લકીરોઃ આ ફિલ્મે ગુજરાતી સિનેમાની ક્ષિતિજો વિસ્તારવાનું કામ કર્યું છે
- રોનક કામદારના કરીઅરનું આ સૌથી પ્રભાવશાળી પર્ફોર્મન્સ છે. જેઝ મ્યુઝિકને ગુજરાતી સંગીતની દુનિયામાં લાવીને કમ્પોઝર પાર્થ ભરત ઠક્કરે કમાલ કરી છે
અ મદાવાદની પોળમાં ઉછરેલો પણ હવે મુંબઈમાં હાઇ પ્રોફાઇલ જોબ કરતો એક સોફિસ્ટીકેટેડ યુવાન પતિ એની સુંદર પત્નીને કહે છેઃ હું સરસ કમાઉં છું તો પછી તારે જોબ કરવાની શી જરુર છે? તું જલસા કરને! પતિ કદાચ ભુલી ગયો છે કે એની પત્નીએ હ્યુમન રિસોર્સિસમાં પીએચ.ડી. કર્યું છે. 'ઘર સંભાળવા' માટે પત્નીએ તો ઘરે જ રહેવું પડે એવો ખ્યાલ કદાચ એના મનમાં અભાનપણે અંકિત થઈ ગયો છે.
પતિને ભલે થોડી વાર પૂરતો જ પણ નારાજ કરીનેય પત્ની જોબ કરે છે અને એમાં બિઝી બિઝી થઈ જાય છે. પતિને પ્રમોશન મળ્યું છે, કંપની તરફથી એને જે વૈભવી ગાડી મળી છે તે એની ડ્રીમ કાર છે, પતિ સ્વાભાવિકપણે જ પોતાની આ સિદ્ધિ સેલિબ્રેટ કરવા માગે છે, પણ પત્નીને બીજા દિવસે વહેલી ફ્લાઇટ પકડીને દિલ્હી જવાનું છે એટલે વહેલા સૂઈ જવું પડે તેમ છે. પતિના આનંદની ક્ષણમાં એ ગેરહાજર છે.
પીડાની, અવગણનાની, અહમના ટકરાવની કેટલીય પળો ઘસાઈને પસાર થઈ જાય છે. કદાચ એ પળને છુટ્ટી છુટ્ટી જોઈએ તો એ સાધારણ લાગે, પણ લગ્નમાં, સહજીવનમાં પળોને છુટ્ટી મૂકી શકાતી નથી, એ જમા થઈને ગઠ્ઠો થતી જાય છે. દિલ-દિમાગના કોઈ ખૂણે કશુંક ઘવાતું રહે છે, લોહીલુહાણ થતું રહે છે ને એક તબક્કે અચાનક જ વિસ્ફોટ થાય છે. બધું જ તૂટીફૂટીને વેરવિખેર થઈ જાય છે અને...
આ છે 'લકીરો' અને એનું ભાવવિશ્વ. 'લકીરો' એટલે ડો. દર્શન અશ્વિન ત્રિવેદીએ લખેલી અને ડિરેક્ટ કરેલી તાજ્જી ગુજરાતી ફિલ્મ, જે આજે થિયેટરોમાં રિલીઝ થઈ છે. સંબંધની વાતો, સંબંધવિચ્છેદની વાતો, માતૃત્વ અને પિતૃત્વની વાતો ગુજરાતી ઓડિયન્સને હંમેશા ગમી છે. 'લકીરો'નાં પાત્રો તમને પોતીકાં લાગશે, કદાચ તમે એની સાથે આઇડેન્ટિફાય કરી શકશો. એનું એક મોટું કારણ અંકિત ગોરે લખેલા સંવાદો પણ છે.
આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હોય તો એ છે, ફિલ્મના નાયક રોનક કામદાર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ સૌથી ગુડલુકિંગ હીરોની કરીઅરનું અત્યાર સુધીનું આ સૌથી પ્રભાવશાળી પર્ફોર્મન્સ. રોનક જેટલું સરસ રડતા કદાચ બીજા કોઈ હીરોને આવડતું નથી! દીક્ષા જોશી પણ એટલાં જ અસરકારક. દીક્ષાને સ્ક્રીન પર જોવાં હંમેશા ગમે છે. નેત્રી ત્રિવેદી, વિશાલ શાહ અને ધર્મેન્દ્ર વ્યાસ પોતપોતાનાં પાત્રોમાં સુંદર.
ગુજરાતી જેઝ મ્યુઝિકની કલ્પના કરી શકો છો? થ્રી ચીયર્સ ફોર પાર્થ ભરત ઠક્કર. એમણે કમ્પોઝ કરેલાં કેચી ગુજરાતી ગીતો બોલિવુડના પ્રથમકક્ષ ગાયકો-સંગીતકારો ગાયાં છે. 'લકીરો'નું આલબમ ૨૦૨૩નું બેસ્ટ મ્યુઝિક આલબમ તરીકે ઉપસી આવે તો સહેજ પણ નવાઈ નહીં પામવાનું. આ ગુડલુકિંગ ગુજરાતી ફિલ્મની સિનેમેટોગ્રાફી તપન વ્યાસે અને પ્રોડક્શન ડિઝાઇન ફિલ્મફેર અવોર્ડવિનર માનસી ધુ્રવ મહેતાએ કરી છે.
'લકીરો' જોજો. ગમશે.
- શિશિર રામાવત