Get The App

પોતાના અવાજનું ક્લોનિંગ નિવારશે કુમાર સાનુુ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
પોતાના અવાજનું ક્લોનિંગ નિવારશે કુમાર સાનુુ 1 - image


- 'કોઇપણ ગાયકના અવાજમાં ગમે તે ગીત રેર્કોર્ડ કરવામાં આવે તે યોગ્ય નથી. મશહુર વ્યક્તિનો ડુપ્લિકેટ ન બનવો જોઈએ.  હું મારા અવાજને સુરક્ષિત રાખવા કોઇ પણ પગલાં ભરવા તૈયાર છું.'

- 26 ભાષાઓમાં બાવીસ હજાર ગીતો ગાઇ ચૂકેલાં કુમાર સાનુ એઆઇના વધતાં વ્યાપથી ચિંતિત

કુમાર સાનુએ તેમની સાડા ત્રણ દાયકાથી લાંબી કારકિર્દીમાં બાવીસ હજાર કરતાં વધારે ગીતો ગાયા છે. કુમાર સાનુને હવે આટિફિશિયલ ઇન્ટેલિજન્સ યાને એઆઇ દ્વારા થતાં અવાજના ક્લોનિંગને કારણે ચિંતા પેઠી છે.  કુમાર સાનુએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે એઆઇ તેના ગાયન સાથે ચેડાં કરે તે બાબત તેમને પસંદ નથી. તેમણે જણાવ્યું હતું કે કોઇ મારી મંજૂરી વિના મારા અવાજનો કોઇપણ રીતે ઉપયોગ કરે તેમ હું ઇચ્છતો નથી. આવી રીતે થતાં મારા અવાજના દુરૂપયોગને નિવારવા માટે હું નક્કર પગલાં ભરવાનો છું. હવે હું અદાલતમાં જઇને એવો આદેશ મેળવવાનો છું કે મારા અવાજનો કોઇ દુરૂપયોગ ન કરી શકે. કુમાર સાનુએ જણાવ્યું હતું કે આજે બધે એઆઇની બોલબાલા છે. કોઇપણ ગાયકના અવાજમાં કોઇપણ ગીત રેર્કોર્ડ કરવામાં આવે તે યોગ્ય નથી. કોઇ મશહુર વ્યક્તિનો ડુપ્લિકેટ બને તો તે ખોટું છે. હું મારા અવાજને સુરક્ષિત રાખવા માટે જે કોઇ પગલાં ભરવા પડે તે ભરવા માટે હું તૈયાર છું. એઆઇ માનવજાત માટે ખૂબ જોખમી છે.  જો કે, હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જુના ગીતોને વર્ષોથી રિમિક્સ કરીને રજૂ કરવામાં આવે જ છે. આ બાબતે કુમાર સાનુએ જણાવ્યું હતું કે ગીતને રિમિકિસ કરવું એ અન્યાયી નથી. પણ જો અસલ ગાયક મોજૂદ હોય અને તે પોતાના ગીતને ગાઇ શકતાં હોય તો તેમના ગીતને અન્ય કોઇ ગાય તે યોગ્ય નથી. અસલ ગીતને મૂળ સ્વરૂપે સાંભળવું એ એક અલગ જ બાબત છે. 

જો કે, કુમાર સાનુની વાત સાથે બધાં સમત થાય તેમ લાગતું નથી. તાજેતરમાં જ કુમાર સાનુએ બીબીસીને આપેલી એક મુલાકાતમાં અસલ ગીત માટે ગીતકાર અને સંગીતકારને શ્રેય આપ્યા વિના  તેના  દિલવાલે દુલ્હનિયા લે જાયેગેંના ગીત તુઝે દેખા તોનું તમામ શ્રેય પોતાનું હોય તેવી રીતે વાત કરતાં આ ગીતના સંગીતકાર લલિત પંડિત વીફર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમે કોઇની પણ પાસે આ ગીત ગવડાવી શક્યા હોત. 

માંડીને વાત કરીએ તો ૧૯૯૫માં હીટ નીવડેલાં આ ગીતને નેવુંંના દાયકાના ઉત્તમ ગીત તરીકે એક પોલમાં વિજેતા ગણાવાયું હતું. બીબીસી એશિયન નેટવર્ક દ્વારા તેના શ્રોતાઓને દાયકાના કુલ ૫૦ લોકપ્રિય ગીતોમાંથી પસંદગી કરવાની તક અપાઇ હતી. જેમાં કુમાર સાનુએ ગાયેલાં અને શાહરૂખ અને કાજોલ પર ફિલ્માવવામાં આવેલાં આ ગીતને શ્રોતાઓએ પસંદ કર્યું હતું. એ પછી એક મુલાકાતમાં કુમાર સાનુએ આ ગીતના ગાયક તરીકે ગીતકાર અને સંગીતકારને શ્રેય આપ્યા વિના પોતાની ગાયકીના જ વખાણ કર્યા કરતાં સંગીત કાર જતિન-લલિતમાંથી લલિત પંડિત રોષે ભરાયા હતા. 

આ બાબતે પોતાની નિરાશા વ્યક્ત કરતાં લલિત પંડિતે જણાવ્યું હતું કે કોઇપણ ગીત એ એક સહિયારું સર્જન હોય છે. ગીતકાર અને સંગીતકાર ગીતની રચના કરે છે અને તે કોઇ વ્યક્તિની માલિકીનું હોતું નથી. ગાયકની પસંદગી હમેંશા સંગીતકાર દ્વારા જ થતી હોય છે. ગાયક તેને ગીત ગાવાની તક આપવા બદલ સંગીતકારનો આભાર માને તે યોગ્ય જ  છે. અમે કોઇની પણ પાસે આ ગીત ગવડાવી શક્યા હોત. જ્યારે કોઇ ગીતને બનાવવામાં આવે ત્યારે તેની નિર્માતા અને દિગ્દર્શક સાથે ચર્ચા થાય છે. એમાં ગાયકનું કોઇ સ્થાન પણ હોતું નથી. તે ગીત રચવાની પ્રક્રિયામાં છેલ્લી કડી હોય છે. કુમાર સાનુ આ ગીત તેનું હોવાની વાતો કરે છે પણ તેના ચાહકોએ પણ તેને ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર જતિન-લલિતને શ્રેય આપવાનું સૌજન્ય દાખવવા માટે જણાવ્યું હતું. 

લલિત પંડિતે જણાવ્યું હતું કે કુમાર સાનુએ પોતે આ ગીત ૩૦ મિનિટમાં ગાઇ નાંખ્યું હોવાનો દાવો કર્યો છે તેમાં પણ કોઇ સચ્ચાઇ નથી. કોઇ ગાયક આટલાં ઓછાં સમયમાં અમારું ગીત ગાઇ જ ન શકે. જતિનની વોઇસ ડબિંગની ટેકનિક બહેતર હતી અને અમે અમારે જે રીતે જોઇતું હતું તે જ રીતે આ ગીત કુમાર સાનુ પાસે ગવડાવ્યું હતું.અલબત્ત, કુમાર સાનુએ આ ગીત ખૂબ સારી રીતે ગાયું છે. તે બાબતને કોઇ નકારી શકે તેમ નથી. 

 હવે કુમાર સાનુ એઆઇ સામે શિંગડા ભરાવવા માટે તૈયાર થયા છે પણ તેમાં તેઓ કેટલા સફળ થશે તે તો સમય જ કહેશે. હાલ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પર્સનાલિટી રાઇટ્સ સુરક્ષિત કરાવવાની ફેશન ચાલી હોય તેમ તમામ પ્રકારના લોકો જાત જાતની બાબતોને તેમના પર્સનાલિટીનો હિસ્સો ગણાવી તેમના નામ સાથે સાંકળી રહ્યા છે.   


Google NewsGoogle News