કિરણ રાવ: ફિલ્મોમાં મહિલાઓનો દ્રષ્ટિકોણ સામેલ કરવો ખૂબ જરૂરી

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
કિરણ રાવ: ફિલ્મોમાં મહિલાઓનો દ્રષ્ટિકોણ સામેલ કરવો ખૂબ જરૂરી 1 - image


- 'વધુમાં વધુ મહિલાઓ દિગ્દર્શક, પ્રોડયુસર અને પટકથાલેખક જેવા પડકારજનક સ્થાને પહોંચી શકે તેવો માહોલ સર્જાવો જોઈએ. તો જ મહિલાઓની વિશિષ્ટ લાગણીઓ  પ્રેક્ષકો સમક્ષ આવી શકશે'

ફિલ્મ સર્જક કિરણ રાવે તાજેતરમાં ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓએ જે કડવી વાસ્તવિક્તાનો સામનો કરવો પડે છે તેના વિશે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. કિરણે પટકથા લેખકોમાં મહિલાઓના ઓછા પ્રતિનિધિત્વ વિશે વાત કરી જે હાલમાં માત્ર એક ટકા જેટલું છે. કિરણે જોકે માત્ર સંખ્યા પર ધ્યાન દેવાની બાબત સામે સાવધ કરતા કહ્યું કે વગદાર પદો પર વધુ મહિલાઓ સામેલ થવાથી અભિગમમાં ફરક જરૂર પડશે પણ માત્ર તેનાથી નોંધપાત્ર પરિવર્તન નહીં આવે. છતાં કિરણે સિનેમાના સમગ્ર નરેટિવ અને દ્રષ્ટિકોણને આકાર આપવામાં દિગ્દર્શકોમાં મહિલા પ્રતિનિધિત્વ વધારવાની જરૂર પર ભાર મુક્યો હતો.

કિરણે ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ સોશિયલ સાયન્સીસના રિસર્ચ અહેવાલને ટાંકતા કહ્યું કે મહિલાઓનું પૂર્વગ્રહયુક્ત ચિત્રણ અને વિચિત્ર પાત્રો બોક્સ ઓફિસ પર સફળ તો થાય છે, પણ સાથે ફિલ્મોમાં મહિલાની પાછળ પડી જતાં પાત્રોનું ગ્લેમરસ ચિત્રણ ખોટું ઉદાહરણ રજૂ કરે છે. કિરણે 'કબીર સિંહ' અને 'બાહુબલી: ધી બીગિનિંગ'ને ટાંકતા કહ્યું કે આવી ભવ્ય ફિલ્મોમાં પણ પરંપરાગત રોમાન્સના સ્થાને હીરોને હીરોઈનનો પીછો કરતો દેખાડાયો છે.

સમાજ સમક્ષ આવો સંદેશ આપતી ફિલ્મોની સફળતા વિશે આશ્ચર્ય વ્યક્ત કરતા કિરણે ઉદ્યોગમાં માત્ર બોક્સ ઓફિસના આધારે ફિલ્મનું મૂલ્યાંકન કરવાના વલણની ટીકા કરી હતી. હીરોઈનોનો પીછો કરવા જેવા મહિલા વિરોધી થીમ દર્શાવતી ફિલ્મો પણ નોંધપાત્ર નફો રળતી હોવાથી કમર્શિયલ સફળતા અને પ્રગતિસૂચક વાર્તા કથન વચ્ચેનો તફાવત વધતો ચાલ્યો છે.

કિરણે સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં જાતીય સમાનતાના મહત્ત્વને સ્વીકારતા કહ્યું કે માત્ર સંખ્યાબળ જરૂરી નથી, પણ સાથે દ્રષ્ટિકોણ અને અભિગમમાં પરિવર્તન પણ એટલું જ જરૂરી છે. કિરણે ફિલ્મ સર્જનમાં વધુમાં વધુ મહિલાઓ દિગ્દર્શક, પ્રોડયુસર અને પટકથાલેખક જેવા વધુ પડકારજનક સ્થાન નિભાવે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કારણ કે એનાથી જ મહિલાઓની વિશિષ્ટ લાગણીઓ અને મંતવ્યો લોકો સમક્ષ આવી શકશે.

હાલના બદલાતા પરિપ્રેક્ષ્ય વિશે કિરણે ઓટીટી મંચમાં મહિલાઓની વધતી હાજરી અને મહત્ત્વના પ્રોડક્શન રોલ નિભાવતી હોવાની હકીકતની પ્રશંસા કરી હતી. કિરણે જણાવ્યું કે આવી ભૂમિકામાં મહિલાઓ વાતાવરણને વધુ સુરક્ષિત બનાવી શકે છે અને ક્રુની સલામતીની ખાતરી આપી શકે છે, ખાસ કરીને બાળકો અથવા વિકલાંગ વ્યક્તિઓ જેવા કલાકારો હોય ત્યારે મહિલા સર્જક વધુ સલામત વાતાવરણ સર્જી શકે છે.

ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ખાતે દર્શાવાયેલી પોતાની ફિલ્મ 'લાપત્તા લેડીઝ' વિશે ચર્ચા કરતાં કિરણે પ્રચલિત મુદ્દા સાથે અસહમત હોય તેવા દર્શકોને પણ સાંકળી લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 'સત્યમેવ જયતે' ટીવી શોમાં પોતાના અનુભવમાંથી બોધપાઠ મેળવીને કિરણે દર્શકોને બોર કર્યા વિના અભિગમમાં બદલાવ લાવતા સંવેદનશીલ મુદ્દાને નાજુક રીતે સંભાળવાની જરૂર પર ભાર મુક્યો હતો. કિરણ વિવિધ દ્રષ્ટિકોણ ધરાવતા દર્શકો સાથે સંપર્ક કરવાની ઈચ્છા પર ભાર મૂકી હતી. કિરણ માને છે કે વિવિધ મંતવ્યો ધરાવતા લોકોને સાંકળીને અને તેમના અભિગમને સન્માન આપીને ફિલ્મ ઉદ્યોગ જાતીય સમાનતા અને સંવેદનશીલતા તરફ આગળ વધી શકે છે. 


Google NewsGoogle News