Get The App

ભગવાન શ્રી કૃષ્ણ: ટીવી અને સિલ્વર સ્ક્રીનના સુપર હીરો

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
ભગવાન શ્રી કૃષ્ણ: ટીવી અને સિલ્વર સ્ક્રીનના સુપર હીરો 1 - image


શ્રીકૃષ્ણ એક એવું ભવ્યાતિભવ્ય પાત્ર છે, જે સંભવત: તમામ અદાકારોના વિશ લિસ્ટમાં હોવાનું. અત્યાર સુધીમાં આપણે સ્ક્રીન પર ઘણા કનૈયા જોઈ ચૂક્યા છીએ, જેમ કે... 

નિતિશ ભારદ્વાજ

ભગવાન કૃષ્ણના પાત્રની વાત આવે તો નિતિશ ભારદ્વાજનું નામ સૌ પ્રથમ લેવું પડે. ૧૯૮૮થી ૯૦ના દાયકામાં બી આર ચોપરાની ટેલીવીઝન સીરીઝ મહાભારતમાં નિતિશે કરેલું કૃષ્ણનું ચિત્રણ એટલું તો પ્રસિદ્ધિ પામ્યું કે તેઓ જાણે કૃષ્ણનો બીજો ચહેરો બની ગયા. જે પ્રમાણે નિતિશે કૃષ્ણનું પાત્ર ભજવ્યું અને જે રીતે તેમણે કુરુક્ષેત્રના યુદ્ધ અને ભગવદ્ ગીતાના કથન દરમ્યાન અભિનય કર્યો તે દર્શકોના મનમાં આજે પણ કંડારાઈ ગયું છે. નિતિશ ભારદ્વાજને સહેલાઈથી ટીવીના કૃષ્ણ કહી શકાય. નિતિશે કૃષ્ણનું પાત્ર બે વાર ભજવ્યું. બી આર ચોપરાના મહાભારતમાં તેમજ ફરી ૨૦૦૮માં વિષ્ણુ પુરાણ સીરીઝમાં તેમણે કૃષ્ણના પાત્રને પૂરતો ન્યાય આપ્યો.

સ્વપ્નિલ જોશી

અન્ય કલાકાર જેનું નામ કૃષ્ણ સાથે જોડાયેલું છે તે છે પ્રસિદ્ધ મરાઠી કલાકાર સ્વપ્નિલ જોશી. સ્વપ્નિલે ટીવી શોમાં બે આઈકોનિક પાત્રો ભજવ્યા. બંને સીરીઝનું દિગ્દર્શન રામાનંદ સાગરે કર્યું હતું. ઉત્તર રામાયણમાં સ્વપ્નિલે કુશનું પાત્ર ભજવ્યું જ્યારે શ્રી કૃષ્ણમાં યુવા કૃષ્ણનું પાત્ર ભજવ્યું. સ્વપ્નિલનું ચિત્રણ પણ અત્યંત લોકપ્રિય થયું અને ભારતીય ટીવી ઈતિહાસમાં તે સૌથી લોકપ્રિય કલાકાર બની ગયો.  

સર્વદમન ડી. બેનર્જી

નિતિશ ભારદ્વાજે કૃષ્ણના ચિત્રણ માટે જે ધોરણ સ્થાપ્યા તે અન્ય કલાકારો માટે વધુ પડતા ઉચ્ચ હતા. છતાં રામાનંદ સાગની સીરીઝ શ્રી કૃષ્ણમાં સર્વદમન ડી. બેનર્જીએ પણ કૃષ્ણના પાત્રનું અત્યંત પ્રતિભાશાળી ચિત્રણ કર્યું. આ ટેલન્ટેડ કલાકારે પોતાના પરફોર્મન્સ માટે અનેક એવોર્ડ મેળવ્યા.

સૌરભ રાજ જૈન

ટીવીના લોકપ્રિય સ્ટાર સૌરભ રાજ જૈનએ ૨૦૧૩-૧૪ દરમ્યાન મહાભારતમાં કૃષ્ણનું પાત્ર નિભાવીને લોકપ્રિયતા હાંસલ કરી હતી. સૌરભ રાજ જૈનના મતે એક કલાકાર તરીકે કૃષ્ણનું પાત્ર ભજવવાથી તમામ પ્રકારની લાગણીઓ વ્યક્ત કરવાની તક મળે છે જે એક કલાકારને સંતોષ આપે છે. સૌરભ કહે છે કે કૃષ્ણનું પાત્ર ભજવવાથી કલાકારને ધાર્મિક પાત્રમાં ટાઈપ કાસ્ટ થવાનો ભય નથી રહેતો કારણ કે કૃષ્ણ તમામ પ્રકારની ભાવનાઓનું નિરૂપણ કરે છે.

સૌરભ પાંડે

લોકપ્રિય કલાકાર સૌરભ પાંડે અનેક વર્ષોથી ટીવી ક્ષેત્રમાં લોકપ્રિય રહ્યા હતા. પણ એપિક સીરીયલ સૂર્યપુત્ર કર્ણમાં કૃષ્ણના રોલથી તેમણે ચાહકોના મનમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. સૌરભે કરેલા કૃષ્ણના ચિત્રણથી દર્શકો પ્રભાવિત થયા અને તેમની અત્યાર સુધી છુપી રહેલી પ્રતિભા ઉજાગર થઈ.

સુમેધ મુડગાલકર

યુવા કલાકાર સુમેધ મુડગાલકર લોકપ્રિય શો રાધાકૃષ્ણમાં યુવા કૃષ્ણના ચિત્રણથી દર્શકોના મનમાં સ્થાન જમાવવામાં સફળ રહ્યો છે. સુમેધના મતે હાલના સમયમાં કૃષ્ણના ચિત્રણમાં જે રીતે પરિવર્તન આવ્યું છે તેના કારણે કૃષ્ણ કલાકારોનું મનપસંદ પાત્ર બન્યું છે. અનેક કલાકારોની કારકિર્દીમાં કૃષ્ણના પાત્રનું ચિત્રણ એક સીમાચિહ્ન સાબિત થયું છે.

ધૃતિ ભાટિયા

યુવા ઉપરાંત કૃષ્ણના બાળ સ્વરૂપના રોલ પણ ટીવી અને ફિલ્મી પડદે લોકપ્રિય થયા છે. અનેક ટીવી શોમાં કૃષ્ણના બાળસ્વરૂપને દર્શાવવામાં આવ્યું છે અને તમામ બાળકલાકારોએ આ ભૂમિકા ઉમદા રીતે નિભાવી છે. જો કે હાલના સમયમાં ટીવી શો જય શ્રી કૃષ્ણમાં બાળ કૃષ્ણનું પાત્ર ભજવનાર ધૃતિ ભાટિયા અત્યંત લોકપ્રિય થઈ છે. આ બાળ કલાકારે તેના હાવભાવ અને અભિનય પ્રતિભાવથી દર્શકોના મન પર ચિરસ્થાયી છાપ છોડી છે.

વિશાલ કારવાલ

વિશાલ કારવાલ દ્વારકાધીશ - ભગવાન શ્રી કૃષ્ણમાં ભગવાન કૃષ્ણના પાત્રના ચિત્રણથી લોકપ્રિય થયો છે. ૨૦૧૧માં પ્રસારિત થયેલી સીરીયલ દ્વારકાધીશને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. વિશાલ કહે છે કે  કૃષ્ણનું પાત્ર ભજવતા તેને અભિનયના અનેક પાઠ શીખવા મળ્યા અને એક વિશ્વસનીય કલાકાર તરીકે પોતાની છાપ ઊભી કરી શક્યો.

 અક્ષય કુમાર

૨૦૧૨માં રજૂ થયેલી 'ઓહ માય ગોડ'માં ખિલાડી કુમાર અક્ષયે ભજવેલી આધુનિક કૃષ્ણની ભૂમિકાને દર્શકોએ ઉમળકાથી સ્વીકારી. કટોકટીમાંથી પસાર થઈ રહેલા પરિવારને ઉગારનાર કૃષ્ણનો રોલ દર્શકોમાં એટલો લોકપ્રિય થયો કે તેની સીક્વલ પણ બની.

પવન કલ્યાણ

ઓહ માય ગોડ જે તેલુગુ ફિલ્મની રિમેક હતી તે 'ગોપાલા ગોપાલા'માં વેંકટેશ અને પવન કલ્યાણ મુખ્ય ભૂમિકામાં હતા. પવને કૃષ્ણની ભૂમિકા ભજવી હતી અને તેણે પણ પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો હતો.

વિક્રમ ગોખલે

ફિલ્મ યહી હૈ ઝિંદગીમાં કૃષ્ણની ભૂમિકા નિભાવનાર મરાઠી કલાકાર વિક્રમ ગોખલે કાયમ માટે યાદ રહેશે. તેમણે કૃષ્ણનું પાત્ર જે સ્વાભાવિક્તાથી ભજવ્યું  અને જે રીતે તેને ફિલ્મમાં આધુનિક પાત્રો સાથે વાર્તાલાપ કરે છે તેને દર્શકો ક્યારેપણ નહિ ભૂલી શકે.

એનટી રામા રાવ

સદ્ગત કલાકાર એનટી રામારાવએ કૃષ્ણની ભૂમિકા અનેકવાર ભજવી હતી. કલાકારમાંથી રાજકરણી બનેલા રામા રાવે શ્રી કૃષ્ણાર્જુન યુદ્ધમ, કર્ણન, દાન વીરે સૂરા કર્ણ જેવી અનેક ફિલ્મોમાં કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું અને વાસ્તવિક  જીવનમાં પણ લોકો તેમને ભગવાન જેવું માન સન્માન આપતા હતા. 

કલાકારો માટે કૃષ્ણનું પાત્ર પડકારયુક્ત: અનેક કલાકારો કૃષ્ણ બનીને તરી ગયા

ભારતીય ટેલીવીઝન અને ફિલ્મ ઉદ્યોગ લાંબા સમયથી ભગવાન કૃષ્ણની દૈવી કથાઓથી પ્રભાવિત રહ્યા છે. અનેક ટીવી શો અને ફિલ્મોએ કૃષ્ણનું જીવનચરિત્ર પડદા પર દર્શાવ્યું છે. ૧૯૯૦ના દાયકામાં રામાનંદ સાગરના આઈકોનિક શો કૃષ્ણથી લઈને ૨૦૧૧ના આધુનિક દ્વારાકદીશ  - ભગવાન શ્રી કૃષ્ણ અને યેહી હૈ ઝિંદગીથી લઈને ઓહ માય ગોડ જેવી ફિલ્મોથી કૃષ્ણના આદર્શ અને વ્યક્તિત્વ ધબકતા રહ્યા છે. આ ફિલ્મો અને ટીવી શોએ કૃષ્ણના જીવનના વિવિધ પાસા પર પ્રકાશ પાડયો છે. કેટલાકમાં કૃષ્ણના બાળચરિત્ર જ્યારે કેટલાકમાં કૃષ્ણનું જ્ઞાાનસભર પરિપકવ પુખ્ત સ્વરૂપ દર્શાવવામાં આવ્યું હતું. દર્શકોએ કૃષ્ણના તમામ ચિત્રણને ઊંડી આસ્થા અને પ્રેમથી સ્વીકાર્યા અને તેને ભજવનાર કલાકારોને લોકપ્રિય બનાવ્યા. નિતિશ ભારદ્વાજ, સ્વપ્નિલ જોશી, વિક્રમ ગોખલે અને અક્ષય કુમાર જેવા કલાકારોએ કૃષ્ણના પાત્રને પૂરી નિષ્ઠાથી નિભાવ્યું. તેમના માટે કૃષ્ણ કારકિર્દીના મહત્વના સીમાચિહ્નથી વિશેષ હતા, એક કલાકાર તરીકે પરિવર્તનકારી અનુભવ હતો. કૃષ્ણની ભૂમિકા ભારતીય મીડિયામાં કલાત્મક સિદ્ધિનું શિખર છે, જે પૌરાણિક કથાઓ અને પ્રેક્ષકોની સાંસ્કૃતિક ચેતના વચ્ચેના શક્તિશાળી જોડાણનું પ્રતીક છે. ટીવી અને મોટી સ્ક્રીન પર કૃષ્ણના પાત્રને રસપ્રદ રીતે નિભાવનાર કલાકારો પર નજર કરીએ:


Google NewsGoogle News