કલાકારોના અપહરણની રાજધાની બન્યું મેરઠ
હિન્દી ફિલ્મોની કહાણીઓમાં અપહરણ અને હત્યાના કિસ્સા નવા નથી. પરંતુ આવા જ બનાવો મનોરંજન જગતના કલાકારો સાથે બને ત્યારે ખરેખર સનસનાટી મચી જાય છે. અને છેલ્લા થોડાં સમયમાં પડદા પર જોવા મળતાં આ પ્રકારના ડ્રામા વાસ્તવમાં બની રહ્યાં છે. હિન્દી ફિલ્મો તેમ જ મનોરંજન જગતના અન્ય માધ્યમો સાથે સંકળાયેલા કલાકારોને મેરઠ ખાતે ઈવેન્ટમાં આવવાનું નિમંત્રણ આપીને તેમના અપહરણ કરી લેવામાં આવે છે અને તેમની પાસેથી ખંડણી વસૂલ્યા પછી તેમને છોડી મૂકવામાં આવે છે. તાજેતરમાં થયેલા કોમેડિયન સુનિલ પાલના અપહરણની શ્યાહી હજુ સુકાઈ નહોતી ત્યાં અભિનેતા મશ્તક ખાનનું બિજનોર ખાતે અપહરણ કરી લેવામાં આવ્યું. ઉપરાઉપરી બનેલી આવી ઘટનાઓએ મનોરંજન જગતમાં ભયનું વાતાવરણ પેદા કર્યું છે.
મશ્તક ખાનને ૨૦મી નવમ્બરે મેરઠ ખાતે એક એવૉર્ડ શો માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે તેને એડવાન્સ પેમેન્ટ અને ફ્લાઈટની ટિકિટ પણ મોકલવામાં આવ્યાં હતાં. અભિનેતા દિલ્હી હવાઈ મથકે ઉતર્યો ત્યાર બાદ તેને લેવા માટે એક મોટર મોકલવામાં આવી હતી. પરંતુ કારમાં બેઠેલા મશ્તક ખાનને ક્યાંથી કલ્પના હોય કે તેનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. મોટર કોઈ કાર્યક્રમના સ્થળે નહીં, બલ્કે સુમસામ જગ્યાએ હંકારી જવામાં આવી. અહીં મશ્તક ખાનને લગભગ ૧૨ કલાક સુધી ત્રાસ આપવામાં આવ્યો અને તેની પાસેથી એક કરોડ રૂપિયા ખંડણી માગવામાં આવી. છેવટે તેઓ મશ્તક ખાન અને તેના પુત્રના બેંક ખાતામાંથી બે લાખ રૂપિયા મેળવવામાં સફળ થયા.
જોકે મશ્તક ખાનના ભાગ્ય સારા હતાં, તેણે અપહરણના સ્થળે વહેલી સવારે અઝાન પોકારવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે અહીં આસપાસમાં જ કોઈક મસ્જિદ છે. તક મળતાં જ અભિનેતા ત્યાંથી ભાગીને સીધો મસ્જિદમાં પહોંચી ગયો અને ત્યાં હાજર લોકોની મદદ લઈને ઘરભેગો થયો. મસ્જિદે પછીથી બિજનોર ખાતે અપરાધીઓ વિરૂધ્ધ એફઆઈઆર નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાના આરંભમાં કોમેડિયન સુનિલ પાલે એવો દાવો કર્યો હતો કે તે બીજી ડિસેમ્બરે એક ઇવેન્ટ માટે હરિદ્વાર જઈ રહ્યો હતો ત્યારે મેરઠ ખાતે તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તેણે વધુમાં કહ્યું હતું કે તેને ચોવીસ કલાક સુધી બંધક બનાવી રાખીને તેની પાસેથી આઠ લાખ રૂપિયા ખંડણી વસૂલવામાં આવી હતી. અપરાધીઓએ તેની પાસેથી ટ્રાન્સફર કરાવેલા આ નાણાંમાંથી સોનાના અલંકારો ખરીદ્યાં હતો. જોકે ઉત્તર પ્રદેશની પોલીસે ખંડણીના નાણાંમાંથી સ્વર્ણાલંકારો ખરીદનારા બે શખ્સને ઝડપી લીધાં હતાં.
તેનાથી પહેલા સપ્ટેમ્બર મહિનામાં અભિનેતા રાજેશ પુરીએ કહ્યું હતું કે આઠમી સપ્ટેમ્બરે તે એક એવોર્ડ ફંક્શનમાં મુખ્ય મહેમાન તરીકે દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે તે માંડ માંડ અપહરણકર્તાઓના હાથમાંથી છટક્યો હતો.
અભિનેતાએ તે શી રીતે છટકી શક્યો તે વર્ણવતાં કહ્યું હતું કે મને ૩૫,૦૦૦ રૂપિયા અને વિમાનની ટિકિટ મોકલવામાં આવી હતી. મને બધુ વ્યવસ્થિત લાગી રહ્યું હોવાથી મેં એ નિમંત્રણ સ્વીકારી લીધું. નસીબજોગે મેરઠથી ૧૨ કિ.મી.ના અંતરે એક ઢાબા પર એક જણે મને ચેતવણી આપતાં કહ્યું કે તમે પાછા ચાલ્યા જાઓ. અહીં કંઈપણ ઠીક નથી. અહીં કોઈ ૅફંક્સન નથી. અને તમારું અપહરણ થઈ ગયું છે.
રાજેશે આ ઘટનાની જાણ સિન્ટા (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિએશન)ને પણ કરી હતી જેથી તેઓ આવી છેતરપિંડી વિશે અન્ય કલાકારોને ચેતવી શકે. અભિનેતાએ કહ્યું હતું કે તેમની (અપહરણકર્તાઓની) મોડસ ઓપરેન્ડી એકદમ પ્રોફેશનલ હોય છે.
તેઓ સામી વ્યક્તિને પોતાની વાતોમાં સારી પેઠે ભોળવી લે છે. તેણે ઉમેર્યું હતું કે મેં સુનિલ પાલને પણ મારો આ અનુભવ તેનું અપહરણ થયું તેના ૨૦ દિવસ પહેલા જ કહ્યો હતો. અલબત્ત, અમે ઈવેન્ટ્સમાં જવાનું ટાળી ન શકીએ. પરંતુ મેં મારા સાથીકલાકારોને વિનંતી કરી છે કે કોઈપણ નિમંત્રણ સ્વીકારવાથી પહેલા તેઓ તેની વ્યવસ્થિત ચકાસણી કરી લે, ખાસ કરીને જ્યારે સંબંધિત નિમંત્રણ અજાણ્યા લોકો તરફથી આપવામાં આવ્યું હોય. આપણને આટલી જાગરૂકતા કેળવવાની જરૂર છે.