Get The App

પ્રેમ એટલે કે... : મિલેનિયલ્સની દ્રષ્ટિએ

Updated: Feb 14th, 2025


Google News
Google News
પ્રેમ એટલે કે... : મિલેનિયલ્સની દ્રષ્ટિએ 1 - image


જબ વી મેટ  : પહેલાં પોતાની જાતને પ્રેમ કરો

ફેમસ ડાયલોગ:

 જબ કોઈ પ્યાર મેં હોતા હૈ તો કુછ સહી ગલત નહીં હોતા...

આ ભલે ગીત અને આદિત્યની લવ સ્ટોરી હોય પરંતુ, ગીતનો 'મૈં અપની ફેવરિટ હૂં' ડાયલોગ આજે પણ પોતાના સપનાં પૂરા કરવા માંગતી છોકરીઓનો ફેવરિટ છે. ગીતની સફર આપણને શીખવે છે કે, પ્રેમમાં ગુમાવવાનું કે કોઈને તાબે થવાનું નથી, પરંતુ પોતાની મોજમાં મહાલવાનું છે. સ્વયંની ખોજ અને સપનાની શોધ આધુનિક ઈન્ડિપેન્ડન્ટ નારી ગીતને ટોક્સિક પ્રેમી અંશુમાનથી દૂર અને આદિત્યની નજીક લઈ જાય છે. આ ફિલ્મમાં બીજાને પ્રેમ કરતાં પહેલાં પોતાની જાતને પ્રેમ કરવો જરૂરી છે, તે વાત હાઈલાઈટ થાય છે.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે  પ્રેમ સમર્પણ માંગે છે

ફેમસ ડાયલોગ: 

બડે બડે દેશોં મેં ઐસી છોટી છોટી બાતેં હોતી રહતી હૈ, સિન્યોરિટા!

એનઆરઆઈ બિઝનેસમેનના દીકરા રાજ અને પરિવારની મરજી મુજબ લગ્ન કરવા તૈયાર થયેલી સિમરનની લવ સ્ટોરી બોલિવુડની સૌથી સફળતમ પ્રેમકથાઓમાંની એક છે. ટ્રેન ટ્રિપમાં ઓચિંતી મુલાકાતથી શરૂ થતી પ્રેમ કહાણી છેલ્લે ટ્રેનમાં જ 'જા સિમરન જી લે અપની ઝિંદગી..' જેવા આઈકોનિક ડાયલોગ સાથે ખતમ થાય છે. પહેલી મુલાકાત અને યુરોપમાં પ્રેમની શરૂઆતને કદાચ સામાન્ય કહીં શકાય, પરંતુ રાજ માગે તે હાજર કરનાર પિતા પોતાના પુત્રને પ્રેમ માટે કંઈ પણ કરવા તૈયાર રહેવાની સલાહ આપે છે, ત્યાંથી લઈને રાજ દ્વારા થતી સિમરનનાં લગ્નની પૂર્વ તૈયારીઓથી લઈને સિમરનના પરિવારને મનાવવાની સફર અસામાન્ય હતી. રાજના પિતાએ શીખવ્યું કે, બેટા સાચો પ્રેમ ક્યારેય ખરીદી નથી શકાતો, તેને તો જીતવો જ પડે છે. પુત્રએ તે જ કર્યું. તેણે સિમરન જ નહીં, સિમરનના ભાવિ પતિના પરિવારના તમામ સદસ્યોના દિલ પણ જીત્યા હતા. પ્રેમ જે સમર્પણ માંગે છે તે રાજે આપ્યું, ને ત્યારે જ સિમરન-રાજ એક થઈ શક્યા હતાં.

બાગબાન 

પ્રેમની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી

ફેમસ ડાયલોગ: તુમ્હારે બગૈર તો હમ સિર્ફ જી રહે થે. દિલ ને ધડકના તો ઉસ દિન શુરૂ કિયા જીસ દિન આપ હમેં મિલી...

સિનિયર સિટીઝન રાજ અને પૂજા મલ્હોત્રાની લવ સ્ટોરી આજના સમયની કડવી વાસ્તવિકતાને દર્શાવે છે. એક મા-બાપ ચાર સંતાનોનો ઉછેર કરી શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં ચાર સંતાનો મા-બાપને સાચવી શકતાં નથી. ૪૦ વર્ષનાં લગ્નજીવન બાદ મા-બાપના ભાગલા પાડવામાં આવે છે. બેશરમ સંતાનો માતા-પિતાને નોખાં કરીને પોતાના ઘરે રાખવાના વારા નક્કી કરે છે. પતિ-પત્નીનો પ્રેમ, 'મે યહાં તૂ વહાં' ગીત દ્વારા ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે. તેમની છ મહિના બાદની મુલાકાત અને દત્તક પુત્ર દ્વારા તેમની સંભાળ તેમના જીવનમાં ટનગ પોઈન્ટ સાબિત થાય છે. રાજ દ્વારા લખવામાં આવેલી નવલકથા 'બાગબાન' તેમને પાછા સાથે રહેવા માટે પગભર કરે છે.

મિલેનિયલ્સ એટલે ૧૯૮૧થી ૧૯૯૬ વચ્ચે જન્મેલી પેઢી. આ એ જનરેશન છે, જેણે ૨૦૦૨નો ગુજરાત ભૂકંપ, ૨૦૦૮ની ફાઈનાન્શિયલ ક્રાઇસિસ, ૨૦૨૦ની કોરોના મહામારીની સાથે જીવનના તમામ પ્રકારના ઉતાર-ચઢાવ જોયા છે. તેમના સમયમાં જ ઈન્ટરનેટ, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો વિકાસ જોવા મળ્યો હતો. અરે, પ્રેમનું - રોમેન્ટિક લવનું સ્વરૂપ વ્યાખ્યાઓ આ સમયગાળામાં જ બદલાઈ. ઓનલાઈન ડેટિંગની શરૂઆત સાથે જ ટિન્ડર, બમ્બલ અને હિન્જ જેવી એપ્લિકેશન્સે પ્રેમની પરિભાષા બદલી નાખી છે. 'નેટફ્લિક્સ એન્ડ ચિલ' પહેલાં આ જનરેશન બોલિવુડ પાસેથી જ પ્રેમના પાઠ શીખતી હતી. આજે આપણે વેલેન્ટાઈન્સ ડે પર એવી ફિલ્મો વિશે વાત કરીશું જેણે મિલેનિયલ્સને પ્રેમ કરતા શીખવ્યો છે અને આજે પણ શીખવી રહી છે. એટલે જ કદાચ, ઘણા મિલેનિયલ્સે નક્કી કર્યું છે કે, જો આવો પ્રેમ ન મળે તો લગ્ન કરવા જ નથી!

પ્યારી પ્રેમકહાણી 

આ લેખમાં જેના વિશે વિસ્તારથી વાત થઈ છે તે સિવાય પણ ઘણી ફિલ્મો છે, જેની પાસેથી મિલેનિયલ્સે પ્રેમના પદાર્થ પાઠ શીખ્યા છે. 'બરફી' શીખવે છે કે, જતું કરવું પણ પ્રેમ છે. 'હમ તુમ'માંથી શીખવા મળે છે કે, જો તમે કોઈને પ્રેમ કરો છો તો તેનો પૂર્ણ સ્વીકાર જરૂરી છે. 'સલામ નમસ્તે' શીખવે છે કે, સાચા પ્રેમની શરૂઆત ડેટિંગથી નહીં, પણ તે પછીના ચેપ્ટરમાં એકબીજાની સારસંભાળ રાખીને થાય છે. 'જાને તૂ યા જાને ના'માંથી શીખવા મળે છે કે, તમારો બેસ્ટ ફ્રેન્ડ તમારો પ્રેમી હોઈ શકે છે. 'આશિકી-ટુ' સેલ્ફ-ડિસ્ટ્રક્ટિવ (આત્મઘાતી) લાગણીઓની વચ્ચે વિકસતા સેલ્ફલેસ (નિ:સ્વાર્થ) લવ વિશે વાત કરે છે. 'વિવાહ' પ્રેમ માટે બલિદાન શું કહેવાય તે શીખવે છે. 'દમ લગા કે હૈશા' શીખવે છે કે, પ્રેમ એટલે પાર્ટનરની ખામીઓનો સહર્ષ સ્વીકાર. 

લમ્હેં પ્રેમ ઉંમર જોઈને ન થાય

આ લિસ્ટમાં સૌથી વિવાદાસ્પદ ફિલ્મ 'લમ્હે' છે. તેનો કેન્દ્રિય વિચાર મિલેનિયલ્સ તો શું, કદાચ જેન-ઝી માટે પણ જીવનમાં ઉતારવો અતિ કઠિન છે. અલબત્ત, પ્રેમ તો પ્રેમ છે. એજ નો બાર! એનઆરઆઈ વીરેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે વિરેન પલ્લવીના પ્રેમમાં પડે છે, પણ પલ્લવીના વિવાહ બીજા કોઈ સાથે થાય છે. વર્ષોે પછી વિરેનની આંખો સામે પલ્લવીની દીકરી પૂજા આવે છે. પૂજા ચહેરેમહોરે અદ્દલ પોતાની મા જેવી. પૂજા પોતાના કરતાં ક્યાંય મોટા એવા વિરેનના પ્રેમમાં પડે છે. તેની વેદનાને ફિલ્મમાં ખૂબ સુંદર રીતે વર્ણવવામાં આવી છે. એક એવો પ્રેમ છે જે લગ્નમાં પરિણમી શકે ન શકે. વિરેન-પૂજાની વ્યથા અને મૂંઝવણો દર્શકોને ત્રણ કલાક લાંબી ફિલ્મમાં જકડી રાખે છે.

ફેમસ ડાયલોગ: 

પ્યાર મે દિલ કી બાત દિલ મે નહીંં રખની ચાહિયે... કહ ઝરૂર દેની ચાહિયે!

રોકસ્ટાર : કલા તૂટેલા દિલમાંથી પ્રગટે છે

દિલ્હીનો જનાર્દન જાખડ ઉર્ફે જોર્ડન પોતાના ફેવરિટ રોકસ્ટાર જીમ મોરિસન જેવા જ ફેમસ બનવાનું સપનું જોવે છે. તે માને છે કે, મહાન કલા પીડામાંથી જ ઉદ્ભવે છે. તેની સાથે થાય છે પણ એવું જ. બ્યુટીફૂલ અને બિન્દાસ હીર કૌલ સાથે મુલાકાત થયા બાદ એનું જીવન બદલાઈ જાય છે. ફ્રેન્ડશિપ અને લવ વચ્ચેની ભેદરેખા ધૂંધળી થઈ જાય છે. હીર તો એના મંગેતર સાથે લગ્ન કરી લે છે, પરંતુ, બંન્ને વચ્ચે બંધાયેલો પ્રેમનો સેતુ અકબંધ રહે છે. હીર જોર્ડનના સંગીતસર્જનની પ્રેરણા આપે છે અને જોર્ડન વર્લ્ડ ફેમસ રોકસ્ટાર બને છે. ક્રમશ: જનાર્દનમાંથી જોર્ડન બનેલા આ પ્રેમીને સમજાતું જાય છે કે ફેમસ થવું એ જીવન નથી. જીવન પ્રેમ છે અને હીર વગર એની તમામ સફળતા નકામી છે...

ફેમસ ડાયલોગ: 

પતા હૈ, યહાં સે બહુત દૂર, ગલત ઓર સહી કે પાર એક મૈદાન હૈ... મૈં વહાં મિલુંગા તુઝે! 

વીર ઝારા પ્રેમના કોઈ સીમાડા નથી હોતા

એકવાર કોઈને પ્રેમ થઈ જાય પછી પાછળ વળીને જોવાનો સવાલ જ નથી. 'વીર ઝારા'માં ઈન્ડિયન એરફોર્સ ઓફિસર વીરપ્રતાપ સિંહ અને પાકિસ્તાની રાજનેતાની દીકરી ઝારા હયાત ખાનની લવસ્ટોરીને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. પાકિસ્તાનના લાહોરની ઝારા પોતાની શીખ આયાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે ભારત આવે છે. આ દરમિયાન થયેલો એક બસ અકસ્માત તેને વીરપ્રતાપ સિંહની નજીક લાવે છે. વીરે ઝારાની મુલાકાત તેનો ઉછેર કરનાર કાકા-કાકી સાથે કરાવે છે. બીજા જ દિવસે પાકિસ્તાન પરત ફરવા માટે એ ઝારાને રેલવે  સ્ટેશન લઈને આવે છે. ઝારાનો મંગેતર રઝાને ત્યાં જોઈને ચોંકી ગયેલો વીર પ્રેમિકા સાથેની આ છેલ્લી મુલાકાત થે તેવું સમજીને પોતાના પ્રેમનો એકરાર કરે છે. એક તરફ, ઝારા પરિવારનો જોરદાર વિરોધનો સામનો કરે છે અને બીજી તરફ, પ્રેમિકાને મળવા માટે પાકિસ્તાન પહોચેલો વીર ૨૨ વર્ષ જેલમાં સબડે છે. વીરને બસ અકસ્માતમાં મૃત્યુ પામેલો સમજીને પ્રેમિકા ઝારા ભારત આવી પહોચે છે અને પ્રેમીના ગામનો વિકાસ કાર્યો કરે છે. તેમનાં લગ્નથી સાબિત થાય છે કે, 'જિન કો મિલના હોતા હૈ ના વો મિલ હી જાતે હૈં...' 

ફેમસ ડાયલોગ: 

સચ્ચી મોહબ્બત ઝિંદગી મેં સિર્ફ એક બાર હોતી હૈ ઔર જબ હોતી હૈ તો કોઈ ભગવાન યા ખુદા ઉસે નાકામિયાબ નહીં હોને દેતા...

તમાશા  પ્રેમ એટલે આંતરખોજનું બીજું નામ

આ ફિલ્મ વેદ અને તારાની પરફેક્ટ 'ટ્વિન ફ્લેમ રિલેશનશિપ' પર આધારિત છે. કોઇ પણ ટ્વિન ફ્લેમની સફરમાં સૌથી પહેલો તબક્કો ઈન્સ્ટંન્ટ કનેક્શનનો આવે છે. વેદ અને તારાની યુરોપિયન ટૂર તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રારંભિક પરિચયમાં જ વર્ષોથી એકબીજાને ઓળખતા હોય તેવો વિશ્વાસ જોવા મળે છે. ટ્વિન ફ્લેમનો બીજો તબક્કો સેપરેશનનો છે. આ તબક્કામાં બન્ને પાત્રોને પોતાની ખામીઓ પર કામ કરવાની પ્રેરણા મળે છે. વેદ અને તારા પણ એકબીજાથી અલગ થાય છે. આ દરમિયાન સમાજના દબાણ હેઠળ બોરિંગ નોકરી કરી રહેલો વેદ પોતાના સ્ટોરી ટેલિંગના પેશનને ફોલો કરે છે. ટ્વિન ફ્લેમ રિલેશનશિપમાં યોગ્ય સમયે પુન: મિલન થવું નિશ્ચિત હોય છે. આ ફિલ્મમાં પણ એમ જ થાય છે.

ફેમસ ડાયલોગ:

ડર લગતા હૈ? અપની કહાની મુઝ સે પૂછતા હૈ... કાયર!

કલ હો ના હો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે

અમનનો નૈના પ્રત્યેનો પ્રેમ નિ:સ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. જીવલેણ બીમારીથી પીડાઈ રહેલો અમન, નૈનાનું હિત ધ્યાનમાં રાખીને તેને રોહિતના પ્રેમમાં પાડવામાં મદદ કરે છે. આ મૂવી દરેક ક્ષણને છેલ્લી માનીને જીવવાનો અમૂલ્ય પાઠ શીખવે છે.

ફેમસ ડાયલોગ: 

મૈ આંખેં બંધ કરતા હૂં તો તુમ્હેં દેખતા હૂં, આંખે ખોલતા હૂં તો તુમ્હે દેખના ચાહતા હૂં... તુમ પાસ નહીં હોતી તો તુમ્હેં ચારોં તરફ મેહસૂસ કરતા હૂં... હર પલ, હર ઘડી, હર વક્ત...

Tags :
Chitralok-Magazine

Google News
Google News