Get The App

કુમાર સાનુુની 35 વર્ષની સફર હોટેલમાં સિંગિંગથી સિનેમા સુધી

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
કુમાર સાનુુની 35 વર્ષની સફર હોટેલમાં સિંગિંગથી સિનેમા સુધી 1 - image


- કલ્યાણજી આનંદજીએ સાનુ ભટ્ટાચાર્યનું નામ બદલીને કુમાર સાનુ કર્યું હતું 

- જો કોઇ  સંગીત મારા જીવનમાંથી કાઢી લે તો હું શ્વાસ પણ લઇ ન શકું. મારા માટે તો સંગીત એ જ જીવન છે. હું સંગીત વિનાના જીવનની કલ્પના પણ કરી શકતો નથી.

26 ભાષાઓમાં બાવીસ હજારથી વધારે ગીતો ગાઇ ચૂકેલાં કુમાર સાનુએ એક દિવસમાં 28 ગીત પણ ગાવાની સિદ્ધિ મેળવી છે 

નેવુંંના દાયકામાં કોલકાતાંથી મુંબઇ આવી કમર્શિયલ ગાયન ક્ષેત્રે પોતાની મજબૂત કારકિર્દી બનાવનારા  કુમાર સાનુએ તેમની સાડા ત્રણ દાયકાથી લાંબી કારકિર્દીમાં બાવીસ હજાર કરતાં વધારે ગીતો ગાયા છે. નેવુંના દાયકામાં એક સ્ટુડિયોમાંથી બીજા સ્ટુડિયોમાં જઇ ગીત રેકોર્ડ કરવાનો સંઘર્ષ કરનારાં કુમાર સાનુ એક એવા અપવાદરૂપ બંગાળી ગાયક છે જેમના  ઉર્દૂ ઉચ્ચારણ  એકદમ સ્પષ્ટ છે અને તેમના ગાયનમાં બંગાળી ભાષાની કોઇ છાંટ  અનુભવાતી નથી. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ૩૫ વર્ષ લાંબી કારકિર્દી ધરાવતાં કુમાર સાનુ પોતાની સૂરીલી સફરના સંભારણાં વાગોળે છેઃ 

મારા પિતા પશુપતિ ભટ્ટાચાર્ય  શાસ્ત્રીય ગાયક અને સંગીતકાર હતા. તેઓ ભરણપોષણ માટે  બંગલાદેશમાંથી કલકત્તામાં આવ્યા હતા. તેઓ  જ્યારે રિયાઝ કરવા બેસતા  ત્યારે મને પણ સાથે બેસાડીને ગાવા માટે કહેતાં. મને એ વખતે તબલાં વગાડવાનો શોખ હતો અને હું તબલાં વગાડતા વગાડતાં ગાતો હતો. મારા ઘરમાં શુદ્ધ શાસ્ત્રીય સંગીતનો માહોલ હતો પણ હું કમર્શિયલ સંગીત ભણી વહી રહ્યો હતો. ઘરમાં હું ચોવીસે કલાક મારા પિતાનું શાસ્ત્રીય ગાયન  સાંભળતો રહેતો હતો. પણ પછી દોસ્તો સાથે બહાર જતો થયો તે સાથે રેડિયો પર કમર્શિયલ હિન્દી સંગીત પણ સાંભળતો થયો. આમ, કાનમાં ક્લાસિકલ હતું અને દિલમાં કમર્શિયલ. મારી તમામ સંગીત સાધના કે મારી સંગીત શીખવાની તાલીમ માત્ર સાંભળીને જ થઇ છે. 

 મુંબઇ આવ્યાના છ દિવસમાં જ મેંં હોટલોમાં ગાવાની શરૂઆત કરી દીધી હતી. મને આ રીતે જે કાંઇ કમાણી થઇ તેમાંથી મેં મારા ગાયનની ટેપ બનાવવા માંડી અને હું આ કેસેટ સંગીત નિર્દેશકોને  મોકલતો રહેતો હતો. મને નાણાંની કોઇ તકલીફ ક્યારેય પડી નથી. મેં હોટલોમાં છ-સાત વર્ષ ગાયું હશે અને એ પછી આશિકીનું મ્યુઝિક એવું હીટ થયું કે હું રાતોરાત મોટો ગાયક ગણાવા માંડયો. પરંતુ મને બ્રેક તો હીરો હીરાલાલમાં ૧૯૮૮માં મળ્યો હતો. ૧૯૯૦માં આવેલી આશિકીમાં મેં તમામ ગીતો ગાયા હતા. એ ફિલ્મના ગીત-સંગીતને મળેલી અભૂતપૂર્વ સફળતાને પગલે નદીમ-શ્રવણ સાથે મારી જોડી જામી ગઇ હતી. એ  અરસામાં મને બેસ્ટ પ્લેબેક સિંગર તરીકે સતત પાંચ વર્ષ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતા. 

૧૯૮૯માં જગજિત સિંહ મને કલ્યાણજી આનંદજીને મળવા લઇ ગયો હતો. એ સમયે મારા શુદ્ધ ઉર્દૂ ઉચ્ચારોથી પ્રભાવિત થયેલાં કલ્યાણજી આનંદજીએ હું કિશોર કુમારનો મોટો ફેન હોઇ મારું નામ સાનુ ભટ્ટાચાર્યમાંથી કુમાર સાનુ પાડયુ હતું. નામ બદલવાથી કોઇ જાણી શકતું નહીં કે હું બંગાળી છું. બંગાળીઓ સામાન્ય રીતે ઉર્દૂ શાયરી બોલી શકતાં  નથી, કમ સે કમ એ જમાનાના મોટાભાગના ગાયકો ઉર્દૂમાં ગાવાની વાત આવે ત્યારે શુદ્ધ ઉચ્ચારો કરી શકતાં નહોતાં. તેઓ લોકપ્રિય ગાયકો હતા પણ તેમના ઉર્દૂ ઉચ્ચારો શુદ્ધ નહોતાં. પણ ઉર્દૂ ભાષા પર મારો સારો કાબૂ હતો. માત્ર ગાઉં ત્યારે જ નહીં પણ હું બોલું ત્યારે પણ મારાં ઉર્દૂ ઉચ્ચારો સ્પષ્ટ રહેતાં. આમ, કલ્યાણજીએ કહ્યું કે મારો ઉર્દૂ પર સારો કાબૂ છે એટલે લોકોને એમ ન જણાવવા દેવું કે હું બંગાળી છું. આમ મેં આ નવું નામ કુમાર સાનુ અપનાવી લીધું. 

નેવુંના દાયકામાં એ જમાનાના સોથી સફળ સંગીતકારો જતીન-લલિત, અનુ મલિક, નદીમ-શ્રવણ અને આનંદ-મિલિન્દ સાથે મેં ઘણાં હીટ ગીતો આપ્યા છે. આશિકી, સાજન, બાઝીગર,૧૯૪૨-એ લવ સ્ટોરી, દિલ હૈ કી માનતા નહીં, દિલવાલે દુલ્હનિયાં લે જાયેગેં અને અકેલે હમ અકેલે તુમ જેવી હીટ ફિલ્મોના ગીતો પણ એવા જ હીટ પુરવાર થયા હતા. આજે ૩૫ વર્ષની કારકિર્દી પર નજર નાંખું છું ત્યારે મને સમજાય છે કે મેં કેવો સંઘર્ષ કર્યો હતો. મને એ સમયે કદી સમજાયું નહોતું કે લોકોેનો મારા પ્રત્યે કેવો જબરદસ્ત પ્રેમ છે. એ સમયે તો મારા મનમાં એક જ ધ્યેય હતું કે હું ગાતો રહીશ અને લોકોનું મનોરંજન કરતો રહીશ.  હું આજે કહી શકું છું કે મેં ભારતની ૨૬ ભાષાઓમાં કુલ બાવીસ હજાર કરતાં વધારે ગીતો ગાયા છે. આજે પણ મારાં બે હજાર જેટલાં ગીતોનો મારી પાસે કોઇ રેકોર્ડ નથી. 

એ જમાનામાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને ગોવિંદા માટે મેં ઘણાં ગીતો ગાયા હતા અને તેમણે મારા ગીતોને પડદાં પર ન્યાય આપ્યો હતો. એ વખતે હું જ્યારે સ્ટુડિયોમાં ગાતો ત્યારે એ ગીત પડદાં પર કોણ ગાવાનું છે તેનું ધ્યાન રાખીને થોડી તૈયારી કરી રાખતો. ઉદાહરણ તરીકે જો મને ખબર હોય કે આ ગીત પડદાં પર સલમાન ખાન  ગાવાનો છે તો હું તેની પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને એ ગીત ગાતો. મને ખ્યાલ રહેતો કે ગીત ગાતી વખતે કેવો અભિનય કરશે. આ અભિનય દ્વારા એક્ટર્સ એ ગીતને પોતાનું બનાવી દેતાં હતા. પણ મજાની વાત એ છે કે એ જમાનામાં કદી કોઇ એક્ટર્સ રકોર્ડિંગ સ્ટુડિયોમાં આવી કદી એમ કહેતાં નહીં કે આમ ગાઓ કે તેમ ગાઓ.  અમારા કામની સરહદો નિશ્ચિત હતી. કોઇ એકબીજાના કામમાં દખલ દેતું નહોતું. એનું કારણ એ હતું કે દરેક જણને તેમના સંગીતકાર-ગાયકમાં વિશ્વાસ રહેતો હતો. જો નદીમ-શ્રવણ સંગીત આપે છે તો તે સારું જ હશે, જો કુમાર સાનુ ગાય છે તો તે સારું જ ગાશે. આજે તો એક જ ગીત આઠથી દસ ગાયકો પાસે ગવડાવવામાં આવે છે કયું ગીત રાખવામાં આવશે અને કોણે તે ગીત સારું ગાયું છે તેની કોઇને કશી ખબર પડતી નથી. આ સ્થિતિમાં હવે ગાયક તરીકે ઓળખ બનાવવાનું શક્ય રહ્યું નથી.  


Google NewsGoogle News