Get The App

મહેશ ઠાકુર : સમય સાથે તાલ મિલાવવામાં જ મજા છે

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
મહેશ ઠાકુર : સમય સાથે તાલ મિલાવવામાં જ મજા છે 1 - image


મ હેશ ઠાકુર દૂરદર્શનની એકાદ-બે ચેનલો મનોરંજન પીરસતી હતી તે વખતથી ટચૂકડા પડદે કાર્યરત છે. આટલા લાંબા વર્ષો સુધી અભિનય ક્ષેત્રે ટકી રહેવા પાછળ તેમની પ્રતિભા, મહેનત, લગન ઉપરાંત નવા જમાના સાથે કદમ મિલાવીને ચાલવાની તેમની તૈયારી કારણભૂત છે. તેઓ ક્યારેય ભવ્ય ભૂતકાળના ગાણાં ગાઈને એમ નથી કહેતા કે ડીડીનો જમાનો અત્યાર કરતાં વધુ સારો હતો. તેઓ વર્તમાનમાં જીવવામાં માને છે. મહેશ ઠાકુર કહે છે કે આજે સંવાદો, કોસ્ચ્યુમ્સ, એક્ટિંગ જેવા તમામ પાસાં ઝીણવટપૂર્વક નિહાળવામાં આવે છે. કોઈપણ કામમાં જરાસરખી કચાશ દેખાય તોય તે દ્રશ્યનું શૂટિંગ ફરીથી કરવામાં આવે છે. દૂરદર્શનના સમયમાં સર્જકો પાસે આટલું મોટું બજેટ જ નહોતું રહેતું. તેઓ વધુમાં કહે છે કે હું ધારાવાહિક 'તૂ-તૂ, મૈં-મૈં'થી લઈને વર્તમાન શો 'આંગન અપનોં કા' સુધી પહોંચ્યો છું. 'તૂ-તૂ, મૈં-મૈં' દ્વારા જ ટચૂકડા પડદે સાસુ-વહુની સિરીયલોનો આરંભ થયો હતો. અને 'આંગન અપનોં કા'માં પિતા-પુત્રીના સ્નેહની કહાણી વણી લેવામાં આવી છે. તેઓ માને છે કે જો છોકરીઓ પગભર હશે તો પોતાના માતાપિતાની કાળજી સહેલાઈથી લઈ શકશે.

અભિનેતા પોતાના આ શો વિશે કહે છે કે તે અન્ય ધારાવાહિકો કરતાં તદ્દન અલગ છે. મેં તેના ૧૨ એપિસોડ વાંચ્યા કે તરત જ આ શો સ્વીકારી લીધો હતો. આ સિરીયલ પાછળનો મૂળ હેતુ દીકરીઓની એવી વિચારસરણીને ઉજાગર કરવાનો છે કે તેઓ તેમના એકલવાયા પિતાની દેખભાળ-કાળજી શા માટે ન કરી શકે. હું તેમાં 'જયદેવ શર્મા'ની મુખ્ય ભૂમિકામાં છું જે પોતાની પુત્રીના લગ્ન કરાવવા ઇચ્છે છે, જ્યારે મારી દીકરી મને એકલો મૂકીને જવા નથી માગતી.

મહેશ ઠાકુરે દાયકાઓની કારકિર્દીને પગલે ટીવી જગતમાં આવેલું પરિવર્તન જાતે નિહાળ્યું છે. તેઓ કહે છે કે આજે અલગ અલગ વિષયો પર એક પછી એક ધારાવાહિક આવતી જ રહે છે. આનું કારણ એ છે કે દર્શકવર્ગમાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. સિરીયલ સર્જકો દર્શકોની નાડ પારખીને વિષયની પસંદગી કરી રહ્યા છે. અગાઉ રિગ્રેસિવ શોઝની બોલબાલા હતી તેનું કારણ પણ તત્કાલીન ઓડિયન્સની સંકુચિત વિચારસરણી હતી. કોઈપણ શો જોતી વખતે દર્શકો તેની સાથે ત્યારે જ જોડાઈ શકે જ્યારે તેમને તેની કહાણીમાં પોતાના વિચારો પ્રતિબિંબિત થતાં જણાય. ટીવી પર એક તબક્કે માત્ર સાસુ-વહુની સિરીયલોની બોલબાલા હતી. હકીકતમાં સાસુ-વહુની રકઝક દર્શાવતો સૌથી પહેલો શો 'તૂ-તૂ, મૈં-મૈં' મેં જ શરૂ કર્યો હતો જે પછીથી ટ્રેન્ડ બની ગયો હતો.

સમય સાથે કદમ મિલાવીને ચાલવામાં માનતા મહેશ ઠાકુરને પોતાના નવા શોનો વિષય એટલા માટે પણ ગમે છે કે તેમાં પુત્રીઓની વિચારસરણીને તદ્દન નવો સ્પર્શ આપવામાં આવ્યો છે. તેઓ કહે છે કે જો છોકરી આત્મનિર્ભર હોય તો તે સ્થિતિને બદલી શકે છે. કોણ કોની કાળજી લેશે, ભવિષ્યમાં સ્થિતિ શી રીતે સુધરશે એ સઘળું સ્પષ્ટ થવા લાગે છે. હું દ્રઢપણે માનું છું કે જો યુવતી પગભર હોય તો ચાહે તે કરી શકે. આપણો સમાજ આજે પણ જુવાન છોકરીઓને ઝટપટ પરણાવી દેવામાં માને છે. પરંતુ મારા આ શોમાં આત્મનિર્ભર અને સ્નેહાળ દીકરી પોતાના પિતાને એકલા મૂકવા નથી માગતી તેને પગલે અન્યો સાથે થતો ટકરાવ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં નવા જમાનાની નવી વિચારસરણીને વણી લેવાઈ છે.


Google NewsGoogle News