મનોજ બાજપેયી : હું ટેલિફોન પણ નહોતા એ જમાનામાંથી આવું છું
- 'ઘણાના જીવનમાં સફળતા વહેલી આવે તો ઘણાના જીવનમાં તે મોડી પણ આવે છે. ઘણાને તેમની વીસીમાં જ સફળતા મળી જતી હોય છે. મને સફળતાનો સ્વાદ ત્રીસીમાં ચાખવા મળ્યો હતો.'
૧૯૯૯માં રામ ગોપાલ વર્માની ફિલ્મ સત્યામાં ભીખુ મ્હાત્રેની ભૂમિકા ભજવી શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે સિલ્વર લોટસ એવોર્ડ અને અપાર લોકપ્રિયતા મેળવનાર મનોજ બાજપેયી આજે બે દાયકા બાદ પણ ફિલ્મોમાં તેની અભિનય પ્રતિભાને જોરે દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તેઓ કહે છે, 'સફળતા સાપેક્ષ શબ્દ છે. મારા માટે સફળતા એ ફિલ્મની ગુણવત્તાને આધારે નક્કી થાય, તેના કમાણીના આંકડાઓ દ્વારા નહીં. ઘણી ફિલ્મો નાણાંકીય રીતે જબરદસ્ત સફળ હોય છે પણ સર્જનાત્મક રીતે તેનાં ધોરણો અપેક્ષાથી ઉતરતાં હોય છે. આવું બને ત્યારે મને ઘણીવાર નિરાશા થાય છે. કોઇ ફિલ્મની પસંદગી કરવામાં પોતે શા માપદંડ વાપરે છે તે બાબતે મનોજ કહે છે, કોઇપણ પ્રોજેક્ટ હાથ ધરીએ ત્યારે તે તેની પ્રશંસા જ થશે તેની કોઇ ગેરંટી હોતી નથી. જો ટીમનો દરેક જણ ઉત્તમ પ્રયાસ કરે તો ફિલ્મ ખરેખર સરસ બની રહે છે. આ રીતે 'ગુલમોહર' નામની મારી ઓટીટી ફિલ્મ સંતોષકારક બની રહી હતી.'
આ ફિલ્મમાં મનોજ બાજપેયીએ શર્મિલા ટાગોરના પુત્ર તરીકે ભૂમિકા ભજવી છે. 'ગુલમહોર'ના બાત્રા અને 'ભોંસલે'ના પાત્રમાં કોઇ સામ્યતા અનુભવાઇ છે કે કેમ એવા સવાલના જવાબમાં મનોજ કહે છે એ પણ મને ગમતી ભૂમિકા છે પણ આ બંને ભૂમિકાઓ એકમેકથી સાવ અલગ છે. 'ભોંસલે'માં એક માણસ નિવૃત્તિ બાદ પણ કામ ચાલુ રાખવા માંગે છે પણ એમ કરી શકે તેમ નથી તેનો તેને અફસોસ છે. તે તેની કારકિર્દીની ટોચે છે પણ હવે તેને બિસ્માર ચાલમાં પડયા રહેવાનું છે. ગણપત ભોંસલેની ભૂમિકામાં ઉદાસ કરી મુકે તેવી વાસ્તવિકતા છે પણ તેમાં કોઇ કોન્ફલિક્ટ નથી. જ્યારે બાત્રાની ભૂમિકામાં તો કોન્ફલિક્ટ જ તેને અંદરથી ખાઇ રહ્યો હોય છે.'
મનોજ પોતાની વાત આગળ વધારતાં કહે છે, 'મારી 'એક બંદા કાફી હૈૈ' ફિલ્મે પણ વિવિધ પ્રકારના દર્શકો પર જબરદસ્ત અસરકરી છે. મારી તેર વર્ષની પુત્રીએ તેના વેકેશનમાં આ ફિલ્મ ચારવાર જોઇ છે. વિખ્યાત ફિલ્મ નિર્દેશક શેખર કપૂરે ખાનગી સ્ક્રિનિંગમાં આ ફિલ્મ જોઇ કહે છે, આ ફિલ્મમાં મારો પરફોર્મન્સ આગામી વર્ષો સુધી ચર્ચાતો અને વિશ્લેષણ પામતો રહેશે.'
ટેલિફોન પણ નહોતાં એ જમાનાનો માણસ સોશ્યલ મિડિયા સાથે કેવી રીતે પનારો પાડે છે એ જાણવું પણ રસપ્રદ બની રહે છે. મનોજ કહે છે, 'હવે તો સોશ્યલ મિડિયા એ જીવનનો જ એક હિસ્સો બની ગયું છે પણ તમારે તેના પર કેટલો મદાર રાખવો એ તમારે નક્કી કરવાનું હોય છે. હું આ મામલે મારી જાત સાથે ખૂબ કડક છું. જો તમે મારા સોશ્યલ મીડિયા એકાઉન્ટને ચેક કરશો તો તમને જણાશે કે તેમાં મોટાભાગે મારી ફિલ્મો સબંધિત પોસ્ટ જોવા મળશે અને મારા પરિવારના થોડા ફોટા જોવા મળશે. આ પણ મારા પીઆરના આગ્રહનું પરિણામ છે. બાકી હું તો મારા પારિવારિક જીવન વિશે કશું પણ જણાવવાના મતનો નથી. અમે યુએસના પ્રવાસે ગયા હતા અને ઢગલાબંધ ફોટા પાડયા હતા પણ તેમાંનો એક પણ ફોટો સોશ્યલ મિડિયા પર મુક્યો નથી. સોશ્યલ મિડિયા પર તમે અંગત જીવનની વાતો કર ે કે તેના ફોટા મુકો એટલે સોશ્યલ મિડિયાના ઓડિયન્સને પણ તમારા અંગત જીવનમાં ખણખોતર કરવાની ટેવ પડે છે. જે થાય એમ અમે એક પરિવાર તરીકે ઇચ્છતા નથી.'
સફળતાથી વાત શરૂ કરીને સફળતા પર જ વાતનો અંત લાવતાં મનોજ કહે છે, 'ઘણાના જીવનમાં સફળતા વહેલી આવે તો ઘણાના જીવનમાં તે મોડી પણ આવે છે. ઘણાને તેમની વીસીમાં જ સફળતા મળી જતી હોય છે. મને મારી સફળતાનો સ્વાદ ત્રીસીમાં ચાખવા મળ્યો હતો. જોકે, અનેક ચડાવઉતારને કારણે મારી કારકિર્દી રોલરકોસ્ટર જેવી રોમાંચક બની રહી છે. '