Get The App

મોહમ્મદ રફીઃ તારીફ કરું ક્યા ઉસકી જિસને તુઝે બનાયા

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
મોહમ્મદ રફીઃ તારીફ કરું ક્યા ઉસકી જિસને તુઝે બનાયા 1 - image


- 'એ દુનિયા કે રખવાલે, સુન દર્દ ભરે મેરે નાલે' ગાતી વખતે  રફીના ગળામાંથી લોહી નીકળી ગયું હતું

- રફી ખરા અર્થમાં આમ આદમીનો ગાયક હતા. એમણે રિક્ષાવાળા, શાકવાળા, વાસણવાળા, તેલ માલિશવાળા, બંગડીવાળા અને ઘોડાગાડીવાળાનાં પાત્રોનાં ગીતો ગાયાં

૧૯ ૮૦ની વાત છે. એક લક્ઝરી બસમાં ડ્રાઇવર એક પછી એક દર્દીલા ગીત વગાડયે જતો હતો. નફરત કી દુનિયા કો છોડકર પ્યાર કી દુનિયા મેં ખુશ રહેના મેરે યાર, જીવન અપના વાપસ લેલે જીવન દેને વાલે... થોડી વાર બાદ એક મુસાફરે ઊભા થઈને બુમ પાડી, બંધ કરો આ ગીતો. જે માણસે દુનિયાને પ્રેમ કરતા શીખવ્યું તેના મૃત્યુ પર તો આવા ગીત ન વગાડો. એ ભડકી જનાર બળવાખોર હતા રફીને પોતાના અવાજ તરીકે ઓળખાવનારા શમ્મી કપૂર.

એવું કહેવાય છે કે ઇશ્વર દુનિયાને કોઈ પયગામ આપવા માગતો હોય તો કવિ મારફતે મોકલે છે. એ સંદેશાને અવાજ આપે છે તે ફરિશ્તાનું નામ ગાયક. એવો જ એક દેવદૂત ૨૪મી ડિસેંબર ૧૯૨૪ના રોજ પંજાબના અમૃતસર જિલ્લાના કુંજની ગામમાં જન્મ્યો હતો. 'શમાં' નામના ઉર્દૂ સામયિકમાં ચાર દાયકા પહેલા તેમણે એક લેખ લખ્યો હતો. તેના કેટલાક અંશ અત્રે પ્રસ્તુત છે.

'મારા ઘરમાં ધાર્મિક વાતાવરણ હતું. ગાવા-વગાડવાને સારું માનવામાં આવતું નહોતું. મારા વાલિદ હાજી અલી મોહમ્મદ સાહેબ બિલકુલ ધાર્મિક માણસ હતા. તમનો મહત્તમ સમય ઈશ્વર સ્મરણમાં વીતતો. મેં સાત વર્ષની ઉંમરમાં ગાવાનું શરૂ કરી દીધું હતું. સીધી વાત છે કે એ બધું હું વાલિદ સાહેબથી છુપાઈને કરતો. ગાયિકીનો ચસ્કો મને એક ફકીરે લગાડયો હતો. 'ખેલન દે દિન ચારની માએ, ખેલન દે દિન ચાર...' તેઓ જ્યારે આ ગીત ગાતા ત્યારે હું પણ તેમની પાછળ ગણગણતો ગામથી દૂર જતો રહેતો. ધીમે-ધીમે ગામ લોકોને મારો સ્વર ગમવા લાગ્યો. તેઓ મારી પાસે ફરમાઈશ કરતા અને હું તેમને ગીતો સંભળાવતો.

થોડા સમય બાદ મારે લાહોર જવાનું થયું. ત્યાં એક પ્રોગ્રામ જોવા ગયો. જેમાં તે સમયના મશહૂર કલાકાર સ્વર્ણલતા અને માસ્ટર નઝીર આવ્યા હતા. મને પણ ગાવાનું કહેવામાં આવ્યું. ત્યારે મારી ઉંમર કેવળ ૧૫ વર્ષની હતી. મેં ગાવાનું શરૂ કર્યું. લોકોને મારો અવાજ ખૂબજ ગમ્યો. નઝીર સાહેબ એ વેળાએ 'લૈલા મજનૂ' ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમાં મને ગીત ગાવા કહ્યું. મેં તરત જ કહ્યું, મારા વાલિદ સાહેબને તમે મનાવી લો. તેઓ હા કહેશે તો હું જરૂર ગાઈશ. તેમને ગાયન-વાદન જરાય પસંદ નહોતું. એટલે તેઓ રાજી થઈ જાય એ માનવું શક્ય જ નહોતું. તેમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. કોણ જાણે કઈરીતે મારા મોટા ભાઈ હાજી મોહમ્મદ દિને તેમને મનાવી લીધા. તેમણે લૈલા મજનૂમાં ગાવાની છૂટ આપી. મારો અવાજ પહેલી વખત લોકો સુધી પહોંચ્યો. ઘણી પ્રશંસા મળી. ત્યાર બાદ ફિલ્મ ગાંવ કી ગોરીમાં પણ ગીતો ગાયા જે પ્રખ્યાત થયા, પરંતુ ખરા અર્થમાં સફળતાની શરૂઆત જૂગનુ ફિલ્મથી થઈ.

સંગીતકાર નૌશાદ રફી વિશે એક રસપ્રદ કિસ્સો કહેતા. એકવાર એક અપરાધીને ફાંસી અપાઈ રહી હતી. તેને અંતિમ ઇચ્છા પૂછવામાં આવી. ન તો તેણે પરિવારને મળવાની ઇચ્છા દર્શાવી ન બીજી કોઈ આમ ઇચ્છા. તેણે માત્ર એટલું કહ્યું, 'મારે રફી સાહેબનું એ દુનિયા કે રખવાલે, સુન દર્દ ભરે મેરે નાલે- ગીત સાંભળવું છે.' જેલમાં ટેપ રેકોર્ડરની વ્યવસ્થા કરાઈ અને  બાકાયદા કેદીની ઇચ્છા પૂરી કરવામાં આવી.

તમને ખબર છે આ ગીત ગાવા માટે રફી સાહેબે ૧૫ દિવસ રિયાઝ કર્યો હતો. સામાન્ય ગાયકને જેટલી ઊંચાઈએ ગાવામાં તારા દેખાઈ જાય એટલી ઊંચાઈ પર રફી સાહેબ સહજતાથી ગાઈ લેતા હતા, પરંતુ આ ગીતમાં તો તેમને પણ મુશ્કેલી પડી ગઈ. જ્યારે રેકોર્ડિંગ કરવામાં આવ્યું ત્યારે તાર સપ્તકમાં એ ઊંચાઈ સુધી જવું પડયું કે ગાતા-ગાતા તેમના ગળામાંથી લોહી નીકળી આવ્યું. ઇર્ષાખોરો એવું કહેવા લાગ્યા કે રફી હવે ક્યારેય નહીં ગાઈ શકે, પરંતુ તેમણે બધાને ખોટા પાડી દીધા. થોડા દિવસોમાં બધું ઠીક થઈ ગયું. તેમણે એ પછી ઘણા ગીતો ગાયા અને બૈજુ બાવરાનું એ દુનિયા કે રખવાલે ગીત ફરીથી રેકોર્ડ કર્યું. અગાઉ કરતા વધારે ઊંચા સ્કેલમાં અને વધુ સહજતાથી. આ હતી તેમની દાદાગીરી!

રફીએ દરેક દરેક પરિસ્થિતિના રોમેન્ટિક ગીતો ગાયા છે. અંગ મરોડીને પ્રેમ કરવાનું ગીત- દિવાના હુઆ બાદલ... પ્રેમિકાની પ્રશંસા- તુને કાજલ લગાયા, દિન મેં રાત હો ગઈ. તોફાની પ્રેમની હીન્ટ આપતું ગીત- આજ મૌસમ બડા બેેઇમાન હૈ... પ્રેયસીને ઝકડી રાખવા માટેનું ગીત- અભી ન જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં... પ્રેમની નિર્ભિક અને બળવાખોર અભિવ્યક્તિ... ચાહે કોઈ મુજે જંગલી કહે... અને આવા તો બીજા ઘણા બધા ગીતોનું લાંબુ લિસ્ટ તમે બનાવી શકો.

રફીજીની વિશેષતા કહીએ તો તેમણે મહેબૂબ અને ખુદા સિવાય બીજા ઘણા બધા લોકો માટે કંઠ આપ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમણે નાયક સિવાયના કિરદારો માટે પણ એટલા જ યાદગાર ગીતો આપ્યા. એક નાનકડી ઝલક. મેં રિક્શાવાલા, મેં રિક્શાવાલા... તેમણે રિક્ષાચાલકના જીવનને આવરી લઈને સુંદર ગીત ગાયેલું. ૧૯૫૯માં છોટી બહન ફિલ્મનું આ ગીત છે. ચાંદ પર પહોંચવાના સપનાંથી લઈને રોટી માટેના સંઘર્ષ સુધીની વાત વણીને શૈલન્દ્રએ આલેખન કર્યું છે. 

૧૯૫૯માં દુલ્હન ફિલ્મમાં મૂલીરામ ભિંડીરામ કા નિકલ ગયા દિવાલા ગીતમાં જાણે કે શાકવાળાની માર્કેટિંગ સ્કીલ દર્શાવવામાં આવી છે. એ જમાનાના ખ્યાતનામ કોમેડિયન આગા પર તેનું પિક્ચરાઇઝેશન થયું છે. અલગ-અલગ શહેરોમાંથી આવેલા શાક વચ્ચે થયેલી ધમાલની કથા એસ.એચ. બિહારીએ લખી હતી. સંગીતકાર રવિએ સ્વરાંકન કરેલું. આ કહાની વાસ્તવમાં શાકભાજીની નહીં આપણી વારતા છે. અલગ-અલગ મૂળના માણસો પણ ભાજીમૂળાની જેમ લડતા નથી જોવા મળતા! ક્યારેક ધર્મના નામ પર, ક્યારેક ભાષાના નામ પર, ક્યારેક જાતિના નામ પર તો ક્યારેક વંશના નામ પર.

ગામડાંમાં પહેલા વાસણ કલાઈ કરવાવાળો આવતો. ૧૯૬૨માં ગર્લ્સ હોસ્ટેલ ફિલ્મમાં રફીએ બર્તન કલાઈ કરા લો... ગીત ગાયું હતું. આ ગીત ફિલ્મના નાયક પર ચિત્રબદ્ધ કરવામાં આવ્યું હતું જે પોતાની પ્રેમિકાની ગલીમાં કલાઈવાળાનો પહેરવેશ ધારણ કરીને જાય છે. નલિની જયવંત અને જોની વોકર મુખ્ય ભૂમિકામાં હતા. ૧૯૬૦માં 'ઘર કી લાજ' ફિલ્મમાં બંગળીવાળાનું ગીત ગાયું હતું. લે લો ચૂડિયા. ચૂડી-ચૂડીવાલાની હાંક પણ રફી સાહેબે અદ્ભુત અંદાઝમાં નાખેલી.

૧૯૭૦માં ઓ. પી. નૈયરે સંગીતમાં ઘોડાગાડીના અવાજનો તાલ તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમના ચીલે બીજા કેટલાય ચાલવા લાગેલા. એના બહુ પહેલા ૧૯૬૩માં રવિએ પ્યાર કા બંધન ફિલ્મમાં સંગીત આપ્યું હતું. તેમાં ઘોડાગાડીવાળાઓની લાગણી વ્યક્ત કરતું અદ્ભૂત ગીત હતું.- ઘોડા પીશૌરી મેરા, તાંગા લાહૌરી મેરા. આ ગીતના બોલ સાહિર લુધિયાણવીએ લખ્યા હતા અને કંઠ રફી સાહેબે આપ્યો હતો.

૧૯૬૨ના યુદ્ધ વખતે લતાદાદીએ એ મેરે વતન કે લોગો ગીત ગાયું એ તો બધાને ખબર છે, પણ રફી સાહેબે પણ આવું જ એક હૃદયસ્પર્શી ગીત ગાયેલું. એ ગીતના શબ્દો હતા- એ મેરે લાડલો. નૌશાદ સાહેબે તેનું સ્વરાંકન કરેલું. ગાતી વખતે રફી દાદા રડી પડયા હતા.

૧૯૫૬થી ૧૯૬૫ ભારતીય પાર્શ્વ ગાયનના ઇતિહાસમાં રફીસાહેબનો દશકો હતો. ૧૯૬૯માં આરાધના ફિલ્મ રિલીઝ થતાની સાથે ધુ્રવ તારકનું સ્થાન કિશોર કુમારે લઈ લીધું. આરાધના વખતે સચિન દેવ બર્મન બીમાર હતા. તેઓ આરાધનાના બધા જ ગીતો રફી પાસે ગવડાવવાના હતા, કિન્તુ આર. ડી. બર્મને બહુ પહેલેથી સ્પષ્ટ કરી દીધું હતું કે તેમને જ્યારે મોકો મળશે ત્યારે તેઓ કિશોરને પ્રોજેક્ટ કરશે. એસ. ડી. બર્મન બીમાર હોવાથી આરાધનાનું બધું રેકોર્ડિંગ કરવાની જવાબદારી આર. ડી.ના માથે આવી. તેમણે કિશોર કુમાર પાસે ગીત રેકોર્ડ કરાવ્યા અને પહાડો વચ્ચે ગૂંજતી એ યોડલિંગ કિશોર કુમારના સુવર્ણ યુગની છડીદાર બની રહી.

આમ તો રફીસા'બ અને કિશોર દા વચ્ચે તુલના જ ન થાય. બંને પોતપોતાની રીતે બેજોડ. રફી શાસ્ત્રીય તાલીમ મેળવીને તૈયાર થયેલા ગાયક હતા જ્યારે કિશોર કુમાર મૌલિક હતા. આઠ ગીતો એવા છે કે જેમાં સ્ક્રીન પર કિશોર કુમાર છે અને પ્લેબેકમાં રફી સાહેબ ગાઈ રહ્યા છે. મતલબ અભિનેતા કિશોર કુમાર માટે રફી સાહેબે આઠ વખત કંઠ આપ્યો હતો. એક તો જાણે રાગની ફિલ્મનું ગીત મન મોરા બાવરા... બીજા સાત ગીતો કયા?

અચ્છા, મોહમ્મદ રફી કિશોર કુમાર વિશે શું વિચારતા? તેમના જ શબ્દોમાં.

'કિશોર કુમારને હું દાદા કહું છું. જો કે હું તેમને કિશોર દા કહું એમાં તેમને આની સામે વાંધો છે. તેમણે મને કહ્યું કે હું તેમને કિશોર દા નહીં, માત્ર કિશોર કહું. તેમની દલીલ હતી કે તેઓ ઉંમરમાં મારા કરતા ઘણા નાના છે અને ગાયકીની કરિયરમાં પણ મારા કરતા જુનિયર. બંગાળીઓમાં મોટા ભાઈને દાદા કહેવામાં આવે છે. મારી પાસે પણ પોતાની દલીલ હતી. મેં તેમને સમજાવ્યું કે હું તમામ બંગાળીઓને દાદા કહું છું. ભલે તે ઉંમરમાં નાના હોય કે મોટા. આ સાંભળીને કિશોર દાને મારી વાત સ્વીકારવી પડી. કિશોર મારી ખૂબ નજીક છે. તેઓ ખૂબજ સારું ગાય છે. દરેક ગીતમાં એવી ખૂબીથી મૂડ અને માહોલ રચે છે કે ગાયન વધારે ચિત્તાકર્ષક બની જાય છે. હું તેમના ગીતોને રસપૂર્વક સાંભળું છું. એક સમય એવો પણ આવ્યો કે તેઓ મારા કરતા વધુ ગીતો રેકોર્ડ કરવા લાગ્યા હતા. પરંતુ અમારી વચ્ચે ક્યારેય વ્યાવસાયિક સ્પર્ધા નહોતી.'

છેલ્લે, રફી દુનિયાને અલવિદા કહી ગયા એ જ વર્ષમાં એક અદ્ભૂત ઘટના ઘટી. ૧૯૮૦માં શ્રીલંકાના સ્વતંત્રતા દિવસે કોલંબોમાં એક કોન્સર્ટ આયોજિત થયો હતો. તેમને સાંભળવા માટે ૧૨ લાખ લોકો એકત્રિત થયા હતા. આ એક વિશ્વ વિક્રમ હતો. 


Google NewsGoogle News