મારી કળા સૂર્ય સમાન છે, તે કોઇ ભેદભાવ કરતી નથી : આશુતોષ રાણા

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
મારી કળા સૂર્ય સમાન છે, તે કોઇ ભેદભાવ કરતી નથી : આશુતોષ રાણા 1 - image


- 'જો હું સ્ટાર હોઉં તો મારે એક સ્ટાઇલ વિકસાવવી પડે જે મારી ઓળખ બની જાય, પણ જો હું કળાકાર  તરીકે ભૂમિકા ભજવવાનું પસંદ કરૂ તો મારે મેં અગાઉ કરેલું તમામ કામ ભૂલી જવું પડે. '

- કોઇને આંખ બંધ રાખવી હોય તો તે તેની મરજી

આ જે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ , મરાઠી, બંગાળી અને હરિયાણવી ભાષામાં ફિલ્મો બને છે. આ  તમામ  ભારતીય ભાષાઓની ફિલ્મોમાં પોતાના અભિનયના ઝંડા ફરકાવનાર એકમાત્ર અભિનેતા આશુતોષ રાણા છે. આશુતોષ રાણાની અભિનેતા તરીકેની કારકિર્દી ત્રણ દાયકાથી પણ વધારે લાંબી છે. વિવિધ ભારતીય ભાષાઓમાં બનેલી ફિલ્મોમાં અભિનય કરનાર આશુતોષ રાણા કહે છે, 'હું વિવિધ ભારતીય ભાષાઓની ફિલ્મોમાં કામ કરૂ છું, કારણ કે હું એક ભારતીય અભિનેતા છું. હું માનું છું કે કળા એ સૂર્ય સમાન હોય છે. જેમ સૂર્ય કોઇ દિશા ભણી પક્ષપાત કરતો નથી તેમ કળા પણ કોઇ ભેદભાવ કરતી નથી. કળાને કોઇ  સરહદો હોતી નથી, તે તો લોકોના દિલ પર રાજ કરે છે. આપણે સૂર્યને કોઇ સરહદોમાં બાંધતા નથી તો કળા માટે સરહદો શા માટે હોવી જોઇએ? તમે ઇચ્છો તો તમારી આંખ બંધ કરીને સૂર્ય ને જોવાનું ટાળી શકો છો એવી જ રીતે તમે અમુક ચોક્કસ કળાઓ સામે તમારી આંખ બંધ રાખી શકો છો. એ વ્યક્તિગત પસંદગીની બાબત છે.' 

કળા વિશે હટ કે વિચારો ધરાવતા આશુતોષ રાણા અભિનેતા તરીકે પણ હટ કે કામ કરવા માટે જાણીતા છે. તેઓ માને છે કે અભિનેતાએ લાકોનો આદર મેળવવો હોય તો પોતાના ક્મ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી મહેનત કરવી જરૂરી છે. એક અભિનેતા તરીકે આશુતોષ રાણાએ પઠાણ, સમ્રાટ પૃથ્વીરાજ, વોર અને સિમ્બા જેવી કમર્શિયલી હીટ ફિલ્મો કરે છે તો બીજી તરફ આરણ્યક, ખાકી, પગલૈત, સોનચિડિયા અને ભીડ જેવી અલગ પ્રકારની ફિલ્મો પણ કરે છે. જ્યારે રાણાને સવાલ કરવામાં આવ્યો કે તમે તમારા પાત્રોની પસંદગી કેવી રીતે કરો છો ત્યારે તેઓ કહે છે, 'દરેક એક્ટર વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવવા માગતો હોય છે. જ્યારે કોઇ આ ભૂમિકાઓની નોંધ લે ત્યારે અભિનેતા તેનો અડધો જંગ જીતી જતો હોય છે. મેં ઉપર જણાવેલી ફિલ્મોમાં જે પાત્રો ભજવ્યા છે તે પ્રકારની ભૂમિકાઓની હું રાહ જોતો હોઉં છું. ભૂમિકાઓની પસંદગી કરતી વખતે કળાકાર કે અદાકાર તરીકે નિર્ણય લેવો પડતો હોય છે. જો હું અદાકાર હોઉં તો મારે એક સ્ટાઇલ વિકસાવવી પડે જે તમારી ઓળખ બની જાય. પણ જો હું કળાકાર  તરીકે ભૂમિકા ભજવવાનું પસંદ કરૂ તો મારે મેં અગાઉ કરેલું તમામ કામ ભૂલી જવું પડે. મને કળાકાર તરીકે કામ કરવાનું ગમે છે. આમ કરવાથી એક પ્રકારનું વૈવિધ્ય જાળવી શકાય છે.' 

વિવિધ પ્રકારનાં પાત્રો ખાતરીપૂર્વક તમે કેવી રીતે ભજવી શકો છો તેવા સવાલના જવાબમાં રાણાએ જણાવે છે, 'પહેલાં તો તમારી ભૂમિકા તમારે ગળે ઉતરવી જોઇએ. આપણે ત્યાં એક્ટર સફળ થાય એટલે તેને એક પ્રકારના બીબાંઢાળ રોલ મળ્યા કરે છે અને તે તેની ઇમેજ ઉભી થાય તેમાં બંધાઇ જાય છે. મેં આવા કોઇ બંધનમાં ન રહેવાનું નક્કી કર્યું છે. વિમાન જમીન પર હોય ત્યારે એકદમ સલામત હોય છે પણ તેનું કામ ઉડવાનું છે જમીન પર પડયા રહેવાનું નહીં.આવી જ રીતે જો હું વિવિધ પાત્રો ભજવી મારી જાતને પડકારૂ નહીં તો અભિનેતા તરીકે મને કોઇ આદર મળશે નહીં. એક અભિનેતા તરીકે તમારે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી અલગ પ્રકારની ભૂમિકાઓ ભજવવી જરૂરી છે. સદ્નસીબે મારા ભાગે વિવિધ પ્રકારના પાત્રો ભજવવાનું આવ્યું છે. ઇસ લિયે આપ હમારી મિમિક્રી નહીં કર સકતે. ' 

રાણા જણાવે  છે કે, 'મારા નસીબ સારા છે કે મને એવા દિગ્દર્શકો મળ્યા છે જે હું વિવિધ પાત્રો ભજવું તેમ ઇચ્છતા હતા. દાખલા તરીકે અનુભવ સિંહા. તેમની સાથે મેં બે ફિલ્મ કરી છે. પ્રથમવાર મુલ્ક કરી ત્યારે તેઓ એક અલગ નવા તબક્કામાંથી પસાર થઇ રહ્યા હતા. એ પછી મેં કોરોના કાળ બાદ તેમની સાથે ભીડ ફિલ્મ કરી. બંને ફિલ્મોમાં મારા પાત્રો એકમેકથી સાવ અલગ છે. અનુભવસિંહા એ નોંધપાત્ર લેખક-નિર્દેશક છે. તેમની સાથે કામ કરવાની મજા એ છે કે તમને ખબર જ પડતી નથી કે ક્યારે તમારું કામ પુરૂ થઇ ગયું. મારા જેવા અભિનેતા  માટે અનુભવ સાથે કામ કરવાનો અનુભવ આનંદદાયક બની રહ્યો છે. તેઓ વસ્તુઓને સતત પુન: વ્યાખ્યાયિત કરવામાં માને છે.' 

આવા પીઢ અને અનુભવી એક્ટર આશુતોષ રાણાએ તેમના જેવા જ મંજાયેલા એક્ટર વિજય રાઝ સાથે એક સાયકોલોજિકલ થ્રીલર સિરિઝ મર્ડર ઇન માહિમ કરી છે. મર્ડર ઇન માહિમની ભૂમિકા વિશે આશુતોષ રાણા કહે છે, 'આ એક એવી ભૂમિકા છે જે મેં અગાઉ ક્યારેય ભજવી નથી.' 

ઓડિયન્સને હું એવી ભૂમિકામાં જોવા મળીશ જે મેં કદી અગાઉ ભજવી નથી. જિયો સિનેમા પ્રિમિયમ પર  મે મહિનામાં  પ્રસારિત મર્ડર ઇન માહિમ સિરિઝમાં વિજય રાઝ ઇન્સ્પેક્ટર જેન્ડેના પાત્રમાં  અને આશુતોષ રાણા તેમાં પત્રકાર પીટરની ભૂમિકામાં જોવા મળે  છે. લેખક જેરી પિન્ટોના પુસ્તક પર આધારિત આ સિરિઝનું દિગ્દર્શન રાજ આચાર્યએ કર્યું છે. 

આશુતોષ રાણા પીટરના ડાર્ક પાત્ર ભજવવાના અનુભવ બાબતે કહે છે, 'સહેજ ચસકેલાં પાત્રો ભજવવામાં કળાકારની કસોટી થાય છે. આવા પાત્રો ભજવવા માટે તમારે તે પાત્ર જેવા રાક્ષસ બનવું પડે છે. અને તેમની જેમ જ વિચારવું, વર્તવું અને અભિવ્યક્ત થવું પડે છે. પણ આમાં સારી વાત એ છે કે જ્યારે તમે પાત્ર ભૂલીને વાસ્તવમાં આવો ત્યારે તમે વધારે માનવીય બની બહાર આવો છો.' વેલ સેઇડ, આશુતોષ.   


Google NewsGoogle News