પણ કરી છે. આ પ્રકારની કોમેડી મસાલા ફિલ્મોમાં પણ તેઓ ખૂબ જમાવટ કરે છે. કમનસીબે આગામી 'વેલકમ ટુ ધ જંગલ'માંથી નાના પાટેકરને પડતા મૂકવામાં આવ્યા છે. શું કારણ હશે?  ડિરેક્ટર અહમદ ખાનને કદાચ ડર લાગ્યો હશે કે નાના ક્યાંક એમને સેટ પર ધીબેડી ન નાખે!


Google NewsGoogle News