મૌની રૉયનું વજન જ્યારે 30 કિલો વધી ગયું..

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
મૌની રૉયનું વજન જ્યારે 30 કિલો વધી ગયું.. 1 - image


ટચૂકડા પડદાની ખ્યાતનામ અદાકારા મૌની રૉય અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના મનોહર ફોટા પોસ્ટ કરતી રહે છે. જોતજોતામાં વાઇરલ થતાં તેના ફોટામાં ઝળકતી અભિનેત્રીની કમનીય કાયા કદાચ ઘણી સેલિબ્રિટીઓ માટે ઇર્ષ્યાનું કારણ બનતી હશે. પરંતુ શું તમે જાણો છો કે થોડાં વર્ષ અગાઉ મૌનીનું વજન ૩૦ કિ.ગ્રામ જેટલું વધી ગયું હતું. તે વખતે અદાકારાને એમ લાગતું હતું કે તેનું જીવન જ ખતમ થઈ રહ્યું છે.

એકતા કપૂરની સીરિયલ 'નાગીન' દ્વારા ઘર ઘરમાં મશહૂર બનેલી મૌની રૉયે તાજેતરમાં જ  આઠેક વર્ષ પહેલાની આ વાત વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે તે વખતે મને સ્લિપ ડિસ્ક ડિજનરેશન અને કેલ્શિયમ સ્ટોનની સમસ્યા થઈ હતી. હું ત્રણ મહિના સુધી બેડરેસ્ટ પર હતી. મારે પુષ્કળ દર્દશામક ગોળીઓ લેવી પડતી. ત્રણ મહિનામાં મારું વજન ૩૦ કિ.ગ્રામ જેટલું વધી ગયું હતું. મારી હાલત જોઈને મને એમ લાગતું હતું કે મારું જીવન હવે ખતમ થઈ જશે. જોકે તે વખતે મને કોઈએ જોઈ નહોતી. હકીકતમાં તે સમયમાં હું લાઈમલાઈટમાં નહોતી... પરંતુ ત્યાર પછી તરત જ મેં 'નાગિન'માં કામ કર્યું.

મૌનીની વાત સાંભળીને એવો પ્રશ્ન થવો સહજ છે કે 'નાગિન'માં અભિનેત્રી કેવી કામણગારી લાગતી હતી. તો પછી તેણે આટલી ઝડપથી વજન ઘટાડયું શી રીતે? આના જવાબમાં મૌની કહે છે કે હું સતત વિચારતી રહેતી કે મારે વજન ઘટાડવું કેવી રીતે? છેવટે મેં મારી ઔષધિઓ લેવાનું બંધ કરી દીધું, ખાવાપીવાનું છોડી દીધું અને થોડાં દિવસ માત્ર જ્યુસ પર રહી. ભૂખને કારણે મારો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. છેવટે મને લાગ્યું કે વજન ઓછું કરવાની રીત સાવ ખોટી છે. વાસ્તવમાં તે વખતે મારો ખોરાક બહુ વધારે હતો. હું ત્રણ-ચાર જણ ખાય એટલો ખોરાક લેતી. સૌથી પહેલા મેં મારા ખોરાકનું પ્રમાણ અંકુશમાં લીધું. ત્યાર પછી મેં આહાર નિષ્ણાતનો સંપર્ક કર્યો અને તેમના માર્ગદર્શન હેઠળ મેં મારું વજન ક્રમશ: ઘટાડયું.

'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'થી ટચૂકડા પડદે કદમ માંડયા પછી 'નાગિન' દ્વારા લોકપ્રિયતાના શિખરો સર કરનાર મૌની રૉયે પોતાના ડાયટ વિશે કહ્યું હતું કે હું દરરોજ સવારના નાસ્તામાં પૌંઆ અને ફણગાવેલા કઠોળ લઉં છું. ત્યાર બાદ લંચ ટાઈમ સુધીમાં ભૂખ લાગે તો સુકો મેવો અથવા ફળ લઉં છું. બપોરના ભોજનમાં હું અમારું બંગાળી ખાણું લઉં છું. સાંજે મને કાંઈક ચટપટું ખાવાની ઇચ્છા થાય તો હું ભેળ ખાવાનું પસંદ કરું છું. અને રાત્રે મુખ્યત્વે સલાડ લઉં છું. આ રીતે મારી મરોડદાર કાયા જળવાઈ રહે છે. 

ટૂંકમાં, શરીર મેદસ્વી બને તો ગભરાવાનું નહીં!


Google NewsGoogle News