કૃતિ સેનન જ્યારે કાજોલને ઝાંખી પાડે દે છે...
- 'હું 'દો પત્તી'માં ડબલ રોલ કરૂં છું એટલે શૂટમાં તો કંઈક નોખુ કરવાનો તો આનંદ આવતો જ હતો, પણ મારી અંદરનો પ્રોડયુસર મને વારંવાર યાદ દેવડાવતો રહેતો હતો કે યે સીન તો આજ ખત્મ કરના હી હૈ, વરના ખરચા બઢ જાયેગા!'
બહુ જુજ એવા કલાકારો જોવા મળે છે જેઓ નામ અને દામ કમાયા બાદ કલાકાર તરીકે પોતાની જાતને ચેલેન્જ કરતા હોય. બોલિવુડમાં આમેય ખુદને પડકાર આપવાનો ખાસ રિવાજ નથી! એક વાર સફળતાનો સ્વાદ ચાખી લીધો એટલે પછી જોખમ લેવાનું જ નહીં! જે કરતા આવ્યા છો તે કર્યા કરો, જે ઇમેજ બની ગઈ છે એને ઘૂંટયા કરો! આવી સ્થિતિમાં કૃતિ સેનને હિંમત બતાવી છે. એણે તાજી તાજી સ્ટ્રીમ થયેલી 'દો પત્તી' નામની ફિલ્મ પ્રોડયુસ કરી છે, એટલું જ નહીં, આ ફિલ્મમાં એણે જોડિયા બહેનોનો ડબલ રોલ પણ કર્યો છે. આમ, આ ફિલ્મમાં તેણે એકસાથે બબ્બે પડકાર ઝીલ્યા છે.
શશાંક ચતુર્વેદીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં કૃતિ સેનનની સાથે કાજોલ અને શાહિર શેખ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. કાજોલ પોતાની કરીઅરમાં પહેલી વાર પોલીસ ઓફિસર બની છે. ટીવીનો જાણીતો એકટર શાહિર શેખ આ ફિલ્મ થકી બોલિવુડમાં વિધિવિત્ ડેબ્યુ કરી રહ્યો છે. બોલિવુડની જાણીતી લેખિકા કનિકા ઢિલ્લોંએ 'દો પત્તી' લખવા ઉપરાંત એણે કૃતિની સાથે મળીને ફિલ્મ પ્રોડયુસ પણ કરી છે.
'દો પત્તી' એક સાધારણ ફિલ્મ છે. આ ફિલ્મ જોઈને હરખાઈ જવાય એવું કશું નથી. આ ફિલ્મનું એક સૌથી નબળું પાસું કયું છે, જાણો છો? કાજોલ! આ ખરેખર આશ્ચર્યાઘાત લાગે એવી વાત છે. આ ફિલ્મમાં કાજોલનું પર્ફોર્મન્સ એટલું નબળું છે કે આપણને થાય કે આ શું એ જ કાજોલ છે જેની ફિલ્મો આપણે હોંશે હોંશે જોતા આવ્યા છીએ ને એના અભિનયને વખાણતા આવ્યા છીએ? 'દો પત્તી' આ એક બાબતને કારણે યાદ રહી જશે - કાજોલના ખરાબ પર્ફોર્મન્સને કારણે!
ખેર, ફિલ્મનો પ્લસ પોઇન્ટ એ છે કે અહીં કૃતિ સેનને ડબલ રોલમાં સુપર્બ અભિનય કર્યો છે. કૃતિએ અગાઉ કેટલીય ફિલ્મોમાં મસ્તમજાની એક્ટિંગ કરી જ છે જેમ કે 'મિમી', જેના માટે એને નેશનલ અવોર્ડ મળ્યો હતો, 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા' કે જેમાં એ યંત્રમાનવ બની હતી, પણ 'દો પત્તી'નો કૃતિનો અભિનય આ બન્નેને ઝાંખો પાડી દે તેવો છે.
કૃતિ કહે છે, 'મને એક્ટિંગ ઉપરાંત ફિલ્મમેકિંગમાં ક્રિયેટિવલી ઈનવોલ્વ થવાની પહેલેથી જ ઈચ્છા રહી છે. એ 'દો પત્તી' મારફત શક્ય બન્યું. આ મૂવીમાં મને એકટર તરીકે આજ સુધીને સૌથી ચેલેન્જિંગ રોલ કરવા મળ્યો છે. એ ઉપરાંત, ફિલ્મમાં કશુંક અર્થપૂર્ણ કહી શકાય તેવું તત્ત્વ પણ છે. કનિકા કોઈ ફિલ્મ લખે ત્યારે એમાં ખૂબ બધા લેયર્સ અને ડ્રામા તો હોય જ. ફિલ્મના તમામ પાત્રો ગ્રે શેડ ધરાવે છે. એટલે એક્ટિંગ કરવામાં તો મજા પડી જ, ને એવું જ્ઞાાન લાદ્યું કે ફિલ્મ પ્રોડયુસ કરના આસાન નહીં હૈ. યે ટફ જોબ હૈ ઔર ઉસ મેં બહોત સારી બાતેં શામિલ હોતી હૈ. સદભાગ્યે, મને એક સારી કૉ- પ્રોડયુસર (કનિકા ઢિલ્લોં) મળી છે, જેણે ઘણી બધી જવાબદારીઓ ઉપાડી લીધી છે. 'દો પત્તી'માં હું બે પાત્રો ભજવું છું એટલે શૂટમાં તો કંઈક નોખુ કરવાનો તો આનંદ આવતો જ હતો, પણ મારી અંદરનો પ્રોડયુસર મને વારંવાર યાદ દેવડાવતો રહેતો હતો કે યે સીન તો આજ ખત્મ કરના હી હૈ, વરના ખરચા બઢ જાયેગા!'
કાજોલ પણ પહેલીવાર પોલીસ ઓફિસરની ભૂમિકા કરવાનો અનુભવ શેર કરતા કહે છે, 'ઈટ વોઝ વેરી ઈન્ટરેસ્ટિંગ. હું જ્યારે પહેલીવાર પોલીસ યુનિફોર્મ પહેરી સેટ પર ગઈ ત્યારે મને મનોમન એક ઓથોરિટીનો અહેસાસ થયો હતો. એકટર તરીકે તમે જાણો છો કે આ તમારો યુનિફોર્મ નથી અને તમારે પોલીસની ફક્ત એક્ટિંગ જ કરવાની છે. છતાં તમારી અંદર એક પ્રકારનો જુસ્સો આવી જાય છે. એ બહુ સહજ રીતે બને છે.'
કાજોલ વાતો તો મોટી મોટી કરે છે, પણ પર્ફોર્મન્સમાં એણે ધબડકો વાળ્યો છે. ખેર, રોહિત શેટ્ટીની 'દિલવાલે' પછી કૃતિ અને કાજોલ આ બીજી ફિલ્મમાં સાથે આવી છે. કૃતિ સમાપન કરે છે, 'દિલવાલે'માં અમે ઝાઝી વાર સ્ક્રીન ટાઈમ શેયર નહોતો કર્યો એટલે ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. 'દો પત્તી'માં અમારી અધૂરી ઈચ્છા પૂરી થઈ ગઈ છે.'
કૃતિ જેવી જુનિયર એક્ટ્રેસ કોઈ ફિલ્મમાં કાજોલ જેવી કાજોલને ઝાંખી પાડે દે કેવું!