મનોજ બાજપાઈનું ત્રીજું ફેમિલી
- 'જુઓ, એક એક્ટર તરીકે મને એકનો એક રોલ કરવાનો કંટાળો આવે. એક પછી એક સિઝન કરતા રહેવાનું તો જ સાર્થક થાય જો પ્રત્યેક સિઝનમાં કશુંક નવું, કશુંક અણધાર્યું કરવાનો મોકો મળે. 'ફેમિલી મેન-થ્રી'માં મને આવી તક મળી છે.'
'ફે મિલી મેન' ઓલરેડી ભારતના સૌથી સફળ વેબ શોઝમાં સ્થાન મેળવી ચૂકી છે. એની બન્ને સિઝનને દર્શકોએ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. હવે આ ત્રીજી સિઝન આવશે. શોના લીડ એક્ટર મનોજ બાજપાઈને ઘણીવાર થર્ડ સિઝન વિશે અવારનવાર પૂછાયું છે, પણ દર વખતે તેઓ વાત ટાળી દેતા હતા. તાજેતરમાં પહેલી વાર તેઓ 'ફેમિલી મેન-થ્રી' વિશે સહેજ ખૂલીને બોલ્યા છે. નવી સિઝન તો પહેલી બે કરતાંય વધારે ભવ્ય, વધારે રોમાંચક છે,' મનોજ બાજપાઈ કહે છે, 'જુઓ, એક એક્ટર તરીકે મને એકનો એક રોલ કરવાનો કંટાળો આવે. એક પછી એક સિઝન કરતા રહેવાનું તો જ સાર્થક થાય જો પ્રત્યેક સિઝનમાં કશુંક નવું, કશુંક અણધાર્યું કરવાનો મોકો મળે. 'ફેમિલી મેન-થ્રી'માં મને આવી તક મળી છે.'
લાગે છે કે ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રીકાંત તિવારી નવી સિઝનમાં પણ ઓડિયન્સનું ભરપૂર મનોરંજન કરશે. મનોજ કહે છે, 'બે સિઝનથી જબરદસ્ત સફળતા પછી દર્શકોની અપેક્ષા ખૂબ વધી ગઈ છે. અમારી આખી ટીમ આ વાતથી વાકેફ છે. તેથી જ અમે સૌ ત્રીજી સિઝન માટે વધારે મહેનત કરીએ છીએ. નવેસરથી પાત્રપ્રવેશ કરવાની પ્રક્રિયા એક નવા રણમેદાનમાં ડગલાં માંડવા જેવી છે. મારે આ વખતે પાત્રને નિભાવવા માટે નવો અપ્રોચ શોધવાનો છે. બેશક, મારી તૈયારી પુષ્કળ છે અને તેની કોઈ સીમા હોતી નથી. અત્યારે આ શો માટે જે વાતાવરણ બન્યું છે, ઉન્માદ સર્જાયો છે તેને કારણે અમારામાં અધિરાઈ આવી જવી સહજ છે, પણ અમે પૂરેપૂરા સભાન અને સર્તક છીએ. શોના મેકર્સ એ વાતે બિલકુલ સ્પષ્ટ છે કે પહેલાં તો કાગળ પર ઉત્તમ રીતે નવી સિઝન લખાવી જોઈએ. જો લખાણમાં પૂરેપૂરો સંતોષ થાય પછી જ વાત આગળ વધારવાની છે.'
મનોજ બાજપાઈનો ઔર એક સાવ તાજ્જો શો પણ ચર્ચામાં છે. તેનું ટાઇટલ છે, 'સાઇલન્સ-ટુઃ ધ નાઈટ ઓવલ બાર શૂટઆઉટ'. ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ રહેલા આ શોની પહેલી સિઝનની જેમ આમાં પણ મનોજ એસીપી અવિનાશ વર્મા બન્યા છે. અહીં એસીપી અવિનાશની ટીમ હત્યાની હારમાળાનો ભેદ શોધવાનો પ્રયાસ કરે છે.
ઓટીટીના આગમનને કારણે મનોજ બાજપાઈની કરીઅર વધુ વિસ્તરી છે. મનોજની કક્ષાનો કલાકાર આ નવા માધ્યમ પર વધારે દેખાય તે ઓડિયન્સ માટે સારું જ છે.