અદિતી રાવ હૈદરીના બન્ને હાથમાં લાડવા
- અદિતી એક એવી ભાગ્યશાળી એક્ટ્રેસ છે, જેને ભારતના બે શ્રેષ્ઠતમ ફિલ્મમેકરો - સંજય ભણસાલી અને મણિરત્નમ્ - બન્ને ખૂબ પસંદ કરે છે.
'હું હજી માંડ કોવિડમાંથી ઊભી થઈ હતી, પણ સંજય ભણસાલીને પરફેક્શન કરતાં ઓછું કશું ખપતું નહોતું. મુજરાના શૂટિંગ વખતે મને કહે: અદિતી, એક કામ કર. ડિનર સ્કિપ કર. ભૂખને કારણે તારા ચહેરા પર ધાર્યા એક્સપ્રેશન આવશે! અને એવું જ થયું!'
આ જકાલ સંજય લીલા ભણસાલીનો હાઇ પ્રોફાઇલ વેબ શો 'હીરામંડી' ન્યુઝમાં છે. નેટફ્લિક્સ ઇન્ડિયાનો અત્યાર સુધીનો આ સૌથી મોંઘો શો દુનિયાના કેટલાય દેશોમાં અત્યારે ટોપ-ટેનમાં સ્થાન પામે છે. દેશી અને વિદેશી બન્ને પ્રકારના દર્શકો આ સંગીતમય શોનું ઝગમગતું સૌંદર્ય જોઈને ચકિત થઈ ગયા છે. એકએક ફ્રેમમાં સંજય લીલા ભણસાલીની સજ્જડ છાપ સ્પષ્ટ દેખાય છે. તવાયફ કલ્ચર અને દેશભક્તિનું આવું રસપ્રદ કોમ્બિનેશન ઓડિયન્સે અગાઉ ક્યારેય જોયું નહોતું.
આ એક વાત થઈ. સામે પક્ષે, આ શોના નેગેટિવ રિવ્યુઝ પણ ઘણા આવી રહ્યા છે. કેટલાય દર્શકો અને સમીક્ષકોને આ શો એટલો કંટાળજનક લાગ્યો છે કે એમણે એક-બે એપિસોડ પછી સિરીઝ જોવાનું જ પડતું મૂક્યું. કોઈએ આ શોને સંજય ભણસાલીની અત્યાર સુધીનું સૌથી નબળી રચના ગણાવી. ખેર.
'હીરામંડી'માં નાયિકાની ભરમાર છે. સૌએ પોતપોતાની રીતે ઉત્તમ કામ કર્યું છે, પણ આ સૌમાંથી અદિતી રાવ હૈદરી શોના ચાહકોને કંઈક વધારે પડતી ગમી ગઈ છે. અદિતીના સૌંદર્યે, એની અદાઓ અને અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
અદિતી કહે છે, 'આ શોનું આકર્ષણ માત્ર તેના પીરીયડ સેટિંગમાં નથી. અહીં જુદી જુદી માનવીય લાગણીઓ અને સંબંધોની જટિલતા પણ આબાદ પેશ થઈ છે. હું તો સંજયસરની સ્ટોરીટેલિંગની જબરી પ્રશંસક રહી છું. સંજયસર તમને એક નવી જ દુનિયામાં લઈ જાય છે. મારા હિસાબે 'હીરામંડી' સંઘર્ષ, પ્રેમ અને દેશની આઝાદીની ક્રાંતિનો રસાળ દસ્તાવેજ છે.'
મહિલા પાત્રોને અસરકારક રીતે પેશ કરવામાં સંજય ભણસાલીની માસ્ટરી છે એવું એમના સાત જનમના દુશ્મનો પણ સ્વીકારે છે. અદિતી કહે છે, 'સંજયસરનાં મહિલા પાત્રો બહુપરિમાણી અને જટિલ હોય છે. મારા બીબ્બોેજાનના પાત્રમાં કેટલા બધા શેડ્ઝ છે, તમે જુઓ તો ખરા! એ મેનિપ્યુલેટિવ છે, રહસ્યમય છે, મક્કમ છે અને ગજબની બહાદૂર છે. સંજયસરનાં મહિલા પાત્રો બીબાંઢાળ હોતાં નથી. તેઓ પ્રચલિત પૂર્વધારણાથી પર હોય છે. સંજયસરની નાયિકાઓ સારી હોય કે નરસી, પણ એ સ્ટ્રોંગ જરૂર હોય છે.'
સંજય ભણસાલી કડક ટાસ્ક માસ્ટર છે. એમની સાથે કામ કરવું આસાન નથી! અદિતી શૂટને યાદ કરતાં કહે છે, 'એકવાર સંજયસરે મને જમવાની મંજૂરી નહોતી આપી! મારા પ્રથમ મુજરાનું શૂટીંગ થઈ રહ્યું હતું. હું હજી માંડ કોવિડમાંથી ઊભી થઈ હતી અને દિવસના અંતે તે શરીર અને મનથી થાકી ગઈ હતી. સંજયસર અને કોરિયોગ્રાફર મને જે કહી રહ્યા હતા તે હું સમજી શકતી હતી, પણ અમલ કરવાની મારામાં તાકાત નહોતી બચી... પણ સંજયસરને પરફેક્શન કરતાં ઓછું કશું ખપે નહીં. એમને મારી પાસેથી નિશ્ચિત હાવભાવ જ જોઈતા હતા. મને કહે: અદિતી, એક કામ કર. ડિનર સ્કિપ કર. ભૂખને કારણે તારા ચહેરા પર ધાર્યા એક્સપ્રેશન આવશે! અને એવું જ થયું! તેથી જ સંજય સરની કામ કરવાની રીત પર મને અતૂટ વિશ્વાસ રહ્યો છે.'
ઓટીટી વિશે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા અદિતિ કહે છે, 'સ્ટોરી અને સ્ટોરીટેલિંગના ઘણા પ્રકારો છે. વિવિધ પ્રકારની વાર્તાનું સંતુલિત પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે. હીરો અને હિરોઇન અનેક પ્રકારનાં હોઈ શકે છે. એ સૌની વાર્તાઓનું ચિત્રણ કરવાની ઓટીટી તક આપે છે, જે સારી વાત છે.' અદિતી બોલિવુડ ઉપરાંત દક્ષિણમાં પણ ખાસ્સી એક્ટિવ છે. એ એક એવી ભાગ્યશાળી એક્ટ્રેસ છે જેને ભારતના હાલના બે શ્રેષ્ઠતમ ફિલ્મમેકરો - સંજય ભણસાલી અને મણિરત્નમ્ - બન્ને ખૂબ પસંદ કરે છે. સાચ્ચે, અદિતની બન્ને હાથમાં લાડવા છે!