મનોજ જૈસા કોઈ નહીં .
- 'હું ક્યારેય કામયાબીનો જશ્ન મનાવવા થોભતો નથી. ફિલ્મની સકસેસ પાર્ટીમાં પણ હું માત્ર આપવા ખાતર હાજરી આપીને તરત છટકી જાઉં છું. ખરું કહું તો મને સફળતાનો ઢંઢેરો પીટવાનું ફાવતું નથી.'
જે ની અપેક્ષા હતા એવું જ થયું. મનોજ બાજપાઈને 'એક બંદા કાફી હૈ' માટે શ્રે ફિલ્મફેરનો ઓટીટી માટેનો શ્રેષ્ઠ અભિનેતા તરીકે નવાજવામાં આવ્યો. તેની ફિલ્મ 'જોરમ' પણ ખાસ્સી વખણાઈ રહી છે. મનોજ કહે છે, 'આઇ એમ હેપી! મારી 'એક બંદા કાફી હૈ' અને 'ગુલમોહર'ને કુલ આઠથી નવ પારિતોષિક એનાયત થયાં. આ બંને ફિલ્મોના દિગ્દર્શકની આ પહેલી પહેલી ફિલ્મ હતી. અને તેમને પણ આ બહુમાન પ્રાપ્ત થયું તેનો મને વધુ આનંદ હતો. હું મારા કરતાં તેમના માટે વધારે ખુશ છું.'
છેલ્લા ઘણા સમયથી સફળતા મનોજના કદમ ચુમી રહી છે. એ કહે છે, 'સફળતા મળ્યા પછી પણ હું જાણતો હોઉં છું કે હવે મારે ક્યાં સુધારો કરવાનો છે. હું અંદર સારું કામ કરવાનો સંતોષ મેળવીને આગળ વધી જાઉં છું. હું ક્યારેય કામયાબીનો જશ્ન મનાવવા થોભતો નથી. ફિલ્મની સકસેસ પાર્ટીમાં પણ હું માત્ર આપવા ખાતર હાજરી આપીને તરત છટકી જાઉં છું. ખરું કહું તો મને સફળતાનો ઢંઢેરો પીટવાનું નથી ફાવતું.'
મનોજ વાજપેઈને ફિલ્મોદ્યોગમાં આવ્યે ત્રણ દશક જેટલો લાંબો સમય થઈ ગયો છે. એણે ક્યારેય સ્ટારડમની પરવા નથી કરી. તે કહે છે, 'સ્ટાર સિસ્ટમ ફિલ્મોદ્યોગને નાણાં રળી આપે છે, પણ સર્જનાત્મકતાને હાનિ પહોંચાડે છે.' મનોજ અઘરામાં અઘરો રોલ કરવાની નોબત આવે તોય પાછીપાની નથી કરતો. એ કહે છે, 'કોઈપણ ભૂમિકા ભજવવાની તૈયારી રાખવી જ પડે. મનોજને એક ફિલ્મમાં ત્રણ મહિનાની બાળકી સાથે કામ કરવાનું હતું, તેની કાળજી લેવાની હતી અને અપેક્ષિત ઈમોશન્સ આપવાના હતાં. મનોજ કહે છે, 'તમે પળભર માટે વિચાર કરો કે તમારા ખોળામાં ત્રણ મહિનાની બાળકીને મૂકી દેવામાં આવે અને કહેવામાં આવે કે આ બચ્ચાની મમ્મી એને એક કલાકમાં લઈ જશે, તમે ફટાફટ શોટ્સ આપી દો. આટલી ટૂંકી ડેડલાઇનમાં કેવી રીતે કામ કરવું? મને સતત ડર લાગ્યા કરતો હતો કે બેબીને ક્યાંક વાગી ન જાય. દર બીજા શોટમાં મારે બાળકીને લઈને ભાગવાનું હતું. એ ક્યાંક મારા હાથમાંથી પડી ન જાય તેનું સતત ધ્યાન રાખવાનું હતું. બહુ કપરું હતું, પણ આ મારા કામનો ભાગ હતો અને મેં તે યોગ્ય રીતે કર્યું તેનો મને સંતોષ છે.'