માધવનઃ કમલ હાસને મારી સામે અભિનયનું આકાશ ઉઘાડી નાખ્યું...
- અમુક લોકોએ ચેતવણી આપી હતી કે ફિલ્મની બધી ક્રેડિટ કમલ હાસન લઈ જશે, તું ઝાંખો પડી જઇશ, વગેરે. તોય મેં કમલજી સાથે કામ પણ કર્યું અને મારા અભિનયની પ્રશંસા પણ થઇ.
રં ગનાથન માધવનને તમે કદાચ ન ઓળખતા હો, પણ આર. માધવન તમે સારી રીતે ઓળખો. રંગનાથન પિતાનું નામ છે, જ્યારે માધવનના નામની પહેલાં મૂકાય છે. મૂળ તો તમિળ ફિલ્મોનો અચ્છો અભિનેતા છે. આમ છતાં આર. માધવને હિન્દી ફિલ્મોમાં પણ મજેદાર પાત્રો ભજવ્યાં છે. આજકાલ એ ન્યુઝમાં છે કંગના રણૌત સાથેની ફિલ્મને કારણે. આ સાયકોલોજિકલ થ્રિલરનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. કંગના તો એવું પણ ઘોષિત કરી ચૂકી છે કે 'તનુ વેડ્સ મનુ-થ્રી' પણ જરૂર આવશે. ૨૦૨૫માં એની ઉપરાછાપરી ત્રણ હિન્દી ફિલ્મો રજૂ થઈ રહી છે એટલે એ વિશેષ ઉત્સાહિત છે.
બિહારના જમશેદપુરમાં તમિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો ને મુંબઈમાં ઉછરેલો માધવન ભરપૂર ઉત્સાહ સાથે કહે છે, 'મારા માટે ૨૦૨૫નું નવું વર્ષ શુકનિયાળ બની રહેશે એવો મને વિશ્વાસ છે. આ વર્ષની શરૂઆત 'હિસાબ બરાબર'થી થઈ. અશ્વિન ધીરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ. તે પછી આવશે 'દે દે પ્યાર દે-ટુ' અને ત્યાર બાદ 'ધુરંધર'. 'દે દે પ્યાર દે-ટુ'માં માધવનની હિરોઇન તરીકે ફાતિમા સના શેખ છે. 'હિસાબ બરાબર'માં કીર્તિ કુલ્હારી છે, જ્યારે 'ધુરંધર'માં તો રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સારા અર્જુન જેવાં કલાકારોનો કાફલો છે.
કોલ્હાપુરની રાજારામ કોલેજમાંથી ઇલેક્ટ્રોનિક્સ વિષય સાથે બેચલર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરનારો માધવન બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, 'જુઓ, એક અભિનેતા તરીકે કહું તો મને બાળપણથી લઇને અત્યાર સુધીની જિંદગીમાં જાતજાતના અને ભાતભાતના અનુભવ થયા છે. મને બચપણથી જ મારી આજુબાજુ અને સમાજમાં ક્યાં શું શું થાય છે તેનું નિરીક્ષણ કરવાની જબરી જિજ્ઞાાસા રહી છે. મેં આ બધાં જ અનુભવો અને નિરીક્ષણોને મારાં દિલ-દિમાગમાં સાચવી-સંઘરી રાખ્યાં છે. આ જ મારો અસલી ખજાનો છે. મને બરાબર ખબર છે કે એક ખેડૂત, દરજી, લુહાર, શાકભાજીવાળો અને શિક્ષકથી લઇને રેલવે કર્મચારી કઇ રીતે બોલે-ચાલે,
તેમને કેવી કેવી ટેવ હોય, તેમનું જીવન કેવું હોય. તેથી જ હું 'હિસાબ બરાબર'માં રેલવે ટિકિટ કલેક્ટરની સરસ રીતે ભજવી શક્યો.'
કોલ્હાપુરમાં કોલેજના શિક્ષણ દરમિયાન નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ની તાલીમ લઇને બ્રિટીશ આર્મીમાં વધુ સઘન તાલીમ લેવાની સોેનેરી તક મેળવનારો આર. માધવન કહે છે, 'જુઓ, કોઇપણ અભિનેતા કે અભિનેત્રી એક કરતાં વધુ ફિલ્મોમાં વિવિધ પ્રકારનાં પાત્રો ભજવે કે એક કરતાં વધુ કલાકારો હોય તેવી ફિલ્મમાં કામ કરે તે પછી જ એની પ્રતિભાની ખરી છબી પ્રતિભા ઉપસે છે.'
માધવને કરીઅરની શરૂઆતમાં 'બનેગી અપની બાત', 'ઘર જમાઇ', 'સાયા' જેવી ટીવી સિરિયલો કરી હતી. એ કહે છે, 'હું તો મારું પોતાનું જ ઉદાહરણ લઇને કહું છું કે જરાક કલ્પના કરો કે મેં 'રંગ દે બસંતી', '૩ ઇડિયટ્સ', 'વિક્રમ વેધા' જેવી ફિલ્મોમા કામ ન કર્યું હોત તો? નુકસાન કોને થયું હોત? 'રંગ દે બસંતી' ફિલ્મમાં તો મારું પાત્ર ગણીને નવ મિનિટનું જ છે. '૩ ઇડિયટ્સ' ફિલ્મમાં આમિર ખાનની ભૂમિકા મુખ્ય છે અને મારું પાત્ર બીજા કે ત્રીજા નંબરનું છે. ખરું કહું તો આ બધી હિન્દી ફિલ્મો અને તેમાં મારી ભૂમિકાને કારણે તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ મારી પ્રતિષ્ઠા વધી છે. હું હિન્દી અને તમિળ બંને ભાષાની ફિલ્મોમાં સરસ રીતે કામ કરી શકું છું, વિવિધ પ્રકારનાં અને પડકારરૂપ કહી શકાય તેવાં પાત્ર પણ ભજવી શકું છું. હું કોઇપણ જાતની અસલામતી પણ અનુભવતો નથી. મને ખબર છે કે ફિલ્મ જગતમાં કેટલાક લોકો પોતાની અસલામતીની ભાવના વિશે કોઇને જાણ ન થઇ જાય તે માટે પોતાની ફરતે એક પ્રકારનું સુરક્ષાકવચ રચી દેતાં હોય છે.'
માધવન એક જૂનો કિસ્સો યાદ કરે છે, 'મને 'અંબે શિવમ' નામની તમિળ ફિલ્મમાં મહાન અભિનેતા કમલ હાસન સાથે કામ કરવાની તક મળી ત્યારે અમુક લોકોએ ચેતવણી આપી હતી કે ફિલ્મની બધી ક્રેડિટ કમલ હાસન લઈ જશે, તું ઝાંખો પડી જઇશ, વગેરેે. તોય મેં કમલજી સાથે કામ પણ કર્યું અને મારા અભિનયની પ્રશંસા પણ થઇ. કમલ હાસન જેવા મોટા ગજાના અભિનેતા સાથે કામ કરીને હું પુષ્કળ શીખ્યો. મને ખુદને મારી અભિનયપ્રતિભાનો પરિચય થયો. એમ કહો કે મારા અભિનયનું આકાશ ઉઘડી ગયું.'
માધવન ડિરેક્ટર અને પ્રોડયુસર પણ છે. એની 'રોકેટ્રી : ધ નામ્બિ ઇફેક્ટ' જેવી મસ્તમજાની ફિલ્મ શી રીતે ભૂલી શકાય? માધવનની ડિરેક્ટર તરીકેની હવે પછીની ફિલ્મની સૌને પ્રતિક્ષા છે. નેચરલી.