મૃણાલ ઠાકુર: ટોલિવુડથી બોલિવુડ સુધીની સફળ ઉડાન
- લગ્ન, બાળકો અને પરિવાર સાથે સમય વિતાવવાની કલ્પના મૃણાલને અદભુત લાગે છે. એ ખરેખર આમ માને છે? કે પછી, પોતાની 'ફેમિલી સ્ટાર' ફિલ્મની થીમને પ્રમોટ કરવા આમ કહે છે?
દક્ષિણ ભારતમાં જોરદાર સફળતા મેળવનાર મૃણાલ ઠાકુર સંજય લીલા ભણસાળીની ફિલ્મ સાથે હવે બોલીવૂડ પર નજર ઠેરવી રહી છે. તેલુગુ સિનેમા ઉદ્યોગમાંથી અનેક લલચાવનારી ઓફરો મળવા છતાં મૃણાલનું મુખ્ય લક્ષ્યાંક હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું સ્થાન દ્રઢ બનાવવા પર રહ્યું છે.
મૃણાલે 'જર્સી' અને 'સુપર ૩૦' જેવી હિન્દી ફિલ્મોમાં પોતાની પ્રતિભા સાબિત તો કરી હતી પણ પછી બોલિવુડમાં તેને વધુ કોઈ તક નહોતી મળી અને કોઈ આકર્ષક ઓફરની રાહ જોઈ રહી હતી. હવે ભણસાળી સાથે તેને ઓફર મળતા બોલીવૂડમાં તે પોતાનું સ્થાન જમાવવા આતુર છે.
તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં 'સીતા રામમ' અને 'હાઈ નાના' જેવી હિટ ફિલ્મોમાં પોતાની ભૂમિકા માટે પ્રશંસા મેળવ્યા પછી મૃણાલની લોકપ્રિયતા વધી છે જે વિજય દેવેરાકોન્ડા સાથે તેની આગામી ફિલ્મ 'ફેમિલી સ્ટાર'ને મળેલા ધ્યાનથી સ્પષ્ટ થાય છે. પોતાની નવી દક્ષિણ ભારતીય ફિલ્મ માટે પ્રમોશનમાં વ્યસ્ત રહેલી મૃણાલ ઠાકુર 'મુજસે કુછ કહેતી યે ખામોશિયા' અને 'કુમકુમ ભાગ્ય' જેવી ટીવી સીરીયલો, જેમાં તેને શ્રેષ્ઠ સપોર્ટીંગ ટીવી અભિનેત્રી માટે ઈન્ડિયન ટેલીવીઝન એવોર્ડ મળ્યો હતો, તેનાથી શરૂ થયેલી પોતાની કારકિર્દી વિશે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
ટોલીવુડમાં 'સીતા રામમ'થી મળેલો બ્રેકથુ્ર મૃણાલને સ્ટારડમ તરફ લઈ ગયો અને 'હાઈ નાના'માં તેના પરફોર્મન્સથી આ સ્થિતિ વધુ મજબૂત બની. જો કે હાલ 'ફેમિલી સ્ટાર'માં વિજય દેવેરાકોન્ડા સાથે તેની કેમિસ્ટ્રી ચર્ચામાં છે.
અનેક મુખ્ય કલાકારો સાથે રૂપેરી પડદે ચમક્યા પછી મૃણાલે ખુલ્લેઆમ જાહેર કર્યું કે દલકીર સલમાન તેનો સૌથી મનપસંદ સહકલાકાર છે, જેણે સીતા રામમના પડકારજનક શૂટ દરમ્યાન તેને સમર્થન અને પ્રેરણા આપી હતી.
સોશિયલ મીડિયા પર સલમાન માટે લાગણી વ્યક્ત કરતા મૃણાલે મલાયાલમ સુપરસ્ટાર સાથે તેની મિત્રતાની પ્રશંસા કરીને તેના વ્યાવસાયિક સંબંધમાં રસપ્રદ સ્તર ઉમેર્યું હતું. સલમાને પણ તેમના વિશિષ્ટ સંબંધનો સ્વીકાર કરતા સંકેત આપ્યો કે તેમના આગામી પ્રોજેક્ટો અસાધારણથી જરા પણ ઓછા નહિ હોય. દરમ્યાન 'ફેમિલી સ્ટાર'ના તેના સહકલાકાર વિજય દેવેરાકોન્ડાએ મૃણાલની પ્રતિભા અને વ્યાવસાયિક્તાની પણ ભોરાભાર પ્રશંસા કરી હતી. જટિલ ભૂમિકાઓ સરળતાથી નિભાવવાની અને અસરકારક રીતે લાગણી વ્યક્ત કરવાની મૃણાલમાં ક્ષમતા હોવાનું તેણે જણાવ્યું હતું. દેવેરાકોન્ડાએ તો મૃણાલના ચહેરાની સુંદરતાની પણ ખૂબ પ્રશંસા કરી હતી. તેના મતે મૃણાલના શારીરિક ફીચર્સ પડદા પર તેના પરફોર્મન્સમાં પ્રાણ પૂરે છે, પરિણામે તે આદર્શ અભિનેત્રી બની શકશે. મૃણાલે પણ ફેમિલી સ્ટારના પ્રમોશન દરમ્યાન દર્શકો સામે નતમસ્તક થઈને પોતાને આ ઊંચાઈએ પહોંચવામાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મૃણાલે જણાવ્યું હતું કે ચાહકોનું અતૂટ સમર્થન જ તેની ફિલ્મી કારકિર્દીમાં સફળતા માટે કારણભૂત રહ્યું છે. મૃણાલના ચાહકો તેના આ વર્તનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
પ્રમોશન દરમ્યાન મૃણાલે લગ્ન, બાળકો અને તેમની સાથે સમય વિતાવવો એક અદ્ભુત વિચાર છે અને તે જ જીવનનો ખરો આનંદ છે. મૃણાલના મતે પોતાના બોળકો અને જીવનસાથી સાથેનો બોન્ડ ખુશીની ચરમ સીમા છે. મૃણાલનું આ મંતવ્ય તેના પોતાના વિચાર હતા કે પછી તે 'ફેમિલી સ્ટાર' ફિલ્મના થીમને પ્રમોટ કરી રહી હતી તે જોવાનું રહેશે.
'ફેમિલી સ્ટાર' ઉપરાંત મૃણાલની બોલિવુડ સફરમાં સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ફિલ્મ 'પૂજા મેરી જાન'નો પણ ઉમેરો થયો છે જેમાં તે હુમા કુરેશી સાથે પડદા પર દેખાશે. વિવિધ ભૂમિકાઓ અને ઉદ્યોગો વચ્ચે સફળતા હાંસલ કરીને મૃણાલ સિદ્ધિઓ હાંસલ કરી રહી છે.