મૌની રોય : સખત પરિશ્રમનો કોઈ શોર્ટકટ હોતો નથી
- 'ડાન્સ હોય કે અભિનય, જો તમે તમારું ૧૦૦ ટકા કૌશલ્ય દાખવશો તો આખરે તમે ચોક્કસ સફળ થઈ શકશો. આ જ મારો એક માત્ર જીવનમંત્ર છે..'
નાના પડદા પર અભિનયની કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી મૌની રોયે બોલિવુડની ફિલ્મોમાં તો એક અનોખી ઓળખ બનાવી લીધી છે. મૌની રોયે પોતાના સ્વપ્નની શરૂઆત એકતા કપૂરની સીરિયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' કરી હતી. આ પછી તો 'નાગિન' જેવી સીરિયલોથી તો તેણે જબરદસ્ત લોકપ્રિયતા અને ચાહના મેળવી. આ પછી તેણે બોલીવૂડની ફિલ્મો ભણી ડગ માંડયાં અને અત્યાર સુધીમાં તે 'ગોલ્ડ'થી માંડીને 'લંડન કોન્ફિડેન્શિયલ', 'બ્રહ્માસ્ત્ર' જેવી ફિલ્મોમાં નજરે પડી છે.
અત્યારે તેણે વેબ સિરીઝ 'શોટાઈમ'માં ચમકી છે અને લોકોનો પ્રેમ મેળવી રહી છે. તાજેતરમાં જ તેણે એક મુલાકાતમાં તેના સંઘર્ષના દિવસોની વાત કરી જે ઘણી જ રોચક અને જાણવા જેવી છે.
અત્યારે મૌની રોય જે સફળતાનો આનંદ મેળવી રહી છે, તેનાથી એ ખૂબ જ ખુશ છે, પણ તેણે તેના સંઘર્ષના દિવસોની વાત શેર કરતાં જણાવ્યું, 'જ્યારે હું કોઈ ફિલ્મ માટે ઓડિશન આપવા જતી અને લોકો મને રિજેક્ટ કરી દેતા હતા ત્યારે મને લાગતું કે હું નાના પડદા પરથી આવી છું તેથી એક્ટિંગ નહીં કરી શકું.'
લોકોને એવું લાગતું હશે કે મૌની માટે નાના પડદાથી મોટા પડદા સુધીની સફર સરળ રહી હશે, પણ મૌની આ વાત સાથે સહમત નથી. આ અંગે મૌની કહે છે, 'પ્રારંભિક દિવસોમાં જ્યારે હું કોઈ દિગ્દર્શક પાસે કામ માગવા જતી ત્યારે તેઓ કહેતા, તારામાં સ્ટાર જેવી કોઈ વાત જ નથી. તું મોટા પડદા માટે નથી બની, પણ સાચું કહું તો મારા મનમાં કોઈ માટે કશીય કડવાશ નથી. હું તો બસ મારા કામ પર ફોકસ કરવા માગું છું.'
મૌની ઈન્ડસ્ટ્રીમાં ટાઈપકાસ્ટ થવા બાબત પણ ઘણી ચર્ચામાં છે. મૌનીએ જણાવ્યું, 'આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું કંઈ સરળ તો નથી જ, કેમ કે દરરોજ એક નવો પડકાર આવીને ઊભો રહે છે અને કલાકારો પાસેથી ઘણી બધી ડિમાન્ડ કરે છે. મને ટાઈપકાસ્ટ કરવામાં આવી છે. હા, ચોક્કસપણે, પણ હું એવા દિગ્દર્શકોની બાબતમાં ચોક્કસપણે ખૂબ જ ભાગ્યશાળી રહી છું, જેમણે મને વિભિન્ન પ્રકારની ભૂમિકામાં જોવાનો અંદાજ બાંધ્યો. હા, મારો કહેવાનો મતલબ છે કે આ ઈન્ડસ્ટ્રી સાચા અર્થમાં નિષ્પક્ષ ઈન્ડસ્ટ્રી બની શકે છે, પણ હું ખરેખર માનું છું કે આ એક ઘણી જ મુશ્કેલ ઈન્ડસ્ટ્રી છે. સખત મહેનતની સાથે સાથે અહીં ઘણા બધા પડકારો પણ આવે છે. આ એક એવો સંઘર્ષ છે જેને તમે નકારી નથી શકતા.'
મૌની રોય વેબ-સીરિઝ 'શો-ટાઈમ'માં ઈમરાન ખાનની ગર્લફ્રેન્ડ બની છે. તેને એવી આશા છે કે આ શોને પગલે તેને હવે પછી વધુ સારી રીતે અભિનય ક્ષમતા બતાવવાનો અવસર મળશે. આ વેબશોને દર્શકો દ્વારા આવકારવામાં આવ્યો છે, જેની ફળશ્રુતિ પ્રાપ્ત થતાં થોડો સમય તો જરૂર લાગશે જ.
બેશક મૌની રોય ભારપૂર્વક એમ પણ કહે છે કે 'સખત પરિશ્રમનો કોઈ શોર્ટકટ નથી. મારું તો એવું માનવું છે કે કામથી જ કામ મળે છે અને કામ બને છે. જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ પર ફોકસ કરો છો, પછી ભલે તે ડાન્સ હોય કે અભિનય, જો તમે તેમાં તમારું ૧૦૦ ટકા કૌશલ્ય દાખવશો અને તમારા પાત્રને બેખૂબીથી નિભાવશો- તેની સાથે તમે પૂરો ન્યાય કરશો તો મને તો લાગે છે કે સમય પસાર થતાં તમે ચોક્કસ સફળ થઈ શકશો. આ જ મારા જીવનનો એક માત્ર મંત્ર છે.'
વાત તો સાવ સાચી.