હિન્દી ફિલ્મ કલાકારોની યાદગાર પ્રેમકથાઓ જેના નસીબમાં હેપી એન્ડિંગ લખાયો નહોતો...
રેખા-અમિતાભ બચ્ચન: સબ કહતે હૈં મૈંને તુઝકો દિલ દે દિયા
'મુક્કદર કા સિકંદર'ની રિલીઝ પહેલા ફિલ્મના કલાકારોના પરિવાર માટે તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. સ્ક્રીન પર અમિતાભ અને રેખાનો ઇન્ટિમેટ સીન આવ્યો ત્યારે, જયા બચ્ચનની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. આ ઘટનાના અઠવાડિયા પછી જ એવી ખબરોએ જોર પકડયું હતું કે, અમિતાભે પ્રોડયુસર્સને રેખા સાથે કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. ત્યારબાદ, રેખા-અમિતાભના ઈલુ-ઈલુની ચર્ચાનો લાભ યશ ચોપરાએ લીધો હતો. તેમણે 'સિલસિલા'માં અમિતાભ-રેખા અને જયાના લવ ટ્રાયેંગલને કાસ્ટ કરીને કરોડોની કમાણી કરી હતી. ૧૯૮૧માં રિલીઝ થયેલી 'સિલસિલા' રેખા-અમિતાભની છેલ્લી મૂવી હતી. આ ફિલ્મ પૂરી થતાની સાથે જ અમિતાભ તરફથી લવ અફેરને પૂર્ણવિરામ લગાવી દેવામાં આવ્યું હતું. બીજી તરફ, આજે પણ કોઈપણ એવોર્ડ ફંક્શનમાં રેખાની નજર અમિતાભ બચ્ચનને જોવા તરસતી જોવા મળતી હોય છે.
રેખા અને અમિતાભ બચ્ચનની લવ સ્ટોરી બોલિવુડની સૌથી ચચત અને રહસ્યમય છે. તેઓ પહેલી વાર ૧૯૭૬માં ફિલ્મ 'દો અંજાને'ના સેટ પર મળ્યા હતા. તે સમયે અમિતાભ અને જયા બચ્ચનનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં, છતા પણ રેખા-અમિતાભની રિલેશનશિપ નવા મૂકામે પહોચી હતી. કહે છે કે બંને ફિલ્મોના શૂટિંગ સિવાય ફ્રેન્ડના બંગલે ગુપ્ત રીતે મળતાં હતાં. રિશી કપૂર અને નીતૂ સિંહનાં લગ્નમાં સિંદૂર લગાવીને આવેલી રેખાને જોઈને રેખા-અમિતાભના સિક્રેટ મેરેજની ખબરો વહેતી થઈ હતી. રિપોર્ટ મુજબ, રેખા-અમિતાભના સંબંધોની જયાને પહેલા દિવસથી ખબર હતી, પરંતુ અમિતાભ રેખાની સાથે ભાવનાત્મક રીતે જોડાતા તે ચિંતામાં મૂકાઈ ગઈ હતી. અમિતાભ પર પરિવાર અને સમાજનું દબાણ, રેખાની પબ્લિક ઈમેજને કારણે તેમના પ્રેમનું ટકવું મુશ્કેલ બની ગયું હતું. રેખાએ અનેક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ભલે થોડા સમય માટેનો પ્રેમ રહ્યો હોય પરંતુ, તે આજ દિન સુધી મૂવ ઓન નથી કરી શકી.
નરગીસ- રાજ કપૂર: પ્યાર હુઆ ઇકરાર હુઆ
હીરો કહે છે, 'પ્યાર હુઆ, ઈકરાર હુઆ હૈ, પ્યાર સે ફિર ક્યંુ ડરતા હૈ દિલ...' હિરોઈન કહે છે, 'કહેતા હૈ દિલ રસ્તા મુશ્કિલ માલૂમ નહીં હૈ કહાં મંઝીલ...' ૧૯૫૫ની ક્લાસિક ફિલ્મ 'શ્રી ૪૨૦'માં રાજ કપૂર અને નરગીસ પર ફિલ્માવવામાં આવેલા આ રોમેન્ટિંક સોંગમાં તેમની લવ સ્ટોરી સમાયેલી છે. પત્ની કૃષ્ણા સાથે સંસાર લઈને બેઠેલા હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂર માટે પ્રેમનો એકરાર તો આસાન હતો, પરંતુ તેને નિભાવવા માટે બાળકો સાથેનો પરિવાર ગુમાવવાનો ડર હતો. બીજી તરફ, ૧૬ વર્ષની ઉંમરથી રાજ કપૂર સાથે કામ કરી રહેલી નરગીસને પહેલાથી જ ખબર હતી કે, આ પ્રેમની રાહ કોઈપણ સંજોગે આસાન નહીં રહે. એક એવો સમય આવ્યો જ્યારે રાજ કપૂર સામે નરગીસે શરત મૂકી કે, પત્ની કૃષ્ણાને છૂટાછેડા આપીને મારી સાથે લગ્ન કરો નહીં તો આપણો સંબંધ સમાપ્ત. રાજ કપૂરે મૂંગા મોઢે પરિવારની પસંદગી કરી અને બીજી તરફ, નરગીસે ૧૯૫૮માં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પા પા પગલી ભરી રહેલા સુનિલ દત્ત સાથે લગ્ન કરી લીધાં હતાં.
નરગીસ-સુનીલ દત્તના લગ્નના કારણે આઘાતમાં સરી પડેલા રાજ કપૂર દારૂના નશામાં પોતાને નુકસાન પહોચાડવા લાગ્યા હતા. રિપોર્ટ મુજબ, રાજ કપૂર પોતાના શરીર પર સિગારેટના ડામ દેતા. 'દિલ હી તો હૈ' (૧૯૬૩)માં રાજ કપૂર ભલે નૂતન માટે ગીત ગાતા હોય કે, 'તુમ અગર મુઝકો ન ચાહો તો કોઈ બાત નહીં, તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી...' પરંતુ, આ શબ્દો નરગીસને ધ્યાને રાખીને જ લખાયા હતા. તેમનો પ્રેમ એવો કે, નરગીસે ગિફ્ટમાં આપેલું ગોલ્ડનું બ્રેસલેટ રાજ કપૂરે જીવનભર પ્રેમની નિશાની તરીકે પહેર્યું હતું.
'કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા... કહીં ઝમીં તો કહીં આસમાં નહીં મિલતા...' નિદા ફાઝલીનો આ શેર બોલિવુડના ઘણા સ્ટાર્સની આપવીતી વર્ણવે છેે.
ઘણા કલાકારોએ જીવનમાં તમામ પ્રકારની સિદ્ધિઓ મેળવી, પરંતુ એક વ્યક્તિ, કે જેને જીવ કરતા પણ વધારે પ્રેમ કરતા હતા, તેને જ મેળવી શક્યા નહીં. આ અધૂરી કહાણીએ કોઈને કાયમ માટે લાચાર કરી નાખ્યા, તો કોઈને પ્રેમની પીડાએ કલાત્મક રીતે રજૂ કરવાની એક અમૂલ્ય તક આપી. કોઈએ પ્રેમી માટે દિલમાં રાખેલી જગ્યાને કાયમ માટે ખાલી રાખી અને જીવનભર લગ્ન ન કર્યાં, તો કોઈની કહાણીએ સાબિત કર્યું કે, રિયલ લવ, પ્રેમના પ્રતીક સમા ફૂલ ગુલાબ જેવો હોય છે કે જે થોડા સમય બાદ મૂરઝાઈ જાય છે. આવો, આજે વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે હિન્દી સિનેમાના કલાકારોની આવી કેટલીક અધૂરી કહાણી
વિશે જાણીએ...
મધુબાલા-દિલીપ કુમાર પ્યાર કિયા તો ડરના ક્યા
'મુગલ-એ-આઝમ'ની ગણના હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી આઈકોનિક લવ સ્ટોરી તરીકે થાય છે, જ્યારે તેનાં સ્ટાર્સ મધુબાલા અને દિલીપકુમારની લવ સ્ટોરીને સૌથી ટ્રેજિક માનવામાં આવે છે. દિલીપકુમારના લગ્ન સાયરા બાનુ સાથે થયાં હતાં. આ અરસામાં તેઓ મદ્રાસમાં રહેતાં હતાં. મુંબઈ પહોચતા જ તેમને પૂર્વ પ્રેમિકા તરફથી તાત્કાલિક મળવાની વિનંતી સાથેનો મેસેજ મળ્યો હતો. પત્ની સાયરા બાનુની પરમિશન લઈને દિલીપ કુમાર પૂર્વ પ્રેમિકાને મળવા પહોચ્યા.
રિયલ લાઈફ સલીમ પૂર્વ પ્રેમિકા અનારકલીને જોઈને ચોંકી જાય છે. બ્યુટીનું બીજું નામ ગણાતી મધુબાલા નિસ્તેજ ચહેરા સાથે બીમાર હાલતમાં સૂતી હતી. દિલીપસાહેબને ગંભીર જોતાં જ એણે હસતા મોઢે કહ્યું કે, 'હમારે શહેઝાદે કો ઉનકી શહઝાદી મિલ ગઈ હૈ, મૈ બહોત ખુશ હૂં...'અનેક મુદ્દે ચર્ચા થઈ. પછી દિલીપકુમારે રજા લીધી. તેમને કદાચ ખબર નહોતી કે, આ તેમની છેલ્લી મુલાકાત હોઈ શકે છે. ૨૩ ફેબુ્રઆરી, ૧૯૬૯ના રોજ ૩૬ વર્ષની ઉંમરે મધુબાલાનું નિધન થયું હતું. તે દિવસે દિલીપકુમાર હાંફળાફાંફળા થઈને તેનાં અંતિમ દર્શન કરવા કબ્રસ્તાન દોડી તો ગયા, પણ જીવનની જેમ અહીં પણ મોડું થઈ ગયું હતું. મધુબાલાની દફનવિધિ પૂર્ણ થઈ ગઈ હતી.
તેમની લવ સ્ટોરીનો ફ્લેશબેક જોઈએ તો, મધુબાલા અને દિલીપ કુમારની લવસ્ટોરી વેલેન્ટાઈન્સ ડેના દિવસે જ ફિલ્મના સેટ પર શરૂ થઈ હતી. સગાઈ તોડયા બાદ દિલીપકુમારે સાયરા બાનુ સાથે, જ્યારે મધુબાલાએ કિશોરકુમાર સાથે લગ્ન કર્યાં હતાં. કિશોરકુમારે મધુબાલા બીમાર થતાંની સાથે જ તેને બંગલો, ગાડી, ડ્રાઈવર, નર્સ જેવી સુવિધા આપીને પોતે બીજા લગ્ન કરી લીધાં હતાં.
અંજુ મહેન્દ્-રાજેશ ખન્ના
ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈં જો મકામ...
હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અંજુ મહેન્દ્રુની રિલેશનશિપ ૧૯૬૦ના મધ્યમાં શરૂ થઈ હતી. રાજેશ ખન્ના એટલે કે કાકાનું નામ ઘરે ઘરે જાણીતું બન્યું હતું, જ્યારે અંજુ મહેન્દ્રુ પોતાને સ્થાપિત કરવાના પ્રયત્નો કરી રહી હતી. બંનેનો પ્રેમ એવો હતો કે, ૧૯૬૬થી ૧૯૭૨ વચ્ચે તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યાં હતાં. આ દરમિયાન કાકા અંજુ પર ગિફ્ટસનો તો જાણે વરસાદ વરસાવતા હતા. અંજુની મમ્મી ઈચ્છતી હતી કે, બંને જલ્દીથી લગ્ન કરી લે. કાકાને પણ અંજુ સાથે લગ્ન કરવાની ઉતાવળ હતી, પરંતુ અંજુ કોઈપણ બંધન વગર જીવવા માંગતી હતી. આ દરમિયાન તેનું નામ વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ગેરી સોબર્સ સાથે ઉછળ્યું હતું. તેમના અફેરની ચર્ચાઓ બાદ કાકાએ ૧૯૭૨માં અંજુ સાથેના સંબંધોનો અંત લાવવાનું નક્કી કરી લીધું.
અંજુ, રાજેશ ખન્નાને પ્રેમી જસ્ટિન કહીને બોલાવતી. (રાજેશ ખન્નાનું મૂળ નામ જતિન હતું.) અંજુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જસ્ટિન પોતે રૂઢિચુસ્ત હતો, પરંતુ તેમને અલ્ટ્રા મોર્ડન છોકરીઓ પસંદ હતી. હંી સ્કર્ટ પહેરું એટલે ઝઘડો શરૂ થઈ જતો હતો. બીજી તરફ, રાજેશ ખન્નાએ જણાવ્યું હતું કે, હું જ્યારે આખો દિવસ સ્ટુડિયોમાંથી થાકીને ઘરે પાછો ફરતો ત્યારે અંજુ તેના ફ્રેન્ડ્સ સાથે બિઝી જોવા મળતી હતી. તેની પાસે મારી માટે સમય જ નહોતો. જે મુદ્દાઓનો નિવેડો વાતચીતથી થઈ શકતો હતો તેને બંનેએ ઈગો ઈશ્યુ બનાવી નાખ્યો.
અંજુ સાથે બ્રેક-અપ કર્યા બાદ ખૂન્નસમાં આવી ગયેલા કાકાએ ૧૯૭૩માં તે સમયે 'બોબી' ફિલ્મને કારણે સાથે ચર્ચામાં આવેલી ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. અફવા હતી કે, બ્રેકઅપ બાદ કાકાએ અંજુની કારકિર્દી બરબાદ કરી નાખી હતી. બંને વચ્ચેના સંબંધો એટલી હદે વણસ્યા હતા કે, ૧૯૭૩માં ડિમ્પલ સાથે લગ્ન વખતે કાકાએ જાણી જોઈને બારાત અંજુના ઘરની સામેથી પસાર કરવી હતી. ત્યાર બાદ, બંનેએ ૧૭ વર્ષ સુધી એકબીજા સાથે વાત કરી નહોતી.
મતભેદો ભૂલાવીને ઘણાં વર્ષો બાદ તેમની વચ્ચે પાછો મનમેળ થયો હતો. ફિલ્મમેકર મહેશ ભટ્ટના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ જવાનું હોય કે, પછી મેડિકલ જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું હોય, રાજેશ ખન્નાનાં છેલ્લાં વર્ષોમાં અંજુ એમની સાથે જ રહેતી હતી. આ અધૂરી કહાણીનો અંત પણ ફિલ્મી હતો. કોઈપણ પ્રેમીની ઈચ્છા હોય કે પ્રેમિકાના ખોળામાં માથું નાખીને મોતને વહાલું કરવું. ૨૦૧૨માં પ્રેમી રાજેશ ખન્ના એવી જ રીતે પ્રેમિકા અંજુના ખોળામાં માથુ નાખીને દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા.
વહીદા રહેમાન-ગુરુ દત્ત
વક્ત ને કિયા ક્યા હસીં સિતમ
'મૈં ભી બહુત અજીબ હૂં... ઈતના અજીબ હૂં કિ, બસ ખુદ કો તબાહ કર લિયા ઔર મલાલ ભી નહીં.' જૌન એલિયાનો આ શેર ગુરુ દત્તને બંધ બેસતો આવે છે. મહાન ફિલ્મમેકર્સમાંના એક ગુરુ દત્તનું અંગત જીવન તણાવગ્રસ્ત હતું. પત્ની ગીતા દત્ત સાથેના મતભેદો વચ્ચે ફિલ્મોએ પણ સારો બિઝનેસ ન કરતાં મુશ્કેલીમાં મૂકાયેલા ગુરુ દત્તે શરાબનો સહારો લીધો હતો. છેવટે, એક દિવસ શરાબના નશામાં જ તેમણે આત્મહત્યા કરી લીધી. આ સાથે જ તેઓ એમની પ્રેમિકા વહીદા રહેમાન માટે અનેક પ્રશ્નો છોડીને જતા રહ્યા. વહીદા રહેમાન અને ગુરુ દત્તની લવ સ્ટોરીની શરૂઆત અસામાન્ય હતી. ગુરુ દત્ત હૈદરાબાદમાં હતાં તે દરમિયાન થિયેટરની બહાર તેમણે લોકોના ટોળાં જોયાં હતાં. થિયેટર માલિકને પૂછતા ખબર પડી કે, 'રોજુલા મરાઈ' નામની ફિલ્મમાં નવી અભિનેત્રી વહીદા રહેમાનનું એક ગીત જોવા માટે આ ભીડ ઉમટી છે. ત્યારબાદ ગુરુ દત્તે વહીદા રહેમાનને મુંબઈ બોલાવીને પોતાના પ્રોડક્શન હાઉસ માટે રૂપિયા ૧,૨૦૦ના માસિક પગાર સાથે ત્રણ વર્ષ માટે સાઈન કરી લીધી. સેટ પર પરફેક્શનનો આગ્રહ રાખનાર ગુરુ દત્ત સામાન્ય બાબતે સ્ટાફ પર ગુસ્સે થઈ જતા હતા, પરંતુ વહીદા રહેમાન કોઈ સીન માટે ત્રેવીસ-ત્રેવીસ ટેક લે તો પણ શાંત રહેતા હતા. સ્ટાફ માટે ડિસિપ્લિનના આગ્રહ, પણ વહીદા રહેમાન માટે કોઈ પણ નિયમ તોડવાની છૂટ. આ તેમની પ્રેમ દર્શાવવાની રીત હતી. વહીદા રહેમાન આ વાત પર પણ પ્રેમી ગુરુ દત્તનો બચાવ કરતાં. તેમણે કહ્યું હતું કે, ગુરુ દત્ત એટલી હદે ઓછું બોલતા હતાં કે લોકો તેમને ઘમંડી સમજતા હતા. બંનેએ સાથે મળીને 'પ્યાસા', 'કાગઝ કે ફૂલ', 'ચૌધવી કા ચાંદ' અને 'સાહિબ બીબી ઔર ગુલામ' જેવી ક્લાસિક ફિલ્મો બનાવીને પોતાનો પ્રેમ સાચા અર્થમાં જીવ્યો હતો. વહીદા રહેમાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, 'અમારો પ્રેમ પરફેક્ટ ન હતો, પરંતુ સાચો હતો. આ પ્રેમની શરૂઆત અમારા સિનેમા પ્રત્યેના પ્રેમ સાથે થઈ હતી અને એટલે જ અમે અદભુત ફિલ્મો આપી શક્યા હતાંં.'
સુરૈયા-દેવ આનંદ
તેરી આંખોં કે સિવા દુનિયા મેં રખા ક્યા હૈ...
'મુઝ સે પહલી સી મોહબ્બત મેરે મહબૂબ ન માંગ, મૈંને સમઝા થા કે તૂ હૈ તો દરખ્શાં હૈ હયાત, તેરા ગમ હૈ તો ગમ-એ-દહર કા ઝઘડા ક્યા હૈ, તેરી સૂરત સે હૈ આલમ મેં બહારોં કો સબાત, તેરી આંખો કે સિવા દુનિયા મે રખા ક્યાં હૈ..' ફૈઝ અહેમદ ફૈઝની આ રચનાને દેવ આનંદ ૧૯૫૫માં રિલીઝ થયેલી ફિલ્મ મુનિમજીમાં અભિનેત્રી નલિની જયસ્વાલને ખૂબ જ સુંદર રીતે કહેતા સાંભળવા મળ્યા હતા, પરંતુ તેમના જીવનમાં આજ હાલ હતા. કોઈ અન્યને સુરૈયા જેવો પ્રેમ કરવો દેવ આનંદ માટે અશક્ય બની ગયું હતું.
સુરૈયા-દેવની લવ સ્ટોરીની શરૂઆત સૌથી ફિલ્મી હતી. 'વિદ્યા' ફિલ્મના શૂટિંગ દરમિયાન સુરૈયા નદીમાં પડી ગઈ હતી. દેવ આનંદે હીરોની જેમ તેનો બચાવ કરીને દિલમાં ખાસ જગ્યા મેળવી લીધી હતી. જેમ પ્રેમીઓ એકબીજાના નામ પાડતા હોય છે તેમ, દેવ સુરૈયાને 'નોઝી' કહેતા જ્યારે, સુરૈયા તેમને 'સ્ટીવ' કહેતી. નોઝી અને સ્ટીવની લવ સ્ટોરીમાં નોઝીનું પરિવાર વિલન બન્યો હતો. સ્ટીવ અને નોઝીએ ૧૯૪૯માં ફિલ્મ 'જીત'ના શૂટિંગ દરમિયાન ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ નોઝીના પરિવારે તેમની યોજના પર પાણી ફેરવી દીધું હતું. તે પછી સ્ટીવ જ્યારે નોઝીને ફોન કરે ત્યારે સામેથી પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતી હતી. બીજી તરફ, સ્ટીવ પોતાની કારકિર્દીની ચિંતા કરીને જીવનભર નોઝીને ભૂલવાનો પ્રયત્ન કરતો રહ્યો. પરંતુ, નોઝીની ઝલક તેની દરેક ફિલ્મમાં પ્રેમિકાના રૂપમાં જોવા મળી હતી. મુસ્લિમ પરિવારની સુરૈયાએ જીવનભર લગ્ન ન કરીને સાબિત કર્યું કે, તેનું દિલ હંમેશા દેવ માટે ધડક્તું હતું.