શાહરૂખ સાથેના મારા સંબંધોમાં પૈસા ક્યારેય વચ્ચે આવતા નથી: કરણ જોહર

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
શાહરૂખ સાથેના મારા સંબંધોમાં પૈસા ક્યારેય વચ્ચે આવતા નથી: કરણ જોહર 1 - image


- 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'થી કરણ જોહરે પૂરવાર કરી દીધું કે એ શાહરૂખ ખાન વગર અને ભારતની બહાર પગ મૂક્યા વિના પણ ફિલ્મ બનાવી શકે છે! 

બોલિવુડમાં અનેક  પ્રકારની કામગીરી બજાવી પોતાનું એક રજવાડું ઊભું કરવામાં કરણ જોહર સફળ થયો છે. રસપ્રદ બાબત એ છે કે કિશોર વયે  કરણ જોહર એક્ટિંગ કરવા માટે અનેક પ્રકારના ધખારા કર્યા હતા. કરણ જોહરનો અભિનય અને નિર્માણ સુધીનો આ પ્રવાસ રસપ્રદ છે. કરણ જોહરની પહેલી ફિલ્મ ૧૬ ઓક્ટોબર ૧૯૯૮ના રોજ 'કુછ કુછ હોતા હૈ' રજૂ થઇ અને એ પછી કરણે કદી પાછું વળીને જોયું નથી. ગયા વર્ષે જ તેની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' રજૂ થઇ. આ કરણની સાતમી ફિચર ફિલ્મ હતી. આ ફિલ્મ સફળ નીવડી એ સાથે કરણ જોહરનું નામ ફરી ગાજતું થયું છે. પણ આ મુકામ સુધી પહોંચવાનો પ્રવાસ તો કરણ તે સ્કૂલમાં હતો ત્યારે પંદર વર્ષની વયથી જ શરૂ થઇ ગયો હતો. 

દસમા ધોરણની પરીક્ષા આપી કરણ સમર હોલી ડે માણી રહ્યો હતો. એ સમયે તેની માતા હીરૂને લોકપ્રિય ટીવી ડાયરેક્ટર આનંદ મહેન્દ્રુનો ફોન આવ્યો. એ સમયે 'દેખ ભાઇ દેખ' હીટ થવાને કારણે આનંદ મહેન્દ્રુ લોકપ્રિય હતા. કરણના જણાવ્યા અનુસાર આનંદે સાંભળ્યું હતું કે  હીરૂનો પુત્ર એકસ્ટ્રા પ્લસ સાઇઝનો છે. અને આનંદને આવો એક કિશોર તેના ટીવી શો માટે જોઇતો હતો. કરણને આ વાત કરવામાં આવી તો તેણે આ તક શા માટે જતી કરવી એમ વિચારી એ સમયે  મહેન્દ્રુની ઓફિસે મલબાર હિલથી નીકળીને દૂરના પરામાં પહોંચ્યો ત્યારે કરણને ખબર પડી કે આનંદ મહેન્દ્રુ તો ઓફિસમાં જ નથી. એ સમયે કરણે ચાર કલાક સુધી તેની રાહ જોઇ. એ વખતે તેની સાથે એ જ વેઇટિંગ રૂમમાં બીજો એક સહેજ મોટો યુવાન પણ રાહ જોતો હતો. તે ચા પીતાં પીતાં ક્રોસવર્ડને સોલ્વ કરવામાં એટલો મશગૂલ હતો કે તેણે કોઇ વાતચીતનો પણ પ્રયાસ ન કર્યો. જેવા દિગ્દર્શક મહેન્દ્રુ આવ્યા કે તેમણે પહેલાં આ યુવાન સાથે વાત કરી. પણ તેમની વાતચીત એક મિનિટ પણ ચાલી નહોતી. મહેન્દ્રુએ આ  યુવાનને ટીવી સિરીઝમાં એક ભૂમિકા ઓફર કરી. પણ તે યુવાને વળતો જવાબ આપ્યો કે હું  ટીવી પર કામ કરવામાં કોઇ રસ ધરાવતો નથી. મને તમારી ચા બહુ ભાવી એટલે હું ક્રોસવર્ડ પઝલ  સોલ્વ કરવા રોકાઇ ગયો. મારે તમને મળીને ના પાડવી હતી. પછી તે ઊભો થઇને રવાના થઇ ગયો. કરણ કહે છે એ  માણસ પછી ફૌજી ટીવી સિરિઝમાં જોવા મળ્યો. આ યુવાન તે બીજું કોઇ નહીં પણ શાહરૂખ ખાન હતો. 

જોકે, પછી તો મહેન્દ્રુએ કરણને 'ઇન્દ્રધનુષ' શોમાં કામ આપ્યું. આરકે સ્ટુડિયોમાં રજાઓ દરમ્યાન આ શોનું શૂટિંગ થયું હતું, જેમાં કરણે તેની વયના અન્ય કિશોરો સાથે ભાગ લીધો હતો. એ સમયે ૧૯૮૯માં દૂરદર્શન પર રવિવારે રજૂ થતો 'ઇન્દ્રધનુષ' કાર્યક્રમ ખાસો લોકપ્રિય હતો. આ સિરીયલમાં કરણે ગોટમટોળ શ્રીકાન્તની ભૂમિકા ભજવી હતી. કરણ આજે એકાવન વર્ષે તેની લાક્ષણિક મજાકિયા શૈલીમાં કહે છે, મારી એક્ટિંગની કારકિર્દી 'ઇન્દ્રધનુષ' સાથે શરૂ થઇ હતી જે ૨૦૧૫માં 'બોમ્બે વેલ્વેટ' સાથે પૂરી થઇ. 

કરણ માટે આ સમર એક્ટિવીટી હતી પણ સિરીયલ પ્રસારિત થઇ ત્યારે કરણ બારમા ધોરણમાં એટલે કે જુનિયર કોલેજના છેલ્લા વર્ષમાં હતો. એ અરસામાં તે ટીવી પર આવતા જ સાથીદારોએ તેનું રેગિંગ શરૂ કરી દીધું હતું. તેની સાથે રેગિંગનો ભોગ બનનારો બીજો એક્ટર જુગલ હંસરાજ હતો. 

૧૯૯૫માં કરણ જોહરે એ વર્ષની સૌથી સફળ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેે'ના દિગ્દર્શક આદિત્ય ચોપડાના સહાયક તરીકે કામ કર્યું હતું. આ જ ફિલ્મના સેટ પર બાવીસ વર્ષની વયે કરણ જોહરની વિધિસર મુલાકાત શાહરૂખ ખાન સાથે થઇ. એ પછી તો કરણ અને શાહરૂખની જોડીએ ઘણી ફિલ્મો સાથે કરી. જેમાં ૨૦૦૧માં આવેલી 'કભી ખુશી કભી ગમ', ૨૦૦૬માં આવેલી 'કભી અલવિદા ન કહના' અને ૨૦૧૦માં આવેલી 'માય નેમ ઇઝ ખાન' મુખ્ય છે. કરણ અને શાહરૂખ વચ્ચેની દોસ્તી એટલી મજબૂત છે કે બંને એકમેકના પ્રોજેક્ટમાં કામ કરવા માટે સદૈવ તત્પર હોય છે અને તેમાં નાણાં ક્યાંય વચ્ચે આવતાં નથી. કરણ કહે છે કે શાહરૂખે 'બ્રહ્માસ્ત્ર' માટે સતત ૧૪ દિવસ કામ કર્યું હતું પણ એક નવો પૈસો લીધો નથી.  એમાં અમારો સંબંધ કારણભૂત છે.  ૨૦૧૧માં 'રા.વન'નું શૂટિંગ ચાલતું હતું ત્યારે શાહરૂખ પાસે ડબલ યુનિટ હતાં.  એને બીજા યુનિટ માટે દિગ્દર્શક જોઇતો હતો. હું જઇને સળંગ છ દિવસ શૂટિંગ કરી આવ્યો હતો. આમાં કોઇ મોટી વાત નથી. 

સાત વર્ષના અંતરાલ બાદ આવેલી 'રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની' શાહરૂખ ખાન જેમાં કોઇ રીતે સામેલ ન હોય એવી કરણની  પ્રથમ ફિલ્મ હતી. વળી કરણની આ પ્રથમ એવી ફિલ્મ હતી જે આખેઆખી ભારતમાં જ શૂટ કરવામાં આવી હતી. આમ, વર્ષો બાદ કરણે પુરવાર કર્યું કે તે શાહરૂખ વિના પણ ભારતમાં જ શૂટિંગ કરીને સફળ હિન્દી ફિલ્મ બનાવી શકે છે!   


Google NewsGoogle News