અભિનય પ્રતિભાનો તેજ લિસોટો : શર્વરી વાઘ
- 'મુંજ્યા', 'મહારાજ', 'વેદા' - આ ત્રણેય ફિલ્મમાં વિવિધ પાત્રો ભજવીને શર્વરીએ ખૂબ પ્રશંસા મેળવી છે. 'મહારાજ' ફિલ્મની અલ્લડ-હસમુખી ગુજરાતી યુવતી વિરાજના પાત્રમાં એ ભારોભાર ખીલી છે
મુંજ્યા, મહારાજ, વેદા. આ ત્રણ ફિલ્મમાં એક કલાકારનું નામ કોમન છે. નામ છે શર્વરી. (આમ તો આખું નામ શર્વરી વાઘ છે પણ પોતે શર્વરી નામથી જ ઓળખાય છે)આ ત્રણેય ફિલ્મમાં શર્વરીના અભિનયને દર્શકોની અને બોલીવુડની , બંનેની ભરપૂર પ્રશંસા મળી છે. શર્વરીના નામને અને કામને, બંનેને બોલીવુડે અને દર્શકોએ બહોળા પ્રતિસાદથી આવકાર્યાં છે. ખાસ કરીને મુંજ્યા અને મહારાજ, બંને ફિલ્મનો સમાવેશ તો ૧૦૦ કરોડની ક્લબમાં પણ થઇ ગયો છે.
બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ ભૂખરી,નીલી,સોનેરી એમ ત્રણ ત્રણ કલરની મોહક આંખવાળી, દેખાવમાં રૂપકડી,હસમુખી શર્વરીનો સ્ક્રિન એપિરિયન્સ(ફિલ્મના પડદા પરનો દેખાવ) ખરેખર બહુ આકર્ષક છે. શર્વરીને કુદરતે રૂપ અને કલા, બંનેના આશીર્વાદ આપ્યા છે.
શર્વરીને આ સફળતા જોકે કાંઇ રાતોરાત નથી મળી. આ મરાઠી મુલગીએ મન,કર્મ,વચનથી મહેનત કરી છે. હિન્દી ફિલ્મ જગતના આલા દરજ્જાના નિર્માતા --દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની સુપરહીટ ફિલ્મબ બાજીરાવ મસ્તાનીના નિર્માણ દરમિયાન આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે બહુ ઉપયોગી અનુભવ લીધો છે. સાથોસાથ નિર્માતા અને મ્યુઝિક ડાયરેક્ટર લવરંજનની પ્યાર કા પંચનામા અને સોનુ કી ટીકુ કી સ્વિટી ફિલ્મોના નિર્માણમાં પણ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે અનુભવ લીધો છે.
મુંબઇમાં જન્મેલી,ઉછરેલી શર્વરી કહે છે, મારી અભિનય યાત્રા ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. હું મારાં સિનિયર કલાકારો અને દિગ્દર્શકો પાસેથી સતત નવી અને ઉપયોગી બાબતો શીખી રહી છું. આમ તો મારા પરિવારને અભિનય કે ફિલ્મ નિર્માણ સાથે કોઇ જ સંબંધ નથી. મારા નાના મનોહર જોશી,મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા. હા, હું મારા શાળાના અભ્યાસ દરમિયાન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અને નાટકોમાં ઉત્સાહભેર હિસ્સો લેતી. એટલે મને બાળપણથી જ અભિનયનો શોખ રહ્યો છે.જુઓ, આજે મારો આ શોખ પૂરો થઇ રહ્યો છે.
મુંબઇની રૂપારેલ કોલેજની સ્નાતક શર્વરીની અભિનય યાત્રા શરૂ થઇ ફરગોટન આર્મી : આઝાદી કે લિયે(દિર્ગદર્શન : કબીર સિંહ : ૨૦૨૦) નામની ટેલિવિઝન સિરિઝથી. શર્વરીને ત્યારબાદ બોલીવુડના મોટાગજાના બેનર યશરાજ ફિલ્મ્સની બંટી ઔર બબલી -- ૨ ફિલ્મમાં ઉજળી તક મળી. ઉજળી તક એટલા માટે કે બંટી ઔર બબલી ફિલ્મમાં સૈૅફ અલી ખાન અને રાની મુખરજી જેવાં મોટાં નામ સાથે કામ કરવાની તક મળી. અભિનયના પાઠ શીખવા મળ્યા.
શર્વરી માટે બંટી ઔર બબલી ફિલ્મ શુકનિયાળ નિવડી. ક્રાઇમ કોમેડી પ્રકારની આ ફિલ્મમાં શર્વરીને ઉગતી શ્રેષ્ઠ પ્રતિભાનો ફિલ્મફેર એવોર્ડ અને આઇફાનો અમે બે બે એવોર્ડ્ઝ મળ્યા.
શર્વરી ચહેરા પર ભરપૂર ઉંમંગ --ઉત્સાહ સાથે કહે છે, બંટી ઔર બબલી--૨ ફિલ્મના તબક્કે મુંબઇ સહિત આખા ભારતમાં કોરોનાની મહામારી ફેલાઇ ગઇ હતી.પરિણામે લગભગ બે વર્ષ આખું બોલીવુડ જાણ કે બંધ થઇ ગયું હતું.મને મારી ઉગતી કારકિર્દીની ચિંતા થઇ. આમ છતાં હું મારી રીતે સક્રિય રહી.સંપર્ક ચાલુ રાખ્યા. અમુક મહત્વની મિટિંગ અને ચર્ચા ચાલુ રાખ્યાં.
બસ, ૨૦૨૪માં મને મારી તે મહેનતનું મીઠું ફળ મળી ગયું.મને મુંજ્યા ફિલ્મ મળી.મજેદાર બાબત તો એ છે કે મુંજ્યા ફિલ્મની કથા મહારાષ્ટ્રની લોક ક્થા પર આધારિત હોવાથી મને ખરેખર બહુ આનંદ થયો. આવો જ આનંદ દર્શકોને, અને ખાસ કરીને બાળકોને પણ થયો હોય તેમ મુંજ્યા ફિલ્મ સુપરહીટ થઇ ગઇ. જોતજોતામાં ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ ગઇ. હું રાજીના રેડ થઇ ગઇ.મારું નામ અને કામ બંને ફિલ્મ પ્રેમીઓની વાતોમાં અને ચર્ચામાં વહેતું થઇ ગયું.
આ જ આનંદ જાણે કે બેવડાયો હોય તેમ ૨૦૨૪માં જ મારી મહારાજ ફિલ્મ રજૂ થઇ.મહારાજ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.વળી, મારા સહિત બધાં કલાકારો નવાં --પ્રતિભાશાળી હોવાથી દર્શકોને પડદા પર પણ સાચુકલા પ્રસંગો હોવાનો અહેસાસ થયો. દર્શકોએ મહારાજ ફિલ્મને વધાવી લીધી અને ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ પણ થઇ ગઇ.
આમ મારી મુંજ્યા અને મહારાજ એમ બે ફિલ્મ સુપરહીટ થઇ હોવાથી મારા પર આખા બોલીવુડમાંથી અભિનંદનનું જાણે કે આકાશ વરસ્યું. સાથોસાથ મારી અભિનય પ્રતિભાનો પણ બહોળો સ્વીકાર થયો.
સાચી વાત છે. મહારાજ ફિલ્મમાં શર્વરીએ એક અલ્લડ,ભરપૂર આનંદી, હિંમતવાન વિરાજ નામની ગુજરાતી યુવતીનું મજેદાર પાત્ર ભજવ્યું છે. વિરાજની ભૂમિકામાં શર્વરી ગુજરાતી સંવાદો અસલ ગુજરાતી લહેકા સાથે બોલી છે.
ઉદાહરણરૂપે -- મંગલા નહીં, મંગલા આરતીમાં. આરતી કોણ લખશે ? મારો કાકો ? --- હવેલીનો લી દીર્ઘ ઇ -- સમજતો જ નથી.-- તમે મગજમારી મૂકોને. કામની વાત કરોને ભાઇસાબ -- વગેરે ગુજરાતી સંવાદો કડકડાટ બોલીને ગુજરાતી દર્શકોને ખુશખુશાલ કરી દીધાં છે. પોતાના ગુજરાતી યુવતી વિરાજના પાત્રને સાચું અને પાકું નિભાવ્યું છે.
બીજીબાજુ આ જ શર્વરીએ જબરા હિંમતબાજ અને સત્યપ્રિય પત્રકાર કરસનદાસ(જુનૈદ ખાન) પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ દર્શાવવાના પ્રસંગોમાં સંવેદનાસભર અભિનય કર્યો છે.ખાસ કરીને કોર્ટનાં દ્રશ્યોમાં. કહેવાનો અર્થ એ છે કે શર્વરીની અભિનય પ્રતિભાનુ ંફલક વિશાળ હોવાનો પરિચય થાય છે.હા, હજી જોકે શર્વરીએ બોલીવુડમાં ઘણી ઘણી પરીક્ષા આપવાની છે.શર્વરીની અભિનય પ્રતિભાના રંગ તો વેદા ફિલ્મમાં પણ જોવા મળ્યા. જ્હોન અબ્રાહમ સાથેની વેદા ફિલ્મમાં શર્વરીએ સામાજિક ન્યાય અને સન્માન માટે લડતી વેદા બેરવા નામની દલિત યુવતીની અફલાતૂન ભૂમિકા ભજવી છે.આ ફિલ્મમાં પણ શર્વરીના અભિનયની ભરપૂર પ્રશંસા થઇ છે.
શર્વરી હવે યશ રાજ ફિલ્મ્સની નવી આલ્ફા ફિલ્મમાં આવી રહી છે. અચ્છી અભિનેત્રી આલિયા ભટ્ટ સાથેની આલ્ફા ફિલ્મમાં શર્વરીએ રૂંવાડાં ઉભાં થઇ જાય તેવાં એક્શન દ્રશ્યો ભજવ્યાં હોવાના અખબારી અહેવાલો પણ
ખરેખર શર્વરી વાઘ બોલીવુડને અભિનેત્રીના સ્વરૂપમાં મળેલી સુંદરતમ કલાકાર છે.