કિરણ રાવની આજકાલ: મિશન ઑસ્કાર
કિરણ રાવની ફિલ્મ 'લાપત્તા લેડીઝ'ને ભારતીય ફિલ્મ તરીકે ઑસ્કારમાં એન્ટ્રી મળી ત્યારથી તેની દિગ્દર્શિકાનો હરખ સમાતો નથી. અલબત્ત, કિરણ રાવ હરખપદુડી થવાને બદલે સર્વત્ર તેનું કેમ્પેઈન કરવાની ધુણી ધખાવી દીધી છે.
કિરણ રાવ આ ફિલ્મ વિશે કહે છે કે 'લાપત્તા લેડીઝ'માં સ્ત્રીત્વ અને લૈંગિક સમાનતાની વાત કરવામાં આવી છે. આ વાતને એવી રીતે રજૂ કરાઈ છે કે લોકો સ્ત્રીત્વ તેમજ લૈંગિક સમાનતા વિશે વિચારતાં, ચર્ચાવિચારણાઓ કરતાં થઈ ગયા છે. મહિલાઓ પોતાની અંદર ધરબાયેલા સ્ત્રીત્વને બહાર લાવી રહી છે.
વાસ્તવમાં કિરણ રાવ માટે ઑસ્કાર વિષયક કેમ્પેઈન ઉત્સાહપ્રેરક યાત્રા સમાન છે. તે કહે છે કે અમે અમે શક્ય એટલા વધુ અને વિવિધ પ્રકારના દર્શકો સાથે આ ફિલ્મ શેર કરી રહ્યાં છીએ. આ મૂવીના માધ્યમથી અમે દર્શકોના મલબખ વર્ગ સાથે જોડાવા પ્રયત્નશીલ છીએ. અને અમને વૈશ્વિક સ્તરે જે આવકાર અને પ્રશંસા મળી રહ્યાં છે તેનાથી અમે ગદગદિત થઈ જઈએ છીએ.
મહત્ત્વની વાત એ છે કે કિરણ રાવને પોતાની ફિલ્મનું કેમ્પેઇનિંગ કરવામાં જેટલી મઝા આવી રહી છે તેનાથી વધુ મોજ આ મૂવી લાખો લાખો લોકો સુધી પહોંચાડવામાં પડી રહી છે. તે કહે છે કે આ કેમ્પેઇનમાં રણનીતિ, વિશ્વાસ, પરિશ્રમ અને ચમત્કારનો સુભગ સમન્વય છે. મારા માટે તો આ નવું નવં શીખવાનો અનેરો અવસર છે. હું કંઈકેટલાય ખ્યાતનામ લોકોને મળી છું અને તેમની સાથે વાતચીત કરી છે. ફિલ્મ સર્જક વધુમાં કહે છે કે મારી ફિલ્મે સૌપ્રથમ વખત ઑસ્કારમાં એન્ટ્રી મેળવી છે. અને આમિર ખાન મને ડગલેને પગલે સાથ આપી રહ્યો છે એ મારી ખુશનસીબી છે. આમિર અગાઉ ઘણી વખત આવા કેમ્પેઈન કર્યાં છે. ઑસ્કાર માટે એન્ટ્રી પામેલી ફિલ્મ જો અગાઉથી જ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર હોય તો તેને થતો ફાયદો અનેકગણો વધી જાય છે. કિરણ રાવ કહે છે કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર આવતી ફિલ્મ લોકો ગમે ત્યાં, ગમે ત્યારે પોતાના મોબાઈલ અને ટેબ્લેટમાં પણ જોઈ શકતાં હોવાથી તેની પહોંચ ચારેકોર હોય છે. દુનિયાભરના લોકો મનફાવે ત્યારે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના કન્ટેન્ટ જોઈ શકતા હોવાથી તેના દર્શકગણુનું ચોક્કસ આકલન કરવું પણ અઘરું થઈ પડે. ઑસ્કારમાં પ્રવેશ પામનારી ફિલ્મ જો અગાઉથી જ વિશ્વભરના દર્શકો સુધી પહોંચી ગઈ હોય તો તેના ફાયદાનો હિસાબ શી રીતે રાખવો. જો મારી ફિલ્મ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રજૂ ન થઈ હોત તો મર્યાદિત લોકો જ તે જોઈ શકત. મારા 'લાપત્તા લેડીઝ'ના કેમ્પેઈનમાં આ વધારાનું છોગું ઉમેરાયું છે.