મનીષા કોઈરાલા યુવા કલાકારોથી પ્રભાવિત છે
- '80 ટકા યુવા કલાકારોનું વર્તન એકદમ નમ્ર અને વિવેકી હોય છે. તેઓ કોઈ જાતના નખરાં કરતા નથી.'
'૧૯ ૪૨ : અ લવ સ્ટોરી'થી દર્શકોના દિલમાં અનોખું સ્થાન પામનાર અભિનેત્રી મનિષા કોઈરાલા બોલિવુડના આજના કલાકારોથી ખાસ્સી પ્રભાવિત છે. એ કહે છે, 'તેઓ પોતાના કામ પ્રત્યે ૂપૂરેપૂરા કમિટેડ છે. લગભગ ૮૦ ટકા જેટલા કલાકારો એકદમ પ્રોફેશનલ હોવાથી પોતાનું કામ પૂરી મહેનત અને લગનથી કરે છે. મને યુવા પેઢીના આ અભિનેતાઓ અને અભિનેત્રીઓ સાથે કામ કરવાનું બહુ ગમ્યું છે. તેમનું વર્તન પણ એકદમ નમ્ર અને વિવેકી હોય છે. તેઓ કોઈ જાતના નખરાં નથી કરતાં. હા, ૨૦ ટકા જેટલા કલાકારોમાં આ ગુણોનો અભાવ સ્પષ્ટ દેખાય છે.'
કારકિર્દીના આ તબક્કે મનિષા યુવાનોની જેમ ભાગદોડ કરીને વધારે ફિલ્મો કરવા નથી માગતી. તે મર્યાદિત ફિલ્મોમાં કામ કરીને પોતાના શોખ પણ પૂરા કરવા માગે છે. તે કાઠમંડુ ખાતેના પોતાના ઘરમાં પુષ્કળ સમય વિતાવે છે અને પોતાની સહેલીઓ સાથે ટ્રેકિંગ કરવા પણ જાય છે. તેને કોઈનું કહ્યું માનવું નથી ગમતું. એ કહે છે, 'દરેક વ્યક્તિની પ્રાથમિકતાઓ જુદી જુદી હોય છે તેથી કોઈને શીખામણ આપવી નહીં અને કોઈની શીખામણ લેવી નહીં. હું ક્યારેય કોઈની સલાહ કાને ધરતી નથી. બધાને પોતાની રીતે જીવવા દો. દરેકે પોતાની બાબતોના નિર્ણય જાતે જ કરવો.'
અદાકારા પોતાની કારકિર્દી વાત કરતાં કહે છે, 'હું હંમેશાં સ્વતંત્ર મિજાજી રહી છું. મારું મિત્રવર્તુળ મજાનું છે. મારા મિત્રો ફિલ્મોદ્યોગમાંથી નથી આવતા. અને હું મારા કામની ચર્ચા ક્યારેય તેમની સાથે નથી કરતી. છેલ્લાં ત્રીસ વર્ષમાં મેં સોએક ફિલ્મોમાં કામ કર્યું છે. કેન્સરગ્રસ્ત થયા પછી હું મોતનું મોઢું પણ જોઈ આવી છું. આ અનુભવે મારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. કેટલાક કલાકારો સતત એક પછી એક ફિલ્મ કરતા રહે છે. હું આવા કલાકારોને સલામ કરું છું.'