મોહનલાલની દાખલારૂપ વિનમ્રતા
કેટલાક ટેલેન્ટેડ એકટર્સની ખ્યાતિ એમના વતનના સીમાડા વટાવી આખા દેશ કે દુનિયામાં ફેલાઇ જાય છે. મોહનલાલનું એવું જ છે. તેઓ માત્ર મલયાલમ કે સાઉથની ફિલ્મોના સિનેમાના નહિ પણ ભારતીય ફિલ્મોના લેજન્ડરી એકટર છે. અદલ રજનીકાંત અને અમિતાભ બચ્ચનની જેમ મોહનલાલ હવે સાડા ચાર દશકની એક્ટિંગ કરીઅર બાદ ડિરેકટર તરીકે 'બરોઝ' નામની ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યા છે. બરોઝ ખજાનાના દંતકથારૂપ રક્ષકનું નામ છે. ૩ડી અને આઇમેક્સ ફોર્મેટમાં બનેલી આ બિગ બજેટ મહત્વાકાંક્ષી ફિલ્મ ડિસેમ્બરમાં હિન્દી સહિતની ભાષાઓમાં રિલીઝ થવાની છે. યોગાનુયોગે, ક્રિસમસના તહેવારમાં ૨૫મી ડિસેમ્બરે જ મોહનલાલે એકટર તરીકે ડેબ્યુ કર્યું હતું.
૬૪ વરસના મોહનલાલ બહુ ઓછુ બોલે છે અને બોલે છે ત્યારે શબ્દો તોળીતોળીને બોલે છે હાલમાં મુંબઇમાં યોજાયેલી બરોઝની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં લોકલ મિડીયાએ એની નોંધ લીધી ઇવેન્ટમાં મુંબઇ સાથેનો પોતાનો સંબંધ વાગોળતા વન્ડરફુલ એકટર કહે છે, 'છેલ્લા ૪૦ વરસથી હું દેશની આ આર્થિક રાજધાનીમાં આવું છું. આ વખતે તમારા માટે મારી ફિલ્મ બરોઝ લઇને આવ્યો છું. આ શહેરની મુલાકાત લેવાની એક અલગ પ્રકારની મજા છે. મુંબઇમાં જો ઘણી ફિલ્મોનું શૂટીંગ કર્યું છે. તમારા સિટીમાં અવારનવાર આવવાના કારણો આપવાનું તમારા બધાના (મિડીયાના) હાથમાં છે.'
મિડીયા સાથેના બ્રીફ ઇન્ટરએકશનમાં મોહનલાલને એમના દિરદર્શક તરીકેના ડેબ્યુ વિશે પૂછાતા તેઓ વિનમ્ર ભાવે કહે છે, 'વ્યક્તિ એની જીવન સફરમાં આગળ વધતી જાય છે એમ એની પ્રગતિના મુકામ આવતા જાય છે. આ નવો (ડિરેકટર તરીકેનો) રોલ મને બહુ સહજ રીતે મળ્યો, સંસ્કૃત નાટકો કરવાથી લઇને ડિરેકટર બનવા સુધીની ઘટના મારા જીવનમાં સહજ રીતે બનતી રહી છે. હકીકતમાં મને સંસ્કૃત આવડતું નહોતું. પણ નાટકોમાં કામ કરવા હું દેવભાષા શીખ્યો, મારા કરતા વધુ ટેલેન્ટેડ ઘણાં લોકો છે અને તેઓ મારા કરતા ઘણા વધુ પ્રોફેશનલ છે. હું એટલો પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી,' એવી કમેન્ટ કરી મોહનલાલ મંદ હાસ્ય વેરે છે.
પોતાની માતૃભાષાના સિનેમા વિશે વાત નીકળતા સુપરસ્ટાર ગર્વથી કહે છે, 'સાઉથમાં અમારી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નાનકડી હસ્તી છે. પરંતુ અમે ટેકનોલોજીમાં (બીજા કરતા) આગળ છીએ, અમે ભારતમાં પહેલી સિનેમાસ્કોપ મૂવી બનાવી ડોલ્બી સાઉન્ડ સાથેની પ્રથમ ૩ડી ફિલ્મ પણ અમે આપી. અને આજે અમારી ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી અને પ્રોડકશન ડિઝાઇનના શ્રેષ્ઠ કસબીઓ છે. એમના જોરે જ અમે અમારી ભાષાના સિનેમાને દુનિયા આખીમાં લઇ જઇ શક્યા છીએ.'
અલ્લુ અર્જુનની પુષ્પા-ટુ હાલમાં જ રિલીઝ થઇ છે અને બોક્સ-ઓફિસના પાછલા રેકોર્ડ્સના ભુક્કા બોલાવી રહી છે. એનો સિનેમાને ઇન જનરલ કેટલો લાભ થશે એવી પૃચ્છાના જવાબમાં મોહનલાલ કહે છે, 'પુષ્પા' જેવી ફિલ્મો સફળતાના નવા દ્વાર ખોલી દે છે. હું તો એવું માનું છું કે એકલી પુષ્પા નહિં, દરેક ફિલ્મે સારો બિઝનેસ કરવો જોઇએ. પ્રત્યેક મૂવીને દર્શકોનો આદર મળવો જોઇએ.
મોહનલાલની સિનિયોરિટીનો વિચાર કરીને મિડીયા પર્સન્સે સમાપનમાં એવો પ્રશ્ન કર્યો કે તમે ઉગતી ટેલેન્ટસ અને નવી પેઢીના એકટર્સ, ફિલ્મમેકર્સને શું એડવાઇસ (સલાહ) આપશો ? એકટર નાનકડો પૉઝ લઇને એક જ વાક્ય બોલે છે, 'ઓહ નો ! હું હજું એટલો બુઢ્ઢો નથી થઇ ગયો કે બધાને સલાહ આપતો ફરું !'