કૃતિકા કામરા : ક્વૉન્ટિટી નહીં, ક્વૉલિટીની આગ્રહી
- આજના દર્શકો એટલા સ્માર્ટ છે કે તેમને જે પાત્ર ગમે તેને દિલથી વધાવે છે. અને અણગમતા કિરદારથી મોઢું ફેરવી લેતાં પણ વાર નથી લગાડતાં. આ કારણે જ હું એવા પ્રોજેક્ટ્સ પસંદ કરું છું જેમાં દર્શકો મને પસંદ કરે
લાંબા સમય સુધી ટેલિવિઝન પર કામ કરીને કીર્તિ-કલદાર કમાવનાર કૃતિકા હવે ઓટીટી તેમ જ ફિલ્મોમાં પણ ખ્યાતિ મેળવી રહી છે. તાજેતરમાં જ તેની વેબ સીરિઝ 'ગ્યારહ ગ્યારહ' રજૂ થઈ. અભિનેત્રીને એ વાતની ખુશી છે કે હવે તે એવા મુકામે પહોંચી ગઈ છે જ્યાં પોતાને ગમતાં પ્રોજેક્ટ જ સ્વીકારે.
કૃતિકા કહે છે કે તમારી સામે ક્વૉલિટી અને ક્વૉન્ટિટી એમ બે વિકલ્પો હોય છે. તેમાંથી ગુણવત્તા પસંદ કરવી કે સંખ્યાબળને મહત્વ આપવું એ તમારી પરિસ્થિતિ તેમ જ મરજી પર અવલંબે છે. અને જ્યારે તમે ક્વૉલિટીનો આગ્રહ રાખો ત્યારે તમને મળતી ઑફરો મર્યાદિત થઈ જાય, પ્રોજેક્ટની પસંદગીમાં ઝાઝો અવકાશ ન રહે. આમ છતાં હું ક્વૉન્ટિટીની તુલનામાં ક્વૉલિટીને મહત્વ આપું છું. સારું કામ મેળવવા લાંબો સમય રાહ પણ જોવી પડે. અલબત્ત, સારું કામ મેળવવા રાહ જોવાનું પણ ત્યારે જ પોસાય જ્યારે તમે નાણાંકીય રીતે સધ્ધર હો, તમારી પાસે કામ ન હોય ત્યારે પણ તમે તમારો સઘળો ખર્ચ નચિંત બનીને વહન કરી શકો. મેં લાંબા સમય સુધી ટચૂકડા પડદે પુષ્કળ કામ કર્યું છે. સ્વાભાવિક રીતે જ આર્થિક રીતે આજે હું એટલી સધ્ધર છું કે મને સારા પ્રોજેક્ટ મળે તેની રાહ જોઈ શકું.
કૃતિકા વધુમાં કહે છે કે મને તત્કાળ મળતી ખ્યાતિ નથી ખપતી. હું સારું કામ મેળવવા રાહ જોવા તૈયાર છું. એક તબક્કે મને એમ કહેવામાં આવતું હતું કે મેં ટચૂકડા પડદે પુષ્કળ કામ કર્યું છે તેથી મારો ચહેરો વધારે પડતો જાણીતો છે. પરંતુ આ એક માન્યતા માત્ર છે જે બધાને લાગૂ નથી પડતી. હું માત્ર પડદા પર દેખાવા ખાતર કે નાણાં તેમ જ તત્કાળ ખ્યાતિ માટે કામ નથી કરતી. આ કારણે જ ટચૂકડા પડદેથી મોટા અને ત્રીજા પડદે હું ધીમા પણ મક્કમ પગલે આવી છું. મને નવા માધ્યમોમાં એકડે એકથી શરૂ કરવાનું હતું. આમ છતાં મને તેમાં ઝાઝો વાંધો નથી આવ્યો. મને રોજિંદા ખર્ચ માટે કે ટકી રહેવા માટે સંઘર્ષ કરવાની જરૂર નથી રહી. પરિણામે હું સર્જનાત્મક પ્રોજેક્ટ્સની રાહ જોઈ શકું તેમ છું. અને જ્યાં સુધી એવા પ્રોજેક્ટ્સ ન મળે ત્યાં સુધી અન્ય કામ હાથ નથી ધરતી.
અદાકારાને પોતાના ચાહકો પ્રત્યે પુષ્કળ માન છે. તે કહે છે કે આજે હું જે છું તે તેમના પ્રેમના કારણે છું. આમ છતાં એટલું ચોક્કસ કહીશ કે હું કોઈને ખુશ કરવા કામ નથી કરતી.
મારા શિરે મારા પ્રશંસકોને ખુશ કરવાનું કોઈ દબાણ નથી. વાસ્તવમાં મારી પોતાની અપેક્ષા-આકાંક્ષાઓ જ એટલી ઊંચી છે કે હું તે પૂરી કરવાનો ભાર ઊંચકી રહી છું. હું એ પણ સારી રીતે જાણું છું કે આજના દર્શકો એટલા સ્માર્ટ છે કે તેમને જે પાત્ર ગમે તેને દિલથી વધાવે છે. અને અણગમતા કિરદારથી મોઢું ફેરવી લેતાં પણ વાર નથી લગાડતાં. આ કારણે જ હું એવા પ્રોજેક્ટ્સ પસંદ કરું છું જેમાં દર્શકો મને પસંદ કરે. કદાચ આ કારણે જ સર્જકો મને વૈવિધ્યસભર કામ આપે છે. તેમને ખાતરી હોય છે કે હું તેમની અપેક્ષા પર ખરી ઉતરીશ. ક્વૉન્ટિટીના સ્થાને ક્વૉલિટી પસંદ કરવાનું આ પરિણામ છે.