થર્ડ જનરેશન એક્ટર તરીકે નોખો માર્ગ કંડારવા માગે છે નાગ ચૈતન્ય
- 'મેં ફિલ્મોમાં ડેબ્યુ કર્યું ત્યારે મારા ડેડી (નાગાર્જુન) અને ગ્રાન્ડપાએ પોતાનો વિશાળ ફેન બેઝ ઊભો કરી દીધો હતો. ડેડ તો આજે પણ દર્શકોને એન્ટરટેઇન કરે છે'
બો લિવુડે કપૂર પરિવારની ચાર અને દેઉલ કુટુંબની ત્રણ પેઢીને અભિનય કરતા જોઈ છે. પેઢી દર પેઢી એક્ટિંગનો વારસો માત્ર હિન્દી ફિલ્મો પૂરતો સીમિત નથી. સાઉથના સિનેમાપ્રેમીઓએ પણ એક્ટરોની ત્રણ-ત્રણ જનરેશનને બિરદાવી જાણી છે. તેલુગુ ફિલ્મોનો સુપરસ્ટાર નાગ ચૈતન્ય આવા જ એક પરિવારનો નબીરો છે. એના દાદા નાગેશ્વર રાવ અને પિતા નાગાર્જુન બંને ટોપ મોસ્ટ એક્ટર રહી ચુક્યા છે એટલે નાગ ચૈતન્યની એમની સાથે સરખામણી થવી સ્વાભાવિક છે. આપણે એને આમિર ખાનવાળી 'લાલસિંહ ચઢ્ઢા'માં જોયો છે.
આ યંગ હેન્ડસમ એક્ટરે 'ધૂથા' નામની વેબ સીરિઝથી ઓટીટી પર ડેબ્યુ કર્યું. એની પ્રમોશનલ ઇવેન્ટ્સમાં દરમિયાન નાગને મીડિયાએ પૂછ્યું કે 'ફાધર અને ગ્રાન્ડ ફાધર સાથે તમારી તુલના થાય છે ત્યારે તમને કેવું લાગે છે?' એક્ટરનો ઉત્તર એકદમ સહજ છે, 'મેં ફિલ્મોમાં ડેબ્યુ કર્યું ત્યારે મારા ડેડી અને ગ્રાન્ડપાએ પોતાનો વિશાળ ફેન બેઝ ઊભો કરી દીધો હતો. ડેડ તો આજે પણ દર્શકોને એન્ટરટેઇન કરે છે એટલે સરખામણી તો થાય જ, પરંતુ હું એને પ્રેશર તરીકે નહીં, પ્રીવિલેજ તરીકે જોઉં છું. હું ખુશનસીબ છું કે મને એમની પાસેથી ફેન ફોલોઇંગ વિરાસતમાં મળ્યું છે. એ સિવાય હું એમની સાથેની સરખામણીને મારો એક નોખો મારગ કંડારવા માટેની ચેલેન્જ તરીકે પણ લઉં છું. મારા ફાધર અને ગ્રાન્ડ ફાધરે પણ એ જ કર્યું હતું. એમણે પોતાના કામ પ્રત્યે પ્રામાણિક રહી પોતાની એક યુનિક ઓળખ બનાવી હતી. મારે એ જ કરવું છે. મારી વ્યક્તિગત પસંદગીઓ પર હું મારા સુપરસ્ટાર ડેડ સાથેની સમખામણીનો પ્રભાવ નહિ પડવા દઉં. આ બાબતમાં હું એકદમ નિશ્ચિત છું.'
નાગ ચૈતન્યએ 'ધૂતા'થી ડિજિટલ મીડિયમમાં એન્ટ્રી કરી છે એટલે મીડિયાનો બીજો સવાલ એ સંબંધમાં જ હતો, 'નવા પ્લેટફોર્મમાં પ્રવેશ કરીને કેવું લાગે છે' તેલુગુ સ્ટાર જવાબમાં કહે છે, 'ઈટ્સ ડિફરન્ટ. થિયેટરમાં ફિલ્મ રિલીઝ થાય ત્યારે તમને એનો ઓપનિંગ બૉક્સ ઑફિસ કલેક્શન્સ જાણવાની તાલાવેલી હોય છે. જ્યારે ઓટીટીમાં કોઈ શો વીકએન્ડમાં તો કોઈ મહિના પછી સ્પીડ પકડે છે. મને ખુશી એ વાતની છે કે હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યો છું એટલે થોડો નર્વસ પણ છું.'
'ધૂતા' એક સુપર નેચરલ થ્રિલર છે, જેમાં નાગ ચૈતન્ય એક ન્યૂસ પેપરના એડિટર-ઈન-ચીફના રોલમાં છે. પોતાની વેબ સીરિઝ અને એના ડિરેક્ટર વિશે વાત કરતા એક્ટર કહે છે, 'ડિરેક્ટર વિક્રમ કુમારે મને સ્ક્રિપ્ટનું નરેશન કર્યું ત્યારે હું એની સ્ટોરીમાં પૂરેપૂરો ખૂંપી ગયો હતો. દરેક એપિસોડ પછી મને આગળની સ્ટોરી સાંભળવાની ઉત્કંઠા થતી હતી. બધા એપિસોડ્સ સાંભળ્યા બાદ મનમાં થયું કે મારે આ પ્રોજેક્ટ કરવો જ પડે.'
'ધૂતા'માં રસ પાડવાનું એક કારણ એવું પણ ખરું કે એટર-ડિરેક્ટરને 'માનમ' (૨૦૧૪) પછી ફરી સાથે કામ કરવાની તક મળી હતી. 'વિક્રમ અને મારી વચ્ચેની મૈત્રી ઘણી જુની છે. એણે મને ચૈન્નઈમાં મોટો થતો જોયો છે. સુપરનેચરલ જોનરમાં વિક્રમની માસ્ટરી છે. 'ધૂતા'ને સારો રિસ્પોન્સ મળશે તો વિક્રમ પાસે એની બીજી બે-ત્રણ સિઝન માટેના સ્ટોરી આઇડિયાઝ તૈયાર જ છે,' એમ કહેતા ચેતન ખિલખિલાટ હસી પડે છે.