મિથુન ચક્રવર્તી 45 વર્ષની કારકિર્દી બાદ પણ બિઝી સ્ટાર
- લગભગ 350 ફિલ્મમાંથી 150 ફિલ્મ ગોલ્ડન અને ડાયમંડ જ્યુબિલી થઇ હતી : 33 ફિલ્મ સતત નિષ્ફળ રહી હતી : ડાન્સના ટીવી શોઝના જજ બને છે : 400 કરોડની સંપત્તિ સાથે વૈભવી મોટરોનો કાફલો છે
મિથુનનું જમા પાસું એ બની રહ્યું કે તેઓે અચ્છા ડાન્સર હોવાથી નાના કહી શકાય તેવા નિર્માતાઓ અને દિગ્દર્શકોએ તેમને આવકાર આપ્યો. તેમની ફિલ્મ સફળ પણ થઇ
હિન્દી ફિલ્મ જગતમાં ૭૦ --૮૦ ના દાયકાનાં અમુક કલાકારો એવાં પણ છે જેઓ આજે પણ સક્રિય છે. ફિલ્મ, ટેલિવિઝન સિરિયલ ,ઓવર ધ ટોપ(ઓટીટી)થી લઇને નૃત્ય અને સંગીતના ટીવી કાર્યક્રમોના નિર્ણાયક તરીકે જોવા મળે છે.
બોલીવુડમાં ગરીબોના અમિતાભ બચ્ચનના નામે જાણીતા અને બેહદ લોકપ્રિય ડાન્સિંગ સ્ટાર મિથુન ચક્રવર્તીનું નામ આવા કલાકારોની યાદીમાં મૂકી શકાય. ગૌરવની બાબત તો એ છે કે આજે ૭૫ વર્ષની મોટી ઉંમરે પણ મિથુન દાદા(બંગાળી ભાષામાં દાદા એટલે મોટાભાઇ) ભરપૂર કાર્યરત છે. એટલે જ તો આ બોલીવુડમાં અને ટેલિવુડમાં મિથુન ચક્રવર્તીને આજે પણ સુપર સ્ટારનું સન્માન આપવામાં આવે છે.
મિથુન ચક્રવર્તીએ સિત્તેરના દાયકાથી શરૂ કરીને લગભગ ૩૫૦ જેટલી હિન્દી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. આમાંની ૧૫૦ જેટલી ફિલ્મોએ તો ગોલ્ડન જ્યુબિલી અને ડાયમંડ જ્યુબિલી ઉજવી છે.અમુક ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ પણ ગઇ છે.
મિથુન ચક્રવર્તીએ સિત્તેરના દાયકામાં બોલીવુડમાં પ્રવેશ કર્યો ત્યારે રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, વિનોદ ખન્ના વગેરે મોટા અને લોકપ્રિય સ્ટાર્સનું રાજ ચાલતું હતું. આ બધા મોટાં નામવાળા સ્ટાર્સ પણ મોટા નિર્માતાઓની અને વજનદાર બેનર્સની ફિલ્મોમાં કામ કરતા હતા.
બરાબર આ જ તબક્કે બોલીવુડમાં મિથુન ચક્રવર્તીનો પ્રવેશ થયો.મિથુનનું જમાપાસું એ બની રહ્યું કે તે અચ્છો ડાન્સર હોવાથી નાના કહી શકાય તેવા નિર્માતાઓ અને દિગ્દર્શકોએ તેને આવકાર આપ્યો. મિથુન ચક્રવર્તીની એક પછી એક ફિલ્મ રજૂ થઇ અને સફળ પણ થઇ. પરિણામે મિથુન બહુ ઓછા સમયમાં જ બોલીવુડનો અને ફિલ્મ પ્રેમીઓનો માનીતો થઇ ગયો.
ઉપરાંત, મિથુને પોતાના પ્રેમાળ સ્વભાવ અને મીઠાં વાણી-વર્તનથી મિત્ર વર્તુળ મોટું કર્યું. આજે લગભગ ૪૫ વર્ષ બાદ પણ મિથુન દાદાનું નામ બોલીવુડમાં અને ટેલિવુડમાં આદર સન્માનથી લેવાય છે.
કોલકાતાના હિન્દુ પરિવારમાં જન્મેલા મિથુન ચક્રવર્તી(સાચું નામ ગૌરાંગ ચક્રવર્તી) અને કોલકાતાની સ્કોટીશ ચર્ચ કોલેજમાંથી કેમિસ્ટ્રી વિષય સાથે બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવનારા મિથુન ચક્રવર્તીની ફિલ્મ કારકિર્દી મહાન ફિલ્મ સર્જક મૃણાલ સેનની યાદગાર ફિલ્મ મૃગયા(૧૯૭૬) થી શરૂ થઇ. ખુશીની વાત તો એ થઇ કે પોતાની કારકિર્દીની પહેલી જ મૃગયા ફિલ્મના શ્રેષ્ઠ અભિનય માટે મિથુન ચક્રવર્તીને નેશનલ એવોર્ડ મળ્યો. મિથુન ચક્રવર્તીના નામની અને અભિનય પ્રતિભાની નોંધ આખા ભારતીય ફિલ્મ જગતે લીધી.
આ જ તબક્કે એટલે કે ૧૯૭૬માં મિથુનને દો અનજાને હિન્દી ફિલ્મમાં પહેલી તક મળી. બહુ નાની ભૂમિકા હતી. આમ છતાં તે પાત્રમાં મિથુનના અભિનયનો ચમકારો જરૂર હતો.જોકે ડિસ્કો ડાન્સર(૧૯૮૨) ફિલ્મની સુપરહીટ સફળતા સાથે મિથુન ચક્રવર્તી માટે આકાશ આખું ઉઘડી ગયું. ડિસ્કો ડાન્સર ફિલ્મનાં ગીતો( મ્યુઝિક : બાપ્પી લાહીરી : આઇ એમ એ ડિસ્કો ડાન્સર અને જીમી જીમી .....) એ આખા દેશમાં જબરી ધૂમ મચાવી હતી. એમ કહો કે આ ફિલ્મની સુપરહીટ સફળતા સાથોસાથ અભિનેતા તરીકે મિથુન ચક્રવર્તીનું અને મ્યુઝિક ડાયરેક્ટર તરીકે બાપ્પી લાહીરીનું નામ આખા બોલીવુડમાં ચમકી ગયું. આટલું જ નહીં, મિથુન ચક્રવર્તી તે જમાનાનાં કોલેજીયનોમાં બેહદ લોકપ્રિય બની ગયો.
સમય જતાં મિથુન દાદાએ સુરક્ષા,તરાના,પતિતા,હમ પાંચ, હમ સે બઢકર કૌન, સ્વામી દાદા,ઘર એક મંદિર, બાઝી, પ્યાર ઝૂકતા નહીં, જાલ, દિલવાલા, સ્વર્ગ સે સુંદર, અગ્નિપથ,ગુરુ વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવ્યાં. મિથુન ચક્રવર્તીએ અગ્નિપથ ફિલ્મમાં તો અમિતાભ બચ્ચન સાથે અભિનયની જુગલબંદી કરી હતી. નાળિયર પાણી વેચનારા કૃષ્નન ઐયરના પાત્રમાં મિથુને જબરી કમાલ કરી છે. એટલે જ તો મિથુન ચક્રવર્તીને અગ્નિપથ ફિલ્મમાં શ્રેષ્ઠ સહકલાકારનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.
આ જ મિથુન ચક્રવર્તીને ૧૯૯૩ -- ૯૮ દરમિયાન નિષ્ફળતાનો પણ અનુભવ થયો હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન મિથુન ચક્રવર્તની લગભગ ૩૩ ફિલ્મોને દર્શકોએ પસંદ કરી નહોતી. આમ છતાં એક ઇન્ટર્વ્યુમાં ખુદ મિથુન ચક્રવર્તીએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે મારી આટલી બધી ફિલ્મો નિષ્ફળ ગઇ છે તેનો સ્વીકાર કરું છું.આમ છતાં હકીકત એ છે કે મેં આ તમામ ફિલ્મોમાં પૂરી ઇમાનદારીથી કામ કર્યું છે.
આજે મિથુન ચક્રવર્તી ભલે બોલીવુડમાં ઓછો સક્રિય હોય. આમ છતાં તેનાં પ્રશંસકોની સંખ્યા બહુ બહુ મોટી છે.
હા, મિથુન દાદા ટીવી પર યોજાતા નૃત્યસભર અને મ્યુઝિકલ કાર્યક્રમાં જજ તરીકે સેવા આપે છે. આ દ્રષ્ટિએ મિથુન ઘણો ઘણો અમિર છે. બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ હાલ મિથુન ચક્રવર્તી પાસે લગભગ ૪૦૦ કરોડ રૂપિયાની સંપતિ છે.
મોટરનો જબરો શોખીન હોવાથી મિથુનના કાફલામાં મર્સિડીઝ બેન્ઝ : ૧૯૭૫ , ટોયોટા ફોર્ચુનર જેવી આધુનિક સુવિધાવાળી અને આધુનિક ટેકનોલોજીવાળી મોટરો છે.