મૃણાલ ઠાકુરને એક આઉટ એન્ડ આઉટ રોમેેન્ટિક ભૂમિકા ભજવવી છે

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
મૃણાલ ઠાકુરને એક આઉટ એન્ડ આઉટ રોમેેન્ટિક ભૂમિકા ભજવવી છે 1 - image


- 'મને રોમેન્ટિક ભૂમિકા ન મળવાનું કારણ કદાચ એ પણ હોય કે હું હજુ એટલી બધી પોપ્યુલર હિરોઇન બની નથી!' 

બોલિવુડમાં એક દાયકાથી વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવીને લોકપ્રિય બનેલી મૃણાલ ઠાકુરને વસવસો છે કે એક જબરદસ્ત રોમેન્ટિક ભૂમિકા કરવાની એની ઇચ્છા હજી પુરી થઇ નથી! મૃણાલ નિખાલસપણે કહે છે, 'મને રોમેન્ટિક ભૂમિકા ન મળવાનું કારણ કદાચ એ પણ હોય કે હું હજુ એટલી બધી પોપ્યુલર હિરોઇન બની નથી!' 

મૃણાલ પાસે ઘણી ફિલ્મોની ઓફર છે, પણ તેમાં રોમેન્ટિક મૂવી એક પણ નથી. એ કહે છે, 'મારે રોમેન્ટિક ફિલ્મ કરવી છે, પણ હું કદાચ ઘર-ઘરમાં જાણીતી બની નથી એટલે નિર્માતાઓ મને આવા રોલ ઓફર કરતા નથી. મેં એક દાયકાથી વિવિધ પ્રકારની ફિલ્મો સફળતાપૂર્વક કરી છે. મારે આજની તારીખેય મારી જાતને પુરવાર કરવી પડે છે. આને કારણે હવે મને એક પ્રકારનો થાક વરતાય છે. હું ઇચ્છું છું કે મારી પ્રતિભા અનુસાર મને મનગમતું કામ આપોઆપ મળતું રહે.' 

રસપ્રદ બાબત એ છે કે મૃણાલને તેલુગુ ફિલ્મોમાં રોમેન્ટિક રોલ કરવા મળે છે, પણ હિન્દી ફિલ્મોમાં તેની રોમેન્ટિક ફિલ્મ કરવાની ઇચ્છા હજી અધૂરી જ છે. ૨૦૨૨માં મૃણાલની પ્રથમ તેલુગુ ફિલ્મ 'સીતા રામમ્' આવી ત્યારે કોઇને ખબર નહોતી કે આ ફિલ્મ જબરદસ્ત હિટ નીવડશે. મૃણાલની આ ફિલ્મનું હિન્દી વર્ઝન પણ સારું ચાલ્યું હતું. આ પિરીયડ રોમેન્ટિક ફિલ્મમાં મૃણાલ અને દુલકર સલમાનની જોડી સરસ જામી હતી. આ ફિલ્મ કરતાં પહેલાં એ તેલુગુનો 'ત' પણ ન જાણતી ન હતી. 

આ ફિલ્મ દરમ્યાન તેને પડેલી મુશ્કેલીની વાત કરતાં મરાઠી મુલગી મૃણાલ કહે છે, 'જ્યારે તમે ભાષા જાણતા ન હો ત્યારે તમને એક પ્રકારની ચટપટી થયા કરે કે હું આ બધું કરું તો છું, પણ સ્ક્રીન પર તે કેવું લાગશે? તમે નહીં માનો, પણ ઘણીવાર મને આ ફિલ્મ છોડી દેવાનો વિચાર આવ્યો હતો. મને તેલુગુ ભાાષામાં ડાયલોગ્ઝ ગોખવાનું એટલું અઘરું લાગતું હતું કે હું ઘણીવાર રડી પડતી. સદભાગ્યે મારું દરેક આંસુ આખરે તો મારા માટે પ્રશંસાનું ફૂલ બની ગયું.'  

મૃણાલ એેની તેલુગુ કથા આગળ વધારતાં કહે છે, 'અગાઉ મને એમ કે ફિલ્મમાં આખરેે તો સ્ટોરી જ સૌથી મહત્ત્વની છે, ભાષા તો પછી સમજી લેવાય. પણ હવે મને લાગે છે કે જો તમે ભાષા ન જાણતા હો તો મુશ્કેલી તો પડે જ છે. નાનપણથી જ હું રાજકુમારી બનવા માગતી હતી અને આ એકમાત્ર તક મને મળી હતી.' 

આ મુશ્કેલ સમયમાં સાથી દુલકરે કરેલી સહાયને મૃણાલ ભૂલી નથી. મૃણાલ કહે છે, 'મને યાદ છે, મેં કાશ્મીરમાં દુલકરને જણાવ્યું હતું કે 'સીતા રામમ્' એ મારી પહેલી અને છેલ્લી તેલુગુ ફિલ્મ છે, હું હવે ક્યારેય તેલુગુ ફિલ્મ નહીં કરૂ. તેણે મારી સામે જોઇને માત્ર એટલું જ કહ્યું હતું, આપણે જોઇશું! આજે હું કન્નડ કે તમિલ ફિલ્મ કરવાનો વિચાર કરતી હોઉં તો તેનું શ્રેય દુલકર સલમાનને જાય છે. તે એક સમર્પિત અભિનેતા છે. તેને કોઇ ભાષાનો કશો ડર લાગતો નથી. મારી જાતને દુલકર સલમાન ફેન કલબની પ્રેસિડેન્ટ ગણાવવામાં મને કોઈ શરમ નથી!'    


Google NewsGoogle News