મૈં અગર કહું, તુમ સા હસીં કાયનાત મેં નહીં હૈ કહીં...

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
મૈં અગર કહું, તુમ સા હસીં કાયનાત મેં નહીં હૈ કહીં... 1 - image


- 'સૌથી મહત્ત્વની વાત એ છે કે ગાયકે તો સંગીતકાર આપે એ તર્જ ગાવાની હોય. ગાયક પોતે એમાં કશી દખલ કરી શકે નહીં. સંગીતકાર ગાયકને બોલાવે અને જે ગીત ગવડાવવું હોય તે ગવડાવે. એ ગીત રાગપ્રધાન હોઇ શકે અને ન પણ હોય. તો ગાયક શું કરી શકે?'

સો નુ નિગમના લાખો ચાહકો એને મોડર્ન રફી કહે છે. સોનુએ પોતે પણ 'રફી કી યાદેં' જેવાં કેટલાક આલ્બમ્સ રિલીઝ કર્યાં છે. એને જબરદસ્ત કામિયાબી પણ મળી છે. સાથોસાથ કેટલાક ચાહકો પ્રેમથી પૂછતા રહ્યા છે કે મુહમ્મદ રફીને જે પ્રકારનાં રાગ આધારિત ગીતો ગાવાની તક મળેલી એવાં ગીતો સોનુએ કેમ નથી ગાયાં?  દાખલા તરીકે, 'આપ યું હી અગર હમ સે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાયેગા' (ફિલ્મ એક મુસાફિર એક હસીના, સંગીત ઓ. પી. નય્યર) ગીત પ્રણયગીત છે અને રાગ કેદાર પર આધારિત છે. 'અંખિયન સંગ અખિયાં લાગી આજ ઝૂમે બાર બાર... (ફિલ્મ 'બડા આદમી', સંગીત ચિત્રગુપ્ત). 'નાચે મન મોરા મગન ધીક્ તા ધીગી ધીગી...'(ફિલ્મ 'મેરી સૂરત તેરી આંખેં', સંગીત એસ ડી બર્મન)... 'જિંદગીભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત' (ફિલ્મ 'બરસાત કી રાત', સંગીત રોશન.) આ ગીત રાગ યમન પર આધારિત છે. 'યાદ ન જાયે બીતે દિનોં કી' (ફિલ્મ 'દિલ એક મંદિર', સંગીત શંકર જયકિસન) આ ગીત સાઉથના મધુર રાગ કીરવાણી પર આધારિત છે. આવા બીજા ઘણા દાખલા લઇ શકાય... મુહમ્મદ રફીને આવાં સંખ્યાબંધ ગીતો ગાવાની તક મળેલી. ગીતનો વર્ણ્ય વિષય પ્રેમ હોય પરંતુ ગીતની તર્જ રાગ આધારિત હોય. આવાં ગીતો સોનુ નિગમે કેમ ગાયાં નથી?

આવા પ્રશ્નોથી સોનુ ઉશ્કેરાતો નથી. એ મીઠું મલકે છે. પછી સ્પષ્ટતા કરે છે: આજે મોટા ભાગની ફિલ્મો એક્શન પ્રધાન હોય છે. એમાં સંવેદનશીલ ગીતો કે સંગીતને ઝાઝો સ્કોપ હોતો નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે ગાયકે તો સંગીતકાર આપે એ તર્જ ગાવાની હોય. ગાયક પોતે એમાં કશી દખલ કરી શકે નહીં. સંગીતકાર ગાયકને બોલાવે અને જે ગીત ગવડાવવું હોય તે ગવડાવે. એ ગીત રાગપ્રધાન હોઇ શકે અને ન પણ હોય. તો ગાયક શું કરી શકે? સવાલ ખૂબ સરસ અને મહત્ત્વનો છે એમાં શંકા નથી. પણ એમાં ગાયકનો કોઇ દોષ નથી...

થોડુંક અટકીને સોનુ ઉમેરે છે: આમ છતાં આજે પણ કેટલાંક યાદગાર ગીતો રાગ આધારિત બન્યાં છે અને મારા સદભાગ્યે મને ગાવા મળ્યા છે. એવાં બે-ચાર મુખડાં તમે પણ નોંધી શકો છો. 'મુઝે રાત દિન, બસ મુઝે ચાહતી હો, કહો ના કહો મુઝે સબ પતા હૈ...' (ફિલ્મ 'સંઘર્ષ', સંગીત જતીન-લલિત) આ ગીતમાં રાગ ખમાજ અને ગાવઠીનો સરસ ઉપયોગ થયો છે. 'મૈં અગર કહું, તુમ સા હસીં, કાયનાત મેં નહીં હૈ કહીં...' (ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ', સંગીત વિશાલ શેખર સોનુ સાથે શ્રેયા ઘોષાલે આ ગીત ગાયું હતું.). આ ગીતમાં સંગીતકારોએ રાગ કીરવાણી અને કાફીનો સરસ સમન્વય કર્યો છે. અરે, ક્યારેક તો બસંત મુખારી જેવા મુશ્કેલ રાગ પર આધારિત ગીત ગાવાની તક મને મળી છે. એ ગીત શંકર-અહેસાન-લોયની કમાલ હતી. 

પરંતુ એક વાત ફરી ફરીને સમજવા જેવી છે. ગાયકે સંગીતકાર આપે એ તર્જ ગાવાની હોય. ગીત કયા રાગ પર આધારિત બનાવવું અને કયો તાલ એમાં વાપરવો એ સંગીતકારનો વિશિષ્ટ અધિકાર છે. હા, ક્યારેક ગાયક કોઇ સૂઝાવ આપી શકે. એથી વધુ ગાયક કશું કરી શકે નહીં. ઔર એક વાત. અગાઉ જેવી સંગીત પ્રધાન ફિલ્મો હવે ઓછી બને છે. હિન્દી ફિલ્મોમાં તો ગીતો પણ ઓછાં થઇ ગયાં છે. સાઉથમાં હજુ સાત આઠ ગીત હોય એવી ફિલ્મો બને છે અને ત્યાં સંગીતકારો અમને બોલાવે છે કે અમારાં ગીત ગાવા માટે આવો, પ્લીઝ!

સોનુની વાતમાં દમ છે. ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં જે પ્રકારની ફિલ્મો બની એમાં સંવેદનશીલ ગીતો અને માધુર્ય પ્રધાન સંગીતને સારો એવો અવકાશ હતો. સંજોગો બદલાયા અને એક્શન ફિલ્મો વધુ બનતી થઇ એની સાથોસાથ સંવેદનશીલ ગીતો અને સંગીતનો મહિમા ઘટી ગયો. વાસ્તવમાં છેલ્લાં થોડાં વરસથી હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગાયકો સાઉથનાં ગીતો વધુ ગાતાં થઇ ગયાં. સાધના સરગમ, કવિતા કૃષ્ણમૂત, ઉદિત નારાયણ, સોનુ નિગમ વગેરે ગાયકોની માગ સાઉથમાં જબરી વધી ગઇ. એ આખી વાત સમજવા જેવી છે. એની વિગતવાર વાતો આવતા શુક્રવારે.


Google NewsGoogle News