કિયારા અડવાણી: મારી પાસે કોઈ પ્લાન-બી નથી, જીવનમાં હમેંશા સકારાત્મક જ રહી છું
- જ્યારે હું અગ્રણી હીરોઈનોને ઉત્તમ અભિનય કરતા જોઉં છું ત્યારે મને પણ વધુ મહેનત કરવાની અને મારો શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવાની પ્રેરણા મળે છે. તંદુરસ્ત સ્પર્ધાની આ લાગણી કિયારાની મહત્વાકાંક્ષાને બળ આપે છે અને તેને સતત પોતામાં સુધારો કરવા પ્રેરિત કરે છે.
ફિલ્મ ઉદ્યોગની ચમક અને ગ્લેમર વચ્ચે પણ અભિનય પ્રત્યેની ધગશ પર સ્પષ્ટ ધ્યાન રાખીને કિયારા તેની કારકિર્દી, ભાવિ મહત્વાકાંક્ષાઓ અને જીવન પ્રત્યે તેના વાસ્તવિક અભિગમ વિશે ખુલીને વાત કરે છે.
કિયારા માટે અભિનય માત્ર કારકિર્દીની પસંદગી નથી, પણ તેના જીવનની ધગશ છે. કિયારા કબૂલ કરે છે કે તેની પાસે કોઈ પ્લાન બી હતો જ નહિ. કિયારા કહે છે કે લોકો માનતા હોય છે કે એક કલાકારનું જીવન ગ્લેમર સાથે જ સંકળાયેલું હોય છે, પણ વાસ્તવમાં તેવું નથી. પડદા પાછળ અનેક સંઘર્ષ રહેલા છે.
કિયારા કબૂલ કરે છે કે કલાકારોને અનેક સવલતો મળે છે. ડીઝાઈનરો સુંદર પોષાકો મોકલે છે અને ચાહકો તરફથી અતૂટ સમર્થન પણ મળે છે. પણ આ તબક્કે પહોંચતા દાયકાની પ્રતિબદ્ધતા અને શિષ્તની જરૂર પડે છે. વ્યાવસાયિક જીવનની બહાર, કિયારા પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરીને, ઘરકામમાં મદદ કરીને અને દિનચર્યાના સામાન્ય આનંદની પળો માણીને વાસ્તવિક જીવન સાથે જોડાયેલી રહે છે.
બોલીવૂડ જેવા સ્પર્ધાત્મક ઉદ્યોગમાં કિયારા સકારાત્મક અભિગમ રાખી રહી છે. કિયારા સ્પષ્ટતા કરે છે કે સમકાલીન અભિનેત્રીઓ તેને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપવા પ્રેરિત કરતી રહી છે. કિયારા કહે છે જ્યારે હું અગ્રણી હીરોઈનોને ઉત્તમ અભિનય કરતા જોઉં છું ત્યારે મને પણ વધુ મહેનત કરવાની અને મારો શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવાની પ્રેરણા મળે છે. તંદુરસ્ત સ્પર્ધાની આ લાગણી કિયારાની મહત્વાકાંક્ષાને બળ આપે છે અને તેને સતત પોતામાં સુધારો કરવા પ્રેરિત કરે છે.
પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે જણાવતા કિયારા કહે છે કે કોઈપણ એક પ્રોજેક્ટને ડ્રીમ પ્રોજેક્ટ કહેવો મુશ્કેલ છે. કિયારાને તો રોમેન્ટિક, ઐતિહાસીક, એક્શન અને વાસ્તવિક્તા દર્શાવતી તમામ ફિલ્મો કરવી છે. ઉપરાંત તેને યશ રાજ ફિલ્મ્સ, ધર્મા પ્રોડક્શન્સ, સાજિદ નડિયાદવાળા, સંજય લીલા ભણસાલી, રાજકુમાર હિરાની, ઝોયા અખ્તર અને ઈમ્તિયાજ અલી જેવા ઉદ્યોગના અગ્રણી સર્જકો સાથે કામ કરવાની ખેવના છે.
સલમાન ખાન, શાહ રૂખ ખાન, અક્ષય કુમાર, હૃતિક રોશન, રણબીર કપૂર, રણવીર સિંઘ અને વરુણ ધવન જેવા અગ્રણી કલાકારો સાથે કામ કરવા કિયારા આતુર છે. કિયારા કહે છે કે આવી હસ્તીઓ સાથે કામ કરવાની તક મળે તો તેના માટે સ્વપ્ન સાકાર થયા જેવી બાબત ગણાશે.
કિયારાના મતે હાલના સમયમાં સિનેમા માટે ભાષાનો અવરોધ રહ્યો નથી. એના માટે તે દેશભરમાં સફળ થયેલી બાહુબલીનું ઉદાહરણ ટાંકે છે. ટૂંક સમયમાં રામચરન સાથે તેલુગુ ફિલ્મ 'ગેમ ચેન્જર'માં કામ કરી રહી કિયારા આ નવા અનુભવ બાબતે અત્યંત ઉત્સુક છે. તેને જાણ છે કે આ નવી સફર એક અભિનેત્રી તરીકે તેને વધુ સમૃદ્ધ કરશે. ફગલી જેવી પ્રારંભિક નિષ્ફળતા પછી એમ.એસ.ધોની: ધી અનટોલ્ડ સ્ટોરીમાં પોતાના પરફોર્મન્સને મળેલા પ્રતિસાદને કિયારા આજે પણ યાદ કરે છે.
આટલા વર્ષો પછી આજે પણ વિવેચકો અને ચાહકો કિયારાના આ પરફોર્મન્સને યાદ કરે છે. આ સફળતાએ જ બોલીવૂડમાં તેના સ્થાનને દ્રઢ બનાવ્યું હતું અને વધુ મહાત્વાકાંક્ષી રોલ માટેની ભૂમિકા તૈયાર કરી હતી.
અભિનય કારકિર્દી ઉપરાંત કિયારા શિક્ષણ ક્ષેત્ર પ્રત્યે પણ પ્રતિબદ્ધ છે. કિયારા કહે છે કે શિક્ષણ કાયમ તેના હૃદયની નજીક રહ્યું છે અને બાળકો તેમના શિક્ષણના અધિકારને ભોગવી શકે તે સુનિશ્ચિત કરવા તે મક્કમ છે. પોતાના વધતા પ્રભાવથી કિયારા આ ક્ષેત્રમાં કંઈક અર્થસભર પ્રવૃત્તિ કરવા તત્પર છે.
સમકાલીન અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટ કિયારાની ચહિતી રહી છે. કિયારા કહે છે કે તેના કાર્યો જ તેની પ્રતિભાની ચાડી ખાય છે. આલિયા યુવાન છે ત્યારે જ તેનો પોર્ટફોલિયો વૈવિધ્યસભર અને પ્રભાવશાળી ભૂમિકાથી ભરેલો પડયો છે. કિયારા કહે છે કે આલિયા તેનો પ્રેરણાસ્રોત છે.
મોટા સ્વપ્નો, અભિનય પ્રત્યે ધગશ અને જીવનમાં વાસ્તવિક અભિગમ સાથે કિયારા અડવાણી બોલીવૂડ અને તેની પાર પણ અનેક સીમાચિહ્નો સ્થાપવા તૈયાર છે. અગ્રણી કલાકારો સાથે કામ કરવાનું તેનું સ્વપ્ન હોય કે પછી સામાજિક કાર્યો હોય, કિયારા તેની સફરના પ્રત્યેક પગલાને મહત્વ આપવા માગે છે.