Get The App

મિલિન્દ સોમણનો યંગસ્ટર્સને લાખ રૂપિયાનો સવાલ !

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
મિલિન્દ સોમણનો યંગસ્ટર્સને લાખ રૂપિયાનો સવાલ ! 1 - image


- 'હું જ્યારે ફિલ્મોમાં આવ્યો ત્યારે ફક્ત બે જ  મોટાં ન્યુઝપેપર હતાં અને ટીવી પર એકલું દૂરદર્શન હતું. આજે મીડિયા પુષ્કળ વધી ગયાં છે. સોશિયલ મીડિયા-ઇન્ફલુએન્સર નામની એક નવી હસ્તી અસ્તિત્વમાં આવી છે.' 

'કંગના રનૌતની 'ઇમરજન્સી' ફિલ્મમાં હું ફિલ્ડ માર્શલ માણેક શૉની ભૂમિકા કરૂં છંુ. 'રોયલ્સ' નામના એક ઓટીટી શોમાં પણ મારો મહત્ત્વનો રોલ છે.'

મિલિન્દ સોમણ લગભગ ૩ દાયકાથી બોલીવૂડમાં છે. છતાં એનું નામ મૂવીઝ કરતા મેરેથોનમાં વધુ ચમકે છે. મોડલિંગમાંથી ફિલ્મોમાં આવેલો આ એકટર્સ પોતાના અભિનય કરતા ફિટનેસ માટે વધુ જાણીતો છે. ૫૮ વરસની ઉંમરે મિલિન્દ પોતાની જાતને જાતજાતની રેસ માટે ચેલેન્જ કરતો રહે છે. એટલા માટે કે એની ફિજીકલ ફિટનેસ વીસીના યુવાનોને પણ શરમાવે એવી છે. તાજેતરમાં એકટરે લખનઉની એક ઇવેન્ટમાં લોકલ મિડીયા  પર્સન્સ સાથે ઇન્ફોર્મલ ઇન્ટરએકશન કરી સરસ વાતો કરી હતી. મિલિન્દે પોતાની કામ કરવાની સ્ટાઇલ, ઓટીટી અને પોતાના ફિટનેસ ફંડા વિશે જે કહ્યું એનો સાર જાણવા જેવો છે.

'ઓટીટી પ્લેટફોર્મ્સ આવ્યા એને દર્શકો, ફિલ્મમેકર્સ ટેકનીશ્યન્સ અને એકટર્સ માટે સારું જ થયું છે. બધા માટે ઘણું બધુ કામ ઉપલબ્ધ છે. હું જ્યારે ફિલ્મોમાં આવ્યો ત્યારે ફક્ત બે જ  મોટા ન્યુઝપેપર હતા અને ટીવી ચેનલરૂપે એકલું દૂરદર્શન હતું. આજે મિડીયા પુષ્કળ વધી ગયાં છે. સોશ્યલ મિડીયા-ઇન્ફલુએન્જર નામની એક નવી હસ્તી આવી છે. જ્યાં જુઓ ત્યાં ઇન્ફલુએન્જર્સ હાજર છે. એ સારી વાત છે મિડીયમ (માધ્યમ) જેટલા વધશે એટલા લોકોને વધુ કામ મળશે. ઓટીટીની એન્ટ્રી પછી એ જ થયું છે. મિડીયમ વધ્યા તો જોબ અપોર્ચ્યુનિટી પણ વધી. હવે તો ઓટીટીનો જમાનો આવ્યો છે એમ કહી શકાય.

ફિલ્મોમાં કન્ટેન્ટ સૌથી મહત્વનું હોય છે. લોકો હવે સારા કન્ટેન્ટને માણતા થયા છે.  આજે હોલીવૂડની ફિલ્મો ગામડે ગામડે જોવાય છે. બાળકો સ્પાઇડરમેન અને સુપરમેનના ફેન બની ગયા છે. શા માટે ? એટલે કે એ ફિલ્મોનું કન્ટેન્ટ મજબુત છે આપણે જે ભાષા બોલીએ છીએ એના કરતા માનવતાની ભાષા વધુ જરૂરી છે. લોકો એ જ માનવતાવાદી ભાષા સાથે ઇઝીલી જોડાઇ જાય છે. આમેય સિનેમાને ભાષાના સીમાડા નથી નડતા. મૂવીની લેન્ગ્વેજ કોઇ પણ હોય પરંતુ એનું કન્ટેન્ટ સારું હોય, એ માનવીય સંવેદનાને વાચા આપતી હોય તો કોઇ પણ એ જોશે અને એન્જોય કરશે.

હવે મારી થોડીક પર્સનલ વાત કરું તો બેઝિકલી હું એક આરામપ્રિય વ્યક્તિ છું. એવું નથી કે હમણાંથી આવો બની ગયો છું પણ પહેલેથી આવો જ છું. વરસે એકાદ બે, બસ એનાથી વધુ પ્રોજેક્ટ નથી કરતો. બાકીનો સમય આરામ ફરમાવું છું કારણ કે મેં મારા કામને હંમેશા  માણ્યું છે. જો કોઇ કેરેકટર (પાત્ર) ચેલેન્સિંગ લાગે અને થાય કે એ ક રવાનું મુશ્કેલ હશે તો તરતએ સ્વીકારી લઉ છું. મને રોલ આશ્ચર્યમાં મૂકી દેનારો પણ લાગવો જરૂરી છે. હાલ મારી પાસે બે પ્રોજેક્ટ છે. કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીમાં હંુ ફિલ્ડ માર્શલ માણેકશાના રોલમાં છું. બીજો ઓટીટી પ્રોજેક્ટ છે રોયલ્સ એમાં પણ મારો બહુ અહમ રોલ છે.

આજના યંગ જનરેશનને મારે કાંઇક કહેવું છે. તમે બધા યંગસ્ટર્સ રાતના ઉજાગરા કરીને  ઓટીટી પર ફિલ્મો જુઓ છો, ઇન્ટરનેટ પર વિડીયોઝ  જોયા કરો છો. એ બધુ કરવાની તમને કોઇ ફરજ નથી પાડી રહ્યું પણ એ તમારી ખુદની ચોઇસ છે એ લત તમે જાતે લગાડી છે લત લાગી છે તો હવે એમાંથી બહાર આવો. બાળકોને કોઇ લત લાગે તો એ સમજી શકાય છે કારણ કે એમનું માનસ કુમળું હોય છે. પરંતુ ૩૦ વરસે  કોઇને આવું વ્યસન પડી જાય તો એણે સાવધ થઇ જવું  જોઇએ. મારી પોતાની વાત કરું તો હું ભવે ફિલ્મોમા કામ કરતો હોઉ પણ ફિલ્મો જોતો નથી. વરસે એકાદ મૂવી જોવાઇ જાય તો જોવાઇ જાય. લોકો જ્યારે કોઇ ફિલ્મના બહુ વખાણ કરે ત્યારે મને એ જોવાનું મન થાય છે.

આજકાલ લોકોને એક્સર સાઇઝ નહિં કરવાનું એક કોમન બહાનું મળી ગયું છે કે મારું કામ અથવા  જોબ એવો છે કે  મને જિમમાં જવાનો ટાઇમ જ નથી મળતો. પરંતુ શું તમારી પાસે તમારી હેલ્થ માટે ૫-૬ મિનિટ પણ નથી ? હું પોતે દિવસમાં ૫-૬ મિનિટ જ એકસરસાઇઝ કરું છું. અને એ પણ એક સાથે નહિં સવારે ઉઠયા બાદ ૨ મિનિટ. પછી લંચ પહેલા ૨ થી ૩ મિનિટ અને રાતે૨થી ૩ મિનિટ બસ જેટલો સમય મળે એમાં હેલ્થ માટે જે પ્રવૃત્તિ સારી હોય એ જરૂર કરવી જોઇએ અને રેગ્યુલર કરવી જોઇએ. એવું ન ચાલે કે એક દિવસ જિમમા કલાક પરસેવો પાડયો અને બીજા દિવસથી બંધ. સાતવ્ય આવશ્યક છે. આજકાલ લોકો હેલ્ધી ફુડ પણ નથી ખાતા. 

જે ભોજન સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય એનાથી દૂર ભાગે. ફ્રુટ અને વેઝિટેબલ્સ ખાવાનું કહો તો મોઢું બગાડશે. રાતે સમયસર સુઇ નહિ જાય કારણ કે મોડે સુધી ઓટીટી પર ફિલ્મ જોવી છે, ઇન્ટરનેટ પર સર્ચ કરવું છે. તમારી હેલ્થની બાબતમાં તમે આવા સમાધાન શા માટે કરો છો ? આપણે બૉડીને ફિટ રાખવાના બહાના શોધવા જોઇએ, નહિ કે એનાથી બચવાના.''


Google NewsGoogle News