મૃણાલ ઠાકુર : સરળતાથી મળતી સફળતામાં મજા નથી
- છેવટે મારી મહેનત રંગ લાવી. હવે મને ધ્યાનમાં રાખીને પાત્રો લખાઇ રહ્યાં છે. તેથી જ સારામાં સારું પર્ફોર્મન્સ આપવા માટે હું એક સમયે એક જ ફિલ્મમાં કામ કરું છું.
વહેલામોડી મૃણાલ ઠાકર પણ નેપોટિઝમના વિવાદમાં ઝડપાઈ જવાની, તમે જોજો. ના ના, એ પોતે ભાઈભતીજાવાદથી જોજનો દૂર છે, પણ હવે એના ભાઈ ધવલ ઠાકુરે ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી મારી છે. ડિઝની પર હોટસ્ટાર પર 'ઠુકરા કે મેરા પ્યાર' નામના વેબ શોથી એણે અભિનયની દુનિયામાં કદમ માંડયાં છે. ('ઠુકરા કે...' કેવું જૂનવાણી ટાઇટલ છે, નહીં? ૧૯૮૦ના દાયકાની કોઈ ફિલ્મ જેવું લાગે છે!) ખેર, 'સુપર થર્ટી', 'બાટલા હાઉસ' જેવી ફિલ્મોથી સફળતાનો સ્વાદ ચાખનાર મૃણાલને છેલ્લાં કેટલાંક વર્ષોથી સાઉથમાં ધમાલ મચાવી રહી છે. એની 'સીતા રામમ્' અને 'હાઇ નન્ના' હિટ થઈ ગઈ પછી એને તો બેય હાથમાં લાડવા છે. મૃણાલ કહે છે, 'છેલ્લા કેટલાક મહિનાઓમાં મેં ઘણી સ્ક્રિપ્ટ્સ વાંચી છે યા તો નરેશન સાંભળ્યાં છે, પણ 'સીતા રામમ્' અને 'હાય નન્ના'એ મારા માટે નવાં સીમાચિહ્નો બનાવ્યાં છે. આ ફિલ્મો પછી મારી મહત્ત્વાકાંક્ષા પણ વધી છે. દક્ષિણ ભારતના દર્શકોએ મને જે રીતે પ્રેમથી આવકારી છે તે જોતાં હું તેમને મનોરંજનના મજબૂત ડોઝ આપવા માગું છું.'
સહજે સવાલ થાય કે મૃણાલમાં રહેલું હુન્નર હિન્દી ફિલ્મોના સર્જકોએ સારી રીતે પારખ્યું છે કેે તેલુગુ ફિલ્મોના? આનો સ્પષ્ટ જવાબ આપ્યા વગર અદાકારા કહે છે, 'હું ધીમે ધીમે એક એક પગથિયું ચડી રહી છું. દિગ્દર્શક તબરેઝ નૂરાનીએ મને ટોળામાંથી ખોળી કાઢી અને 'લવ સોનિયા'માં સોનિયાની ભૂમિકા ભજવવાની તક આપી. તેવી જ રીતે વિકાસ બહેલે મને 'સુપર થર્ટી'માં હૃતિક રોશન સાથે કામ કરવાની તક આપી. મારા મતે સરળતાથી મળતી સફળતાનું મૂલ્ય શૂન્ય હોય. તેથી હું એક એક પગલું ભરીને આગળ વધવા માંગુ છું.'
મૃણાલ ધીમી ગતિએ આગળ વધવામાં માને છે એ વાત સાચી, પણ હવે તેને શક્તિશાળી પાત્રો ઓફર થઇ રહ્યાં છે તેનું શું? મૃણાલ કહે છે, 'હું તો ખુશ છું કે મને ફિલ્મ સર્જકો સામે ચાલીને કહી રહ્યા છે કે અમારે તારી સાથે ફિલ્મ બનાવવી છે. તેઓ એવું પણ કહે છે કે તને 'સીતા રામમ્' અને 'હાય અન્ના' કરતાંય ચઢિયાતા રોલ આપીએ તો જ દર્શકો અમારી ફિલ્મને સ્વીકારે. તેમની આવી વાતો મને સંતોષ આપે છે. મને એમ થાય છે કે છેવટે મારી મહેનત રંગ લાવી. હવે મને ધ્યાનમાં રાખીને પાત્રો લખાઇ રહ્યાં છે. તેથી જ સારામાં સારું પર્ફોર્મન્સ આપવા માટે હું એક સમયે એક જ ફિલ્મમાં કામ કરું છું. મારી થાળી અત્યારે ભરેલી છે અને હું એક એક કોળિયો ધીમે ધીમે, ચાવી ચાવીને ખાવા માગું છું. જિંદગી બહુ લાંબી છે અને મારે હજી લાંબી મજલ કાપવાની છે.'
મૃણાલ નજીકના ભવિષ્યમાં 'પૂજા મેરી જાન', 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ', 'સન ઓફ સરદાર-ટુ' અને 'તુમ હો તો' જેવી હિન્દી ફિલ્મોમાં ક્રમબધ્ધ દેખાશે.