ખુશી કપૂરે બોલિવુડમાં સૌંદર્ય વિશેનો અભિગમ બદલી નાખ્યા

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
ખુશી કપૂરે બોલિવુડમાં સૌંદર્ય વિશેનો અભિગમ બદલી નાખ્યા 1 - image


- ખુશીએ સોશિયલ મીડિયા પર જાહેર કર્યું કે એણે નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ખુશીની નિખાલસતાથી તેના ચાહકો પ્રભાવિત થયા છે અને તેમણે સરસ પ્રતિસાદ આપ્યો. 

બોલિવુડ આઈકન સદ્ગત શ્રીદેવી અને પ્રોડયુસર બોની કપૂરની પુત્રી ખુશી કપૂર મનોરંજન ઉદ્યોગમાં પોતાનો પગદંડો જમાવી રહી છે. ખુશીએ 'આર્ચીઝ'માં ડેબ્યુ કરવા અગાઉ ખાસ કરીને તેના નાક સહિત  અન્ય પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની ખુલ્લેઆમ કબૂલાત કરી હતી.

પોતાના નાકની પ્લાસ્ટિક સર્જરી વિશે ખુલ્લા મનથી ચર્ચા કરનાર ખુશી બોલિવુડની અન્ય સેલિબ્રિટીઓથી નોખી પડે છે જેઓ કોસ્મેટીક સર્જરી કરાવ્યાનો ઈન્કાર કરે છે અથવા તેના વિશે મૌન જ ધારણ કરે છે.  જ્યાં સૌંદર્યના અવાસ્તવિક ધોરણો ઘણીવાર જાળવી રાખવા અશક્ય હોય છે અને કુદરતી દેખાવની સરાહના કરવામાં આવે છે તેવા ઉદ્યોગમાં ખુશીની પ્રમાણિક્તા હૃદયસ્પર્શી છે. 

ખુશીએ જાહેર વ્યક્તિઓ પાસે રાખવામાં આવતી અવાસ્તવિક અપેક્ષાઓને તોડી નાખી છે. મનોરંજન ઉદ્યોગ, ખાસ કરીને બોલિવુડમાં કોસ્મેટીક સર્જરી સામાન્ય બાબત હોવા છતાં ભાગ્ય જ કોઈ તેનો જાહેરમાં સ્વીકાર કરે છે. નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવ્યાનું કબૂલીને ખુશીએ જાહેર વ્યક્તિઓ પર રાખવામાં આવતી ક્ષતિ રહિત દેખાવની અવાસ્તવિક અપેક્ષાઓને તોડી પાડી છે.

ખુશીની નિખાલસતાથી તેના ચાહકો પ્રભાવિત થયા છે અને તેમણે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. એક ચાહકે લખ્યું તારી નિખાલસતા જ અમને આકર્ષે છે. લગભગ તમામ ચાહકોએ કોસ્મેટીક સર્જરી કરાવવામાં કંઈ ખોટુ ન હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

ખુશીને મળેલા પ્રતિસાદ સમાજમાં તેની પારદર્શિતાને વ્યાપક સ્વીકૃતિ અને કદર થઈ હોવાનું પ્રતિબિંબત થાય છે, ખાસ કરીને સોશિયલ મીડિયાના વિશ્વમાં સતત સૌંદર્યના ધોરણો વિશે ચર્ચા કરનાર યુવા પેઢીને ખુશીની નિખાલસતા જચી ગઈ છે.

પોતાની કોસ્મેટીક સર્જરી વિશે ખુશીએ ત્યારે ખુલાસો કર્યો જ્યારે સોશિયલ મીડિયા પર તેનો તેની માતા શ્રીદેવી સાથેનો જૂનો ફોટો વાયરલ થયો. આ ફોટાના કમેન્ટમાં તેના ચાહકોએ લખ્યું કે ખુશીની બાળપણની તસવીર જોઈને લાગે છે કે તેણે નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.  આ ઈન્ટરએક્શનથી સાબિત થાય છે કે ખુશી લોકોની ટીકાનો જવાબ રમૂજ અને સન્માનપૂર્વક આપવા સક્ષમ છે. જે ઉદ્યોગમાં અભિનેત્રીઓને તેમના દેખાવ બાબતે ટ્રોલ કરવામાં આવે છે તેમાં તેનો પ્રતિસાદ તાજગીભર્યો અને સશક્ત કરનારો છે. આવા પ્રતિસાદોનો જવાબ આપીને ખુશીએ સમગ્ર વૃત્તાંતની લગામ પોતાના હાથમાં લઈ લીધી અને ટીકાકારોને જવાબ આપવાની સાથે પોતાના શરીર માટે નિર્ણયો લેવાના તેના અબાધિત અધિકાર વિશે શક્તિશાળી સંદેશ પણ આપી દીધો.

રૂપેરી પડદાની બહાર પોતાના નિડર અભિગમ છતાં ખુશીની અભિનય કારકિર્દી હજી પણ પ્રારંભિક તબક્કામાં છે. ખુશીએ ઝોયા અખ્તરની કોમિક સીરીઝ પર આધારીત આર્ચિઝમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં સુહાના ખાન અને અગસ્ત્ય નંદા પણ હતા. ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી સાધારણ રિવ્યુ મળ્યા હોવા છતાં ખુશીના પરફોર્મન્સની પ્રશંસા થઈ હતી. ફિલ્મમાં કામ કરીને તેણે પોતાની વૃદ્ધિ પામતી લોકપ્રિયતામાં વધારો કર્યો.

બોલિવુડમાં ઊંડા મૂળ ધરાવતા પરિવારમાંથી આવતી હોવાથી તેની અને માતા શ્રીદેવી વચ્ચે સરખામણી થવી સ્વાભાવિક છે. બોલિવુડની દંતકથા સમી અભિનેત્રી શ્રીદેવી અને તાજેતરના વર્ષોમાં ડેબ્યુ કરનાર જાહ્નવી કપૂરે ઉદ્યોગમાં  તેમની અમીટ છાપ છોડી છે. પણ ખુશી પોતાની અભિનય કારકિર્દી તેમજ જાહેર જીવનમાં નોખુ સ્થાન ઊભુ કરવા કટિબદ્ધ છે.

ખુશીના બોલિવુડ સફરનો હજી પ્રારંભ જ થયો છે. આર્ચીઝ પછી તે હવે 'લવ ટુડે'ની હિન્દી રિમેકમાં આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન સાથે દેખાશે. ઉપરાંત સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ સાથે પણ એક ફિલ્મ કરી રહી હોવાના અહેવાલ છે જેનાથી ઉદ્યોગમાં ખુશીનું સ્થાન વધુ મજતબૂત બનશે.

સ્ક્રીન બહાર આર્ચિસના સહકલાકાર વેદાંગ રાઈના સાથેના રોમાન્સની અફવા કારણે ખુશી તેના ચાહકોમાં ચર્ચાનો વિષય રહી છે. બંને જણા તાજેતરમાં ઈન્ડિયા કુટુર વીક ખાતે ડીઝાઈનર ગૌરવ ગુપ્તાના શોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. રેમ્પ પર અને રેમ્પની બહાર તેમની કેમિસ્ટ્રીએ તેમના ભાવિ સહયોગ વિશે અનેક અટકળો વહેતી કરી છે અને તેમના ચાહકો બંનેને મોટા પડદે બંનેને સાથે જોવા આતુર થયા છે. 


Google NewsGoogle News