કેટી પેરી: પહેલાં લવલાઇફ, પછી માતૃત્વ અને હવે ભવ્ય સંગીતમય કમબેક
- 'ગાઢ જોડાણ જાળવવા પાર્ટનરની પ્રેમ ભાષા સમજવી મહત્વની છે. તમામ લોકો ખુશ રહે તે સુનિશ્ચિત કરવું મને ગમે છે. મને લોકોની ખુશીમાં મારી ખુશી દેખાય છે. હું લોકોની સંભાળ રાખવામાં માનું છું... '
કેટી પેરી છેલ્લા સાત વર્ષ પછી તેની પ્રથમ કન્સર્ટ 'ધી લાઈફટાઈમ ટૂર' સાથે અતિ અપેક્ષિત વાપસી કરી રહી છે. કેટી જ્યારે તેના આ મહત્વના સીમાચિહ્ન માટે તૈયારી કરી રહી છે ત્યારે તેણે તાજેતરમાં તે અને તેનો ફિયાન્સ ઓરલાન્ડો બ્લૂમ કેવી રીતે પોતાનો સંબંધ મજબૂત રાખીને પણ કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે તેના વિશે વાત કરી.
પેરી અને બ્લૂમ બંને મનોરંજન ઉદ્યોગમાં અગ્રણી હસ્તી છે. તેઓ તેમની કારકિર્દી સાથે આવતા તણાવને સમજે છે. કેટી પેરીએ એક મુલાકાતમાં આવા તીવ્ર કાર્ય શેડયુલ વચ્ચે બંને કેવી રીતે એકબીજાને સહાય કરે છે તેની માહિતી આપી.
પેરીએ જણાવ્યા મુજબ તેની વર્લ્ડ ટૂરની તૈયારી વિશે બ્લૂમ સારી રીતે જાણે છે. પેરીના મતે ટૂરની તૈયારી કોઈ ફિલ્મની તૈયારી સમાન જ છે. ટૂરની તૈયારીમાં પણ એટલું જ માનસિક દબાણ રહે છે.
પેરીના મતે આ પારસ્પરિક સમજણ જ તેમના સંબંધનો મુખ્ય પાયો છે. એક તરફ પેરી વિશ્વ ટૂરની તૈયારી કરી રહી છે ત્યારે બ્લૂમ પોતાની કારકિર્દીમાં વ્યસ્ત છે. તે અવારનવાર શારીરિક અને માનસિક તીવ્રતા માગી લેતા પ્રોજેક્ટ સ્વીકારે છે. એકબીજાની વ્યાવસાયિક જરૂરીયાત સમજવાની પેરી અને બ્લૂમની પ્રતિબદ્ધતા જ તેમના સંબંધને વધુ મજબૂત બનાવે છે.
પેરી માટે પ્રસિદ્ધિના શોર કરતા પણ ગૃહ જીવનની સ્થિરતા મહત્વની છે. પેરીને બ્લૂમ સાથે ચાર વર્ષની પુત્રી છે અને તેણે માતૃત્વની ફરજ સહર્ષ સ્વીકારી લીધી છે.
પેરી માને છે કે ઘરની બહાર સંગીતની દુનિયામાં કેટી પેરી તરીકેની ઓળખ કરતા પણ ઘરમાં એક પરિવાર હોય તે મહત્વનું છે. મને મારા પરિવાર અને તેમની સાથે વિતાવેલા સમય બદલ ગર્વ છે.
સ્પોટલાઈટથી દૂર વિતાવેલા સમયમાં પેરીને આત્મમંથન કરવાની, વિકાસ કરવાની અને આગામી અધ્યાય માટે તૈયારી કરવાની તક મળી. પેરીને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું, માતૃત્વની ખુશી અને પડકારો સમજવાનું મહત્વ સમજાયું.
પેરી અને બ્લૂમના મજબૂત સંબંધોનું મુખ્ય પરિબળ છે તેમનો એકબીજાની જરૂરીયાત સમજવાનો અને સંતોષવાનો પ્રયાસ. પેરી માને છે કે ગાઢ જોડાણ જાળવવા પાર્ટનરની પ્રેમ ભાષા સમજવી મહત્વની છે.
પેરીએ શેર કર્યું કે પાર્ટરના પ્રેમના સંકેતો સમજવાથી જોડાણ મજબૂત રહે છે. મારી પ્રેમની ભાષા સેવાની છે કારણ કે હું સંભાળ રાખવામાં માનું છું અને મને લોકોની સેવા કરવામાં આનંદ મળે છે. તમામ લોકો ખુશ રહે તે સુનિશ્ચિત કરવું મને ગમે છે. મને લોકોની ખુશીમાં મારી ખુશી દેખાય છે.
પ્રેમની ભાષામાં આવી આંતરદ્રષ્ટિ કપલને તેમનું જોડાણ અર્થસભર કરવામાં સહાયરૂપ સાબિત થઈ છે. પેરી માટે સેવાના કાર્યો દ્વારા પ્રેમની અભિવ્યક્તિ થાય છે, પછી પોતાના વ્યસ્ત સમયપત્રક દરમ્યાન બ્લૂમને સહાય કરવાની હોય કે તેમના ઘરની સગવડ સુનિશ્ચિત કરવાની હોય, તેની દરકાર કરવાથી સંબંધ મજબૂત રહે છે.
હ્યુસ્ટન, ટેક્સાસમાં ૭ મેથી ટૂર શરૂ થવાની હોવાથી ચાહકોમાં એ જાણવાની ઉત્સુક્તા છે કે બ્લૂમ અને ડેઈઝી આ ટૂરનો હિસ્સો બનશે કે કેમ. બ્લૂમનો શેડયુલ વ્યસ્ત છે, પણ પેરીએ પુષ્ટી કરી છે કે તે અને તેમની પુત્રી ટૂરના અલગ અલગ તબક્કામાં સામેલ થશે.
પેરીએ કબૂલ કર્યું કે બ્લૂમ ખૂબ જ વ્યસ્ત છે, પણ મને ખાતરી છે કે બંને જણા વિવિધ તબક્કામાં જરૂર હાજરી પુરાવશે.
છેલ્લે ૨૦૧૭માં તેની ટૂર 'વિટનેસ'થી પેરીના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યા છે. તેણે અંગત અને વૈશ્વિક પડકારોનો સામનો કર્યો, માતૃત્વ અપનાવ્યું અને આત્મ નિરીક્ષણ માટે સમય ફાળવ્યો. હવે તે નવા પરિપ્રેક્ષ્ય સાથે ફરી સ્પોટલાઈટમાં ઝંપલાવવા તૈયાર છે.
પેરી કહે છે કે આ ટૂર માત્ર સંગીત સંબંધિત નથી. ચાહકો તેની બંને આઈકોનિક હિટ 'રોર' અને 'ફાયરવર્ક' તેમજ ૧૪૩ જેવી અપેક્ષા રાખી રહ્યા છે. આ ટૂર પેરી માટે માત્ર સંગીતમય વાપસી નથી, પણ છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન પોતાની ઓળખ ઊભી કરનાર સફરની ઉજવણી પણ છે.