મિસીસ અને મહેતા બોય્ઝ વાત આત્મપ્રેમ અને લવ-હેટ રિલેશનશિપની...
- સંજય વિ. શાહ
- પ્રેમ એટલે ફ્ક્ત સ્ત્રી-પુરુષનો રોમેન્ટિક પ્રેમ જ નહીં. પોતાની જાત પ્રત્યેનો પ્રેમ કદાચ સૌથી અગત્યનો, સૌથી નિર્ણાયક છે. 'મિસીસ'માં આવા સેલ્ફ લવની, ખુદવફાઈની વાત થઈ છે. શું પ્રેમ અને ધિક્કાર એક જ સિક્કાની બે બાજુઓ છે? 'મહેતા બોય્ઝ'માં એક પિતા-પુત્રના લવ-હેટ રિલેશનશિપની સંવેદનશીલ કથા છે.
એક ઓરિજિનલ અને એક રિમેક ફિલ્મની વાત કરીએ. એક એવી છે જેનાથી બમન ઇરાની દિગ્દર્શક બન્યા છે. બીજીમાં સાન્યા મલ્હોત્રાનો અભિનય ખીલ્યો છે.
મોટા પડદે એવું થયું છે કે ઝમકદાર ફિલ્મ માટે દર્શકોએ રાહ જોવી પડે છે. નાના પડદે, એટલે ઓટીટી પર એવું છે કે વેબ સિરીઝ અને એક્સક્લુઝિવલી ઓટીટી પર આવતી ફિલ્મોનો પ્રવાહ લગભગ અવિરત જારી છે. હાલમાં બે હિન્દી ફિલ્મો સીધી ઓટીટી પર આવી છે. બેઉ આશાસ્પદ છે. એક છે બમન ઇરાનીના દિગ્દર્શક તરીકેના પદાર્પણવાળી 'ધ મહેતા બોય્ઝ' અને બીજી છે, સાન્યા મલ્હોત્રાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી 'મિસીસ'. બેઉ ફિલ્મની છણાવટ કરીએ.
'મહેતા બોય્ઝ'માં વાત છે આકટેક્ટ અમય (અવિનાશ તિવારી) અને એના અણગમતા પિતા શિવ (બમન ઇરાની)ના સંબંધોની. અમયની ગર્લફ્રેન્ડ ઝારા (શ્રેયા ચૌધરી) છે. બેઉ અમય-ઝારા એક જ કંપનીમાં છે. અમયમાં આત્મવિશ્વાસનો અભાવ છે, જે એની પ્રગતિ રુંધે છે. એવામાં, અમયને એની માતાના અવસાનના સમાચાર મળે છે. એ જાય છે ગામ, જ્યાં અણગમતા પિતાનો એ સામનો કરે છે. જોકે રાહત એટલી છે કે પિતા દીકરી આના (શિખા સરુપ) સાથે અમેરિકા જતા રહેવાના છે. એવામાં ગરબડ એ થાય છે કે બાપ-દીકરીનું અમેરિકા જવાનું બે દિવસના અંતરે થાય છે. આ સ્થિતિમાં આના તો ઉપડી જાય છે પણ શિવે દીકરા સાથે બે દિવસ મુંબઈ રહેવા આવવાનું થાય છે. હવે બાપ-દીકરો સાથે રહેશે ત્યારે શું થશે?
ધીમી આંચે પાકતી વાનગી જેવી આ ફિલ્મ અને એની માવજતને માણવા માટે એમાં એકરસ થવું પડે, અન્યથા, પડદે આકાર લેતી ઘટનાઓ, ત્યારે જ એની બારીકીઓ મન-મગજ પર છાપ અંકિત કરી શકશે. ઇન ફેક્ટ, એટલે જ એમ કહી શકાય કે આ ફિલ્મ મોટા પડદે જોવાની ચીજ છે, જ્યાં પ્રેક્ષક તરીકે આપણે અંધારામાં ડૂબીને કથાપ્રવાહમાં તણાવા માંડતા હોઈએ છીએ.
બમન ઇરાની ફિલ્મના ડિરેક્ટર અને અભિનેતા ઉપરાંત સહનિર્માતા અને સહલેખક છે. 'બર્ડમેન' ફિલ્મના ઓસ્કાર એવોર્ડ વિનર સહલેખક એલેક્ઝાંડર ડિનેલિરાસ સાથે એમણે ફિલ્મલેખન કર્યું છે. બહુ જ મંદ અને સરળતા સાથે ફિલ્મમાં ઘટનાઓ, કહે કે સંબંધોના તાણાવાણા ઉઘડતા રહે છે. એમાંના ઘણા એવા પણ છે જે દર્શકો માટે સામાન્ય છે. એવા તાણાવાણા અને દ્રશ્યો જો દર્શકને પ્રભાવિત કરી શકે છે તો એનું કારણ બમન અને અવિનાશનો સંતુલિત અભિનય છે. અન્યથા, 'ધ મહેતા બોય્ઝ' બહુ સરેરાશ બની રહેત. શ્રેયા અને ખાસ તો શિખા ફિલ્મને તારી જતાં અન્ય બે પરિબળ છે.
ટેકનિકલી ફિલ્મ સરસ છે. ટ્રીટમેન્ટ બહુ બિલિવેબલ છે. ૧૧૮ મિનિટની આ ચોખ્ખીચણાક ફિલ્મને સપરિવાર માણવાનો વિચાર કરવા જેવો છે. બશર્તે કે ધીમી, ધમાલ વિનાની, સરળ ફિલ્મમાં રસ હોય. પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.
***
બીજી ફિલ્મ છે 'મિસીસ'. એક્ચ્યુલી, એ મલયાલમ ફિલ્મ 'ધ ગ્રેટ ઇન્ડિયન કિચન'ની હિન્દી રિમેક છે. જીઓ બેબી દિગ્દશત એ ફિલ્મની આપણે ૨૦૨૨માં આ જગ્યાએ વાત કરી ગયા છીએ. એકદમ મસ્ત એ ફિલ્મનું હિન્દીકરણ થયું છે ત્યારે સહસા મનમાં પ્રશ્ન હતો કે ઓરિજિનલ કરતાં એમાં અલગ શું છે, અથવા કહો, એનાથી સારું શું છે. જવાબ મેળવતા પહેલાં વાત કરીએ વાર્તાની.
દિવાકર સાથેનાં અરેન્જ્ડ મેરેજ પછી, નૃત્યમાં પારંગત રિચા (સાન્યા મલ્હોત્રા)નું જીવન બદલાઈ જાય છે. કારણ, એનાં સાસુ મીના (અપર્ણા ઘોષાલ) અને સસરા અશ્વિન (કવંલજિત સિંહ) સહિત પતિને મન ી એટલે રસોડામાં અને ઘરકામમાં વ્યસ્ત રહેવાને સર્જાયેલી પૂતળી. સારી ગૃહિણી, પતિવ્રતા પત્નીથી વધુ કશું પણ બનવાનો વિચાર કરવો રિચા માટે અશક્ય થઈ જાય છે. સવાર-બપોર-સાંજ ભોજન રાંધતા રહેવું, સફાઈ કરવી અને રાતે પતિને શૈયાસુખ આપવું એ તારું જીવન છે એવું રિચાને બરાબર ઠસાવવામાં આવે છે. એ સાંભળે નહીં ત્યારે ફરી એ વાત દોહરાવવામાં આવે છે. એમાં ને એમાં ગઈકાલની આશાસ્પદ, ઉછળતી-કૂદતી રિચા કરમાવા માંડે છે અને...
આરતી કડવ દિગ્દશત આ ફિલ્મને હિન્દીમાં હરમન બાવેજા અને અનુ સિંઘ ચૌધરીએ ઢાળી છે. એમણે મૂળ ફિલ્મને વફાદાર રહેવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. છતાં, ઘણી બાબતે પેલી ઓરિજિનલ ઓરિજિનલ છે. પહેલું કારણ બેઉ ફિલ્મની ટ્રીટમેન્ટમાં ફરક. મલયાલમ ફિલ્મ હદ બહાર વાસ્તવિક હતી. એમ લાગે જ નહીં કે ફિલ્મ જોવાઈ રહી છે. હિન્દી વર્ઝન એની નજીક છે, પણ અસલ જેવી અસરકારક નથી. બીજું કારણ ઓરિજિનલમાં નિમિષાનો અફલાતૂન અભિનય છે. સાન્યાએ પણ બેશક સરસ પરફોર્મ કર્યું છે.આ ફિલ્મના અભિનય માટે એ ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રે અભિનેત્રીનો એવોર્ડ પણ જીતી ચૂકી છે. તો પણ એ કહેવામાં અતિશયોક્તિ નથી કે નિમિષા વોઝ નિમિષા.
'ધ ગ્રેટ...'માં સર્જાતો માહોલ એના આર્ટવર્કને પણ આભારી હતો. એમાં દેખાતું મલયાલી ઘર આફરીન પોકારી જવાય એવું હતું. 'મિસીસ'નું નોર્થ ઈન્ડિયન ઘર વાસ્તવિકતાની નજીક હોવા છતાં વાસ્તવિક નથી. ઓરિજિનલમાં નિમિષાના નૃત્યના શોખને ખપપૂરતો પડદે ચમકાવાયો હતો. અહીં એને વધુ માઇલેજ અપાયું છે.
આ વાંચીને રખે એમ માનતા કે મિસીસ જોવામાં સમય ખર્ચવા જેવો નથી. એક ીનું જીવન ઘરની ચાર દીવાલમાં કેદ થઈને કેવું કુંઠિત થઈ શકે છે એ જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. એને કદ પ્રમાણે (ખરેખર તો, એના ખરેખરા કદ કરતાં ક્યાંય નાની) વેતરી નાખવા માટે, જરૂરી નથી કે સાસરિયા કાયમ લડે કે મારપીટ કરે. એ કામ તો શાંતિથી, સિફતપૂર્વક પણ થઈ શકે છે. વાત પોતાની જાત પ્રત્યેના પ્રેમની છે, ખુદવફાઈની છે. આ ફિલ્મ એ મુદ્દો પણ સચોટ રીતે રજૂ કરે છે. સાન્યા ઉપરાંત ફિલ્મને દમદાર બનાવવામાં કવંલજિતના અભિનયનો મોટો ફાળો છે.
સમય કાઢીને જોજો આ ફિલ્મ. દિલ તૃપ્ત થઈ જશે. ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ રહી છે.