કૃતિ સેનનને અગિયારમું બેઠું .
- કૃતિ સીતામાતા પણ બની શકે છે, સ્મોલટાઉન ગર્લ પણ બની શકે છે, રોબો પણ બની શકે છે અને ટિપિકલ હિન્દી ફિલ્મની હિરોઈનની જેમ લટકાઝટકા પણ કરી શકે છે. કૃતિ જેવી વર્સેટાલિટી બધી હિરોઈનો પાસે નથી.
આ જકાલ કૃતિ સેનનની જુદી જુદી તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. એકમાં એ સિગરેટના સોટ્ટા મારી રહી છે. ફોરેન લોકેશન પર ખેંચવામાં આવેલી બીજી તસવીરમાં કૃતિની સાથે એક અજાણ્યો આદમી દેખાય છે. જેવી ચણભણ શરૂ થઈ કે તરત જ કૃતિની મમ્મી ગીતા સેનનનું સ્ટેટમેન્ટ આવી ગયું: 'ના ના, મારી દીકરી તે કંઈ સ્મોકિંગ કરતી હશે? એને તો નાનપણથી જ સ્મોકિંગની ચીડ છે. આ તો 'બરેલી કી બરફી'માં એને સ્મોકિંગનો સીન કરવાનો હતો એટલે નછૂટકે સિગરેટ મોંએ લગાડી હતી, એટલું જ. સોશિયલ મીડિયા પર અત્યારે જે ફોટો દેખાય છે એ જૂનો છે ને એના શૂટિંગનો જ છે.'
ચલો, માન લિયા. પણ બીજો સવાલ આ છે: પેલી બીજી તસવીરમાં કૃતિ સાથે એક હેન્ડસમ પુરુષ દેખાય છે એ કોણ છે? આનો જવાબ છે, એ આદમીનું નામ કબીર બાહિયા છે. એ યુકેમાં રહે છે અને એ સફળ બિઝનેસમેન છે. જે જગ્યાએ તસવીરો ખેંચવામાં આવી છે તે ગ્રીસ છે. કૃતિની બહેન નુપૂર સેનન પણ તેમની સાથે ગ્રીસ ફરવા ગઈ હતી. કબીર બાહિયાને કૃતિનો સિક્રેટ બોયફ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ બાતમી કેટલી સાચી છે ને કેટલી ખોટી એની ખબર પડતાં ઝાઝી વાર નહીં લાગે.
૨૦૨૧માં નેશનલ અવોર્ડ વિનિંગ 'મિમી' કર્યા પછી કૃતિ ઝાલી ઝલાતી નથી. તે પછી કૃતિની સારી-ખરાબ ફિલ્મો આવતી ગઈ. ુસુપરનેચરલ 'ભેડિયા-ટુ' અને સાયન્સ ફિક્શન 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા' ઓડિયન્સનું ધ્યાન ખેંચવામાં સફળ રહી, તો 'આદિપુરુષ'ને ખૂબ જૂતાં પડયાં. ખેર, કૃતિ કૂચકદમ કરતી રહી. આ વર્ષે એની 'ક્રૂ' પણ આવી, જે ઠીક ઠીક સફળ ગણાઈ. એની આગામી ફિલ્મનું ટાઇટલ છે, 'દો પત્તી'. ધ્યાનાકર્ષક બાબત એ છે કે આ ફિલ્મની પ્રોડયુસર પણ કૃતિ જ છે.
બરાબર દસ વર્ષ પહેલાં, ૨૦૧૪માં, કૃતિએ 'હીરોપંતી'થી બોલિવુડમાં એન્ટ્રી મારી હતી. એ જ વર્ષે 'નેનોકડ્ડીને' નામની એની તેલુગુ ફિલ્મ પણ આવી હતી. આ દસ વર્ષમાં કૃતિએ ધીમે ધીમે પણ મક્કમપણે પ્રગતિ કરી છે. કૃતિ મૂળ તો એન્જિનીયર છે. અભિનયની કોઈ તાલીમ એણે મેળવી નથી. મોડલિંગ કરતાં કરતાં એ ફિલ્મો કરવા લાગી અને ઓન-ધ-જોબ અભિનય કરતાં શીખતી ગઈ. કૃતિ એક 'આઉટસાઇડર' છે. તેથી જ તેનો કરીઅરગ્રાફ વિશેષપણે આકર્ષક બની જાય છે.
હવે તો બોલિવુડની એની સમકાલીન હિરોઈનો પણ જાહેરમાં કૃતિના વખાણ કરવા લાગી છે. સૌને કૃતિની એક વાત સૌથી વધારે ગમે છે - એની ફિલ્મોની, અથવા કહો કે, એની ભૂમિકાઓની પસંદગી. ફિલ્મ ચાલે કે ન ચાલે, પણ કૃતિનું કામ હંમેશા વખણાયું છે. કૃતિ સીતામાતા પણ બની શકે છે, સ્મોલટાઉન ગર્લ પણ બની શકે છે, રોબો પણ બની શકે છે અને ટિપિકલ હિન્દી ફિલ્મની હિરોઈનની જેમ લટકાઝટકા પણ કરી શકે છે. કૃતિ જેવી વર્સેટાલિટી બધી હિરોઈનો પાસે હોતી નથી.
ગુડ ગોઇંગ, ગર્લ.