હિરોઈનને હિરોઇન જ રહેવા દો : એના ડી અરમસ .
- 'જેમ્સ બોન્ડને જેમ્સ બોન્ડ જ રહેવા દો અને જોન વિકને જોન વિક જ રહેવા દો, અમે મહિલા કલાકારો ઓરિજિનલ પાત્રો ભજવીશું.'
પોતાના પ્રભાવશાળી અને બોલ્ડ સ્ક્રીન હાજરી માટે પ્રસિદ્ધ થયેલી હોલિવુડની ઊભરતી કલાકાર એના ડી અરમસે તાજેતરમાં આઈકોનિક પુરુષ પાત્રોની મહિલા રૂપાંતરિત આવૃત્તિ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. પોતાની આગામી ફિલ્મ 'બેલેરીના'ના પ્રમોશન દરમ્યાન એનાએ સ્પષ્ટતા કરી કે જેમ્સ બોન્ડ જેવાં ક્લાસિક પાત્રોને મહિલા પાત્રોમાં રૂપાંતરિત કરવાના સ્થાને ફિલ્મ ઉદ્યોગે શક્તિશાળી મહિલાઓ પર કેન્દ્રિત અસલ વાર્તા રચવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
૨૦૨૧ની બોન્ડ ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ'માં પલોમા તરીકે પોતાના રોલ માટે વ્યાપક પ્રશંસા મેળવનાર એનાએ સ્પષ્ટતા કરી કે જેમ્સ બોન્ડને જેમ્સ બોન્ડ જ રહેવા દો અને જોન વિકને જોન વિક જ રહેવા દો, અમે મહિલા કલાકારો મૂળ પાત્રો નિભાવીશું. ધી જોન વિક એક્સપીરીયન્સ કાર્યક્રમ દરમ્યાન એનાએ આપેલા આ નિવેદનની ભારે પ્રશંસા થઈ. એનાએ દ્રઢતાથી જણાવ્યું કે મહિલા કલાકારો પોતાની રીતે મુખ્ય એક્શન ફિલ્મો કરવા પૂરતી સક્ષમ છે. એનાએ ઉમેર્યું કે જ્યારે મહિલા એક્શન કરે છે ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જાય તેવા કારનામા કરતી હોય છે.
પલોમા તરીકે એનાનો રોલ પ્રચલિત બોન્ડ ગર્લની છબિને બદલી નાખવા માટે કારણભૂત બન્યો હતો. માત્ર આઈ કેન્ડી અથવા સાઈડ કિક બનવાને બદલે, પલોમાએ રમૂજ ઉપરાંત એક્શન દ્રશ્યો અદ્ભૂત રીતે ભજવ્યાં અને પોતાનો વિશિષ્ટ ચાહક વર્ગ ઊભો કર્યો. પરંપરાગત પુરુષ આધારિત ફ્રેન્ચાઈસીમાં આ સફળતા હાંસલ થઈ હોવા છતાં એના માને છે કે ખરા સશક્ત મહિલા પાત્રો માટે અસલ વાર્તાઓ જોઈએ, માત્ર પુરુષ માટે લખાયેલી પટકથામાં મહિલા પાત્રો ઉમેરવાથી કામ નહિ બને.
એનાની આગામી ફિલ્મ 'બેલેરીના' આ જ દ્રષ્ટિકોણનું સ્વરૂપ છે. આ ફિલ્મમાં એના પોતાના પિતાના મોતનો બદલો લેવા બેલેરીનામાંથી હત્યારી બનેલી ઈવ મેકેરોનું પાત્ર ભજવે છે. જટિલ, આક્રમક અને લાગણીપ્રધાન રહેલું આ પાત્ર મહિલા એક્શન ભૂમિકા માટે નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે. આ રોલ માટે એનાએ કેલરી સાઈક્લીંગ અને આધુનિક રિકવરી ટેકનીક જેવી તીવ્ર શારીરિક તાલીમ મેળવી હતી. તાજેતરના વર્ષોમાં 'ઘોસ્ટબસ્ટર્સ', 'ડોક્ટર હુ' અને સંભવિત મહિલા જેમ્સ બોન્ડ જેવા પાત્રોના જેન્ડર બદલવા વિશે ચર્ચાઓ થઈ રહી છે. જો કે એનાને જૂના પાત્રના જેન્ડર બદલવા પ્રત્યે ચીડ છે. એના વધુ રચનાત્મક અને સશક્ત માર્ગની તરફેણ છે જેમાં પ્રારંભથી જ મહિલા કેન્દ્રિત હોય તેવી વાર્તાઓ લખવામાં આવે. એેનાએ ટેલર જેન્કીન્સ નવલકથા 'ધી સેવન હસ્બન્ડ્સ ઓફ એવેલીન હ્યુગો'ના ફિલ્મીકરણમાં પણ મુખ્ય રોલ નિભાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.