મનોજ બાજપેયીની 100મી ફિલ્મ ભૈયાજી : દર્શકોનો મિશ્ર આવકાર
- શબાના રઝા બાજપેયીનું નિર્માત્રી તરીકે પુનરાગમન
- 'અમે બાળકના જન્મનું પ્લાનિંગ કર્યું હતું, પણ એ પછી શું કરવું તેનું પ્લાનિંગ કર્યું નહોતું. મનોજ અને હું બંને એક્ટર. બન્નેમાંથી એક જણે તો ઘરમાં રહીને સંતાનની જવાબદારી અદા કરવી જ પડે.'
બોલિવુડમાં કિસ્મત ચમકે કે ન ચમકે, તમારે સતત લાઇમલાઇટમાં રહેવું જરૂરી છે. જે લોકો લાઇમ લાઇટમાં રહેતાં નથી તેમના માટે બોલિવુડમાં કારકિર્દી બનાવવાનું કામ અઘરૂ બની રહે છે. તેમાં પણ એક અંતરાલ બાદ જો તમે મોટી વયે પુનરાગમન કરો ત્યારે તમારે વધારે સંઘર્ષ કરવાની તૈયારી રાખવી પડે છે. 'કરીબ' અને 'ફિઝા' જેવી ફિલ્મોમાં નેહા તરીકે અભિનયના અજવાળાં પાથરીને દર્શકોના મન મોહી લેનારી શબાના રઝા બાજપેયી હવે નિર્માત્રી તરીકે પુનરાગમન કરી રહી છે.
વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ કરીબમાં શબાનાએ તેની એક્ટિંગની કારકિર્દીની ૧૯૯૬માં શરૂઆત કરી હતી. ફિલ્મમાં શબાનાના પાત્રનું નામ નેહા હતું એટલે વિધુ વિનોદ ચોપડાએ તેનું નામ નેહા પાડી દીધું હતું. એ સમયે શબાના નામ બદલી નેહા કરવામાં આવે તેની મને કશી પડી નહોતી એમ કહી શબાના ઉમેરે છે કે હું શબાના છું, પણ રસ્તે જતાં કોઇ મને નેહા તરીકે બોલાવે તો હું તરત પાછું વળીને જોઉં છું.
એ સમયે દિગ્દર્શક હંસલ મહેતાની એક પાર્ટીમાં મનોજ બાજપેયી અને શબાનાનો ભેટો થઇ ગયો હતો. એ વખતે મનોજ બાજપેયીએ પહેલ કરી અને બાત બન ગઇ. બંને એ એપ્રિલ ૨૦૦૬માં લગ્ન કરી લીધાં. મનોજ અને શબાના બંને એક્ટર છે અને બંને પાછાં અંતરમુખી છે. લગ્ન થયાં બાદ શબાનાએ પુત્રી આવાને જન્મ આપ્યો. એ આજે તેર વર્ષની થઇ ગઇ છે અને બોર્ડિંગમાં રહીને ભણે છે. શબાના કહે છે કે એ સમયે કારકિર્દી જામી રહી હતી ત્યારે માતા બનવાની જવાબદારી સ્વીકારી તેને પગલે મારે કારકિર્દીનો ત્યાગ કરવો પડયો હતો. આવા જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે મને કારકિર્દી છૂટી ગઇ હોવાનો અફસોસ થયો હતો, પણ સંજોગો એવા હતા કે બીજું કશું થઇ શકે તેમ નહોતું. અમે બાળકના જન્મનું પ્લાનિંગ કર્યું હતું પણ એ પછી શું કરવું તેનું પ્લાનિંગ કર્યું નહોતું. મનોજ અને હું બંને એક્ટર. ઘરમાં બાળકનો ઉછેર કરવો હોય તો એક જણે તો ઘરમાં રહીને તેની જવાબદારી અદા કરવી જ પડે. આખરે મેં આવાની સાથે રહી તેને મોટી કરવાનું નક્કી કર્યું. હજી એક વર્ષ અગાઉ તો હું મારી માતા તરીકેની ફરજોમાં ગળાડૂબ હતી. હવે અમારી પુત્રી આવા બોર્ડિંગ સ્કૂલમાં રહી ભણતી હોવાથી મારી પાસે અન્ય બાબતોનો વિચાર કરવાની તક અને સમય છે. અભિનેત્રી તરીકે પોતાના મળેલાં કામ અંગે શબાના કહે છે, જ્યારે ઓટીટીનું આગમન થયું ત્યારે મને ઘણા રોલ ઓફર થયા હતા પણ મેં તે સ્વીકાર્યા નહોતા. એક સમય એવો હતો જ્યારે મનોજ અમુક પ્રકારની જ ફિલ્મો કરવા માંગતો હતો. મેં તેને કહ્યું કે આપણે મનને ગમે તેવી ફિલ્મનું નિર્માણ શા માટે ન કરી શકીએ? મનોજ થોડો અનિશ્ચિત હતો પણ ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું. શબાનાની નિર્માત્રી તરીકેની પહેલી અને મનોજ બાજપેયીની અભિનેતા તરીકેની એકસોમી ફિલ્મ ભૈયાજી ગયા મહિને રિલીઝ થઈ.
શબાનાએ ઓરેગા સ્ટુડિયોઝની સ્થાપના કરી પ્રથમ ફિલ્મ ભૈયાજીનું નિર્માણ કર્યું છે. મનોજ અને શબાના માટે આ એક સીમાચિન્હરૂપ ઘટના છે. શબાનાએ આ સ્ટુડિયોઝના બેનર તળે પહેલી ફિલ્મ ભૈયાજી બનાવી છે. જે મનોજ બાજપેયીની અભિનેતા તરીકે એકસોમી ફિલ્મ છે તો નિર્માત્રી તરીકે શબાનાની આ પહેલી ફિલ્મ છે. આમ, અભિનેતા અને નિર્માત્રી એમ બંનેની કિસ્મત ભૈયાજી ફિલ્મમાં દાવ પર લાગી હતી. આ ફિલ્મ જોકે ખાસ કોઈ અસર પેદા કરી શકી નથી. બેટર લક નેક્સ્ટ ટાઇમ!