મનોજ બાજપાઈ અબ તક 100
- 'મને તો હતું કે હું દસ ફિલ્મો કરી શકું તોય ઘણું છે, પણ કમાલ જુઓ, 'ભય્યાજી' મારો એકસોમી ફિલ્મ છે! માય ગોડ! મને પોતાને વિશ્વાસ બેસતો નથી!
'મ ને તો હતું કે હું દસ ફિલ્મો કરી શકું તોય ઘણું છે, પણ કમાલ જુઓ, 'ભય્યાજી' મારો એકસોમી ફિલ્મ છે!'
આ વાક્ય બોલતી વખતે મનોજ બાજપાઈનો ચહેરો કેવો ખીલી ગયો હશે તેની કલ્પના કરી જુઓ. એક ઇવેન્ટમાં તેઓ મીડિયાને સંબોધતા કહી રહ્યા હતા, '૧૦૦ ફિલ્મ... માય ગોડ! મને પોતાને વિશ્વાસ બેસતો નથી! અલબત્ત, એવું નથી કે મેં અસાધારણ મહેનત કરી નાખી એટલે હું આ માઇલસ્ટોન પાર કરી શક્યો છું. જુઓ, મહેનત તો બધા જ એક્ટર્સ કરે છે, ઘણા તો મારાથી પણ વધારે કરતા હશે, પરંતુ હું ૧૦૦ના આંકડાને સ્પર્શી શક્યો છું એનું કારણ ઈશ્વરની કૃપા અને ઓડિયન્સનો પ્રેમ છે.'
આમ તો આવી બધી વાતો સુષ્ઠુ સુષ્ઠુ લાગે, પણ એમાં તથ્ય તો છે. જ્યાં સુધી ઓડિયન્સ હાથ ન પકડે ત્યાં સુધી કોઈ અદાકારનો ઉદ્ધાર થતો નથી. મનોજ બાજપાઇ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા તે વાતને ૩૦ વર્ષ થઈ ગયાં. શેખર કપૂરે ડિરેક્ટ કરેલી અતિ વિવાદિત 'બેન્ડિટ ક્વીન' એમની પહેલી ફિલ્મ. એમનો સિતારો જોકે ચમક્યો રામગોપાલ વર્માની 'સત્યા'થી. હિન્દી ફિલ્મ જગતના આ આલા દરજ્જાના અદાકારે પડદા પર કંઈકેટલાય પડકારરૂપ પાત્રોને પડદા પર અદભુત રીતે જીવંત કર્યા છે.
બિહારના ખોબલા જેવડા બેલવા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા મનોજ બાજપાઇ આજકાલ બહુ વ્યસ્ત બની ગયો છે. ફિલ્મો અને ઓટીટી પર અભિનય કરવાનું કામ જાણે ઓછું પડતું હોય તેમ એમ તેઓ હવે ડોક્યુ-સિરીઝના એન્કરિંગનું કામકાજ પણ પૂરજોશમાં કરે છે. જેમ કે, આ વર્ષ તેમણે ડિસ્કવરી ચેનલની 'સિક્રેટ્સ ઓફ બુદ્ધ રેલીક્સ' સિરીઝનું એન્કરિંગ કર્યું. .
દિલ્હીની રામજસ કોલેજમાંથી હિસ્ટ્રી વિષય સાથે ગ્રેજ્યુેટ થયેલો મનોજ બાજપાઇ નિખાલસભાવે કહે છે, 'મેં મારી કારકિર્દીમાં ક્યારેય પણ કોઇ ટીવી શોનું એન્કરિંગ નથી કર્યું. એટલે જ ટીવી કાર્યક્રમનું સંચાલન કઇ રીતે થાય અને કઇ કઇ બાબતો જરૂરી છે તે એક વિદ્યાર્થીની જેમ શીખ્યો. આમેય હું ઇતિહાસ વિષય સાથે સ્નાતક થયો હોવાથી મને 'સિક્રેટ્સ ઓફ બુદ્ધ રેલીક્સ' સિરીઝનું સંચાલન કરવામાં ખરેખર આનંદ થયો. સાથોસાથે ઘણું શીખવા પણ મળ્યું. કોઇપણ ટીવી સિરીઝ કે ટીવી કાર્યક્રમનું સંચાલન કરતી વ્યક્તિએ તેનો અવાજ, અવાજનો આરોહ-અવરોહ, વિષયની વિવિધ સંદર્ભો સાથે રસપ્રદ રજૂઆત - આ બધું ધ્યાનમાં રાખવું પડે. મારો દોસ્ત નીરજ પાંડે આ શોનો ક્રિયેટર હતો એટલે હું કમ્ફર્ટેબલ હતો.'
નીરજ પાંડેએ 'વેનસડે', 'સ્પેશિયલ ૨૬', 'ઐયારી', 'બેબી', 'એમ.એસ.ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી' જેવી સરસ ફિલ્મો ડિરેક્ટ કરી છે. મનોજ અને નીરજ વચ્ચે સરસ દોસ્તી છે. 'મારો આ દોસ્ત જે કંઈ બનાવે - ફિલ્મ કે સિરીઝ - તેમાં યોગદાન આપવા હું તૈયાર જ હોઉં છું.'
'ભૈય્યાજી' એક કમર્શિયલ ફિલ્મ છે. મનોજને આ પ્રકારની ફિલ્મોમાં આપણે ખાસ જોતા નથી. જોઈએ, 'ભૈય્યાજી' બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકે છે કે કેમ.