મહિમા ચૌધરીને સોનિયાનો રોલ કરવાની મહેચ્છા
- મહિમા ચૌધરી લાંબા ઇન્ટરવલ પછી રૂપેરી પડદે પુનરાગમન કરી રહી છે. કંગના રનૌતના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ 'ઇમરજન્સી'માં મહિમા ઇન્દિરા ગાંધીનાં ઘનિષ્ઠ મિત્ર પુપુલ જયકરની ભૂમિકા કરી રહી છે.
સુ ભાષ ઘાઈની ક્લાસિક ફિલ્મ 'પરદેશ'ની નાયિકા ગંગા તરીકે દર્શકોના દિલમાં વસી ગયેલી મહિમા ચૌધરી લાંબા ઇન્ટરવલ પછી રૂપેરી પડદે પુનરાગમન કરી રહી છે. કંગના રનૌતના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ 'ઇમરજન્સી'માં મહિમા સદ્ગત વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીનાં નિકટનાં મિત્ર પુપુલ જયકરની ભૂમિકા કરી રહી છે. ટાઇટલ પરથી અભિપ્રેત છે એમ આ ફિલ્મ શ્રીમતી ગાંધીએ ૧૯૭૫માં લાદેલી કટોકટી (ઇમરજન્સી) પર આધારિત છે. ફિલ્મમાં ઇન્દિરાજીના રાજકીય જીવનના સૌથી વિવાદાસ્પદ અને કપરા કાળનું નિરુપણ કરાયું છે.
મહિમા ચૌધરીએ હમણાં મીડિયાને આપેલા અમુક ઇન્ટરવ્યુમાં પોતાના કમબેક, 'ઇમરજન્સી' અને અંગત જીવન વિશે થોડીક રસપ્રદ વાત કરી છે. મીડિયામાંથી સૌપ્રથમ 'ઈમરજન્સી'ની સ્ટોરીલાઇન વિશે પૃચ્છા કરાઈ એના ઉત્તરમાં અભિનેત્રી કહે છે, 'ફિલ્મનું કથાનક દેશમાં ઈમરજન્સી લદાઈ એ કાળનું છે. એ સમયગાળામાં શું શું બન્યું અને કોણ કોણ જેલમાં ગયું? લોકોમાં શેની ચર્ચા હતી? ઇન્દિરા ગાંધી પોતે કેવા અનુભવમાંથી પસાર થયા? ઇન્દિરાજીની જીવન અને ભારતના રાજકારણનો એ એક બહુ મહત્ત્વનો તબક્કો છે. આવું અગાઉ કદી બન્યું નહોતું. ફિલ્મમાં એ બધા વિશેની જ વાત છે.'
મીડિયાનો બીજો સવાલ બહુ જ રોચક હતો. મહિમાને પૂછાયું કે 'શું પુપુલ જયકરની 'ઈમરજન્સી'માં કોઈ ભૂમિકા હતી ખરી?' જવાબમાં એકટ્રેસ ધડાડો કરે છે, 'તેઓ ગાળામાં એક્ટિવ (સક્રિય) હતા, પણ તેઓ 'ઇમરજન્સી'ની ફેવરમાં નહોતા. હકીકતમાં પુપુલ જયકર બીજા લોકોની જેમ તત્કાલિન પ્રાઈમ મિનિસ્ટરથી બીતા નહોતા. તેઓ ઇન્દિરા ગાંધીને પોતાનો પ્રામાણિક મત આપતા કદાચ એટલા માટે કે તેઓ શ્રીમતી ગાંધીના બાળપણના મિત્ર હતા.'
પછી મિઝ ચૌધરીને એવો પ્રશ્ન કરાયો કે 'કંગનાની આ ફિલ્મ માટે શું તારે ઘણું બધું હોમવર્ક કરવું પડયું હતું?' મહિમા એકદમ હસી પડતા કહે છે, 'સચ કહું તો મુઝે ઈસ ફિલ્મ કે લિયે જ્યાદા હોમવર્ક કરના નહીં પડા. એટલા માટે કે પુપુલ જયકરનો ઇમરજન્સી લાદવામાં કોઈ ફાળો નહોતો. તેઓ માત્ર ઈન્દિરા ગાંધીના ક્લોઝ ફ્રેન્ડ હતા અને ફિલ્મમાં એ જ દર્શાવાયું છે. સૌ જાણે છે એમ જયકરે ભારતીય સંસ્કૃતિ માટે ઘણું કામ કર્યું છે. લઘુ ઉદ્યોગો અને પરંપરાગત ભારતીય પહેરવેશને મહત્ત્વ આપવાની પહેલ એમણે કરી હતી.'
પછીની પૃચ્છા એક ગુગલી ગણી શકાય એવી જ હતી. એક પત્રકારે મહિમાને બેધડક પૂછ્યું, 'શું તમને તક મળે તો બાયોપિક ફિલ્મ કરવી ગમશે ખરી? તમે કોની બાયોપિક કરવાનું પસંદ કરશો?' એક્ટરે પણ જવાબમાં બેધડક કહી દીધું, 'સર, સોનિયા ગાંધીની બાયોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહેશે મને એ કરવી ગમશે. એમનો ઇટાલીથી ભારત સુધીનો પ્રવાસ અને પછી એક મોટી રાજકીય વ્યક્તિ તરીકેનો એમનો પ્રાદુર્ભાવ સોનિયાજીના જીવન સાથે ઘણી રસપ્રદ બાબતો જોડાયેલી છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ મને અમુક આઇકન્સની બાયોપિક કરવામાં મજા આવશે પણ મારે એ લોકોનું બેસીને નાનું લિસ્ટ બનાવવું પડશે.' હવે એક અંગત સવાલ, 'મહિમાજી, તમે માતૃત્વને કઈ રીતે જુઓ છો?- માતૃત્વની તમારી વ્યાખ્યા શું છે?' જવાબ આપવામાં અભિનેત્રી જરાય વાર નથી લગાડતી, 'મને એક મા હોવાનું બહુ ગમે છે. એ દુનિયાનો શ્રેષ્ઠ અનુભવ છે. મારા સંતાન માટે હું બધું જ છોડી શકું છું. મા બનીને દરેક સ્ત્રી ઘણું બધું મેળવતી હોય. છે. એનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે, એ એક અદ્ભુત અનુભૂતિ છે.' હવે એક છેલ્લો પ્રશ્ન, 'શું તમારા પદચિહ્નો પર ચાલી તમારી દીકરી પણ એક્ટર બને એવું તમને ગમશે ખરું?' મહિમા એકદમ ગંભીર વદને કહે છે, 'મારી પુત્રી અત્યારે માંડ ૧૫ વર્ષની છે. એ હજુ તો ૧૦મા ધોરણમાં છે એટલે એને ભણવા દો. એના માટે અત્યારે ક્યા પ્રોફેશનમાં જવું છે એ નક્કી કરવાનું બહુ વહેલું ગણાશે. ઓકે?'