મનોજ બાજપેઈ : કાળો કોટ પહેરતાં જ દલીલો કરવાનું શૂરાતન ચડયું!
- 'હવે બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડતી ફિલ્મોને જ સફળ ગણવાનો ટ્રેન્ડ શરૂ થયો છે તે જોખમી છે. દર્શકો અને વિશ્લેષકો સુધ્ધાં ફિલ્મની ગુણવત્તાને બદલે કમાણીના આંકડાને સફળતાનો માપદંડ ગણી રહ્યા છે.'
મ નોજ બાજપેઈ હમેશાંથી ચીલો ચાતરીને ચાલતા વિષયો પર બનતી ફિલ્મો કરવા જાણીતો છે. 'બંદા'માં તેણે વધુ એક વખત આ વાત પુરવાર કરી છે. સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર રજૂ થનારી અપૂર્વ સિંહ કર્કીની આ ફિલ્મમાં મનોજ બાજપેઈએ ધારાશાસ્ત્રીની ભૂમિકા ભજવી છે.
અભિનેતા કહે છે કે અગાઉ ક્યારેય મેં ધારાશાસ્ત્રી તરીકેનો વિસ્તૃત રોલ નથી કર્યો. હા, ૨૮ વર્ષ અગાઉ મેં દૂરદર્શન પર આવેલી ધારાવાહિક 'સ્વાભિમાન'માં વકીલની ભૂમિકા ભજવી હતી ખરી. પરંતુ આ ફિલ્મમાં મેં જે રીતે દલીલો કરી છે એવી તક મને એ શોમાં નહોતી મળી.
મનોજ બાજપેઈ આ ફિલ્મ વિશે કહે છે કે તેની કહાણી કેટલીક સત્ય ઘટનાઓ પર આધારિત છે જેમાં અપરાધીઓને રેકોર્ડ પર તો સજા થઈ હતી, પણ તેનો અમલ નહોતો થયો. આ ફિલ્મના લેખકે આ ઘટનાઓ પરથી પોતાની પટકથા વિકસાવી હતી. અભિનેતા પોતાના કિરદાર વિશે વધુ જાણકારી આપતાં કહે છે કે એક નાના નગરમાં રહેતા મહાદેવના ભક્ત પાસે એક કેસ આવે છે ત્યાર પછી તે સતત દેશમાં રહેતા મોટા-પ્રતિષ્ઠિત લોકો સામે લડત ચલાવે છે અને તે પણ એક કલન્યાને ન્યાય અપાવવા માટે.
મનોજે હંમેશાથી શ્રેષ્ઠ કહાણી ધરાવતી ફિલ્મો કરવાનો આગ્રહ રાખ્યો છે. તે માને છે કે ઓટીટીએ આપણા સિનેમા જગતને ઘણાં અંશે બદલ્યું છે. તે પોતાની વાત સમજાવતાં કહે છે કે ભારતના દર્શકોને હમેશાંથી મેનસ્ટ્રિમ ફિલ્મોનું ઘેલું રહ્યું છે. અલબત્ત, ધીમે ધીમે સિનેમા પ્રત્યેનો તેમનો અભિગમ બદલાયો છે. આમ છતાં હવે બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડતી ફિલ્મોને જ સફળ ગણવાનો ટ્રેન્ડ શરૂ થયો છે તે અત્યંત જોખમી છે. દર્શકો અને વિશ્લેષકો સુધ્ધાં ફિલ્મની ગુણવત્તાને બદલે તેની કમાણીના આંકડાને સફળતાનો માપદંડ ગણી રહ્યાં છે. આવી સ્થિતિમાં ફિલ્મનો વિષય પ્રાથમિકતા ગુમાવી બેસે છે, પરંતુ ઓટીટી પર નવા નવા અને સરસ વિષયો રજૂ થઈ રહ્યાં છે. તેમ જ રસપૂર્વક જોવાઈ પણ રહ્યાં છે. ઓટીટીને પગલે જ દર્શકોને સમજાવા લાગ્યું છે કે ઉત્તમ કોન્ટેન્ટ વિનાની ફિલ્મ એટલે આત્મા વિનાનું ખોળિયું. તેથી જો ૭૦ એમએમના પડદાની ફિલ્મો અને ઓટીટી સાથે સાથે ચાલે તો મનોરંજન જગતને બહુ મોટો ફાયદો થાય. દર્શકો જ્યારે બેઉ માધ્યમોની તુલના કરવા લાગે ત્યારે સર્જકો પાસે શ્રેષ્ઠ પીરસવા સિવાય આરોઓવારો ન રહે. પરિણામે સિનેમાની ગુણવત્તા સુધરે અને સંખ્યાબંધ પ્રતિભાશાળી લોકોને પોતાનો હુન્નર દર્શાવવાની તક મળે.
ઓટીટીની વધતી જતી લોકપ્રિયતાનો ફાયદો મનોજને પણ મળ્યો છે. ખાસ કરીને 'ધ ફેમિલી મેન'ને મળેલી અપ્રતિમ સફળતા પછી મનોજ બાજપેઈના પ્રશંસકોની સંખ્યામાં ધરખમ વૃધ્ધિ થઈ છે. અભિનેતા સ્વયં આ વાત કબૂલતાં કહે છે કે કમર્શિયલ બ્લોકબસ્ટર્સને કારણે મારી કારકિર્દી સરસ ચાલી રહી હતી, પણ 'ધ ફેમિલી મેન'ની સફળતાએ તેને વેગ આપ્યો છે. આજે ઘરેઘરમાં લોકો મને જાણતા-પિછાણતા થયા છે.