ખાન, ખિલાડી અને કેટરીના કૈફ .
- 'સલમાન સવારે વહેલો ઉઠી ન શકે અને અક્ષયને વહેલા ઉઠયા વગર ચાલે નહીં. પરોઢિયે ઉઠી જવાને કારણે અક્ષય વહેલી સવારે સેટ પર હાજર થઈ જાય છે. સલમાન મોડો ઉઠે એટલે સેટ પર ક્યારેય ટાઈમસર ન પહોંચે, પરંતુ એક વાર સેટ પર હાજર થઈ ગયા બાદ કામમાં પૂરેપૂરો ખોવાઈ જાય છે.'
કે ટરિના કૈફ હવે સિલ્વર સ્ક્રિન પર બહુ ઓછી દેખાય છે. એના માટે કેટરીનાની વિકી કૌશલ સાથેની શાદી કારણભૂત નથી. હકીકતમાં નવી યંગ હીરોઈનોનો જે મોટો ફાલ આવ્યો છે એને કારણે કેટને ઓછી ફિલ્મો મળે છે. બીજું, એની ઈમેજ એક ગ્લેમરસ હિરોઈન પૂરતી સીમિત છે એટલે ફિલ્મમેકર્સ ચેલેન્જિંગ રોલ્સ માટે એના નામનો વિચાર ન કરે એ પણ સ્વાભાવિક છે. કેટરીના છેલ્લે 'મેરી ક્રિસમસ'માં સાઉથના વિજય સેતુપતિ સાથે જોવા મળી હતી.
હાલમાં શ્રીમતી કૌશલનો એક ઈન્ટરવ્યૂ ચર્ચામાં છે, જેમાં એણે પોતાના બે મોટા કો-સ્ટાર સલમાન ખાન અને અક્ષયકુમાર વિશે વાત કરી છે. 'ટાઈગર' સિરીઝની ફિલ્મોમાં હિરોઈન રહી ચુકેલી કેટરીના સલમાન વિશે કહે છે, 'સલમાન વહેલા ઉઠી શકતો નથી એટલે સેટ પર ક્યારેય ટાઈમસર આવતો નથી, પરંતુ એકવાર સેટ પર પહોંચ્યા બાદ કામમાં પૂરેપૂરો ખોવાઈ જાય છે. એ ડિરેક્ટરની દરેક વાત ધ્યાનથી સાંભળી એ મુજબ જ શોટ આપે છે.'
કેટરીના અને અક્ષય બોલિવુડની એક હિટ જોડી રહી ચુકી છે. કેટે અક્ષય સાથે 'નમસ્તે લંડન', 'સિંઘ ઈઝ કિંગ' અને 'સૂર્યવંશી' જેવી ફિલ્મો કરી છે. ખાન અને ખિલાડી વચ્ચે શું સામ્ય છે એવું પૂછાતાં કેટરિના કહે છે, 'બંને એકબીજાથી સાવ જુદા પ્રકારના માણસ છે. સલમાન વહેલા ઉઠી ન શકે અને અક્ષયને વહેલા ઉઠયા વગર ચાલે નહીં. પરોઢિયે ઉઠી જવાને કારણે અક્ષય વહેલી સવારે સેટ પર હાજર થઈ જાય છે. અક્ષયને કોઈ પણ કામ સારામાં સારી રીતે કરવું ગમે છે. એનું એક અલગ વ્યક્તિત્વ છે.'
પોતાના હીરો લોગ વિશે મત આપ્યા બાદ કેટરીના પોતાના વિશે બોલવાનું પણ ચુકતી નથી. એ કહે છે, 'હું સેટ પર સારી એવી તૈયારી કરીને આવતી હોઉં છું. મારો કો-સ્ટાર કોણ છે એ વાતથી મને કોઈ ફરક નથી પડતો. મારા ડિરેક્ટર મારી પાસેથી જે અપેક્ષા રાખે છે એ પ્રમાણે જ હું કામ કરું છું. આ મારું વર્ક એથિક્સ છે.'