કેટી પેરીનો નવા આલ્બમ સાથે જૂની ખ્યાતિ ફરી હાંસલ કરવાનો પ્રયાસ
- પેરીએ બ્લૂમના વ્યક્તિત્વની પ્રશંસા કરતા તેને પ્રેમાળ પાર્ટનર અને પિતા તરીકે વર્ણવ્યો અને તેની બુદ્ધિમતા અને દૂરંદેશીના વખાણ કર્યા
પોપ આઈકન કેટી પેરીએ તાજેતરમાં એક મુલાકાતમાં એક્ટર ઓર્લાન્ડો બ્લૂમ સાથે તેના સંબંધ વિશે તેમજ તેમના પારિવારીક જીવન પર તેમના આક્રમક વ્યક્તિત્વની અસર વિશે જાણકારી આપી હતી.
પેરી તેના નવા આલ્બમ ૧૪૩નું પ્રમોશન કરી રહી હતી જેમાં તેણે પોતાના સંબંધ, માતૃત્વ અને અંગત વિકાસ વિશે ખુલીને વાત કરી.
પેરી અને બ્લૂમ બંને તેમના નિડર અને બિનધાસ્ત વ્યક્તિત્વ વિશે જાણીતા છે અને તેઓ કદી પણ તીવ્ર ચર્ચા કરતા અચકાતા નથી. પેરીએ કબૂલ કર્યું કે તેઓ ઘણીવાર ઉગ્ર વાદવિવાદ કરતા હોવા છતાં ઝડપથી શાંત થઈ જાય છે અને આગળ વધે છે.
પેરીએ ઉમેર્યું કે આ પેટર્ન તેમના ધગશભર્યા અને ઊર્જાયુક્ત અભિગમનું પ્રતિબિંબ છે અને તેની અસર તેમના બાળકોના ઉછેર પર પણ પડી રહી છે. દંપતિની ચાર વર્ષની પુત્રી ડેઝી ડોવ પણ તેના માતાપિતાના ગતિશીલ સ્વભાવનો વારસો મળ્યો હોવાના સંકેત આપી રહી છે.
પેરી ગર્વભેર કહે છે કે ડેઝી નિડર માતાપિતાની પુત્રી છે અને તે કોઈનાથી શરમાતી નથી. પેરી કહે છે કે ડેઝીનો ઉછેર ઉગ્ર દલીલો અને વાદવવિવાદ વચ્ચે થઈ રહ્યો છે જ્યાં પારિવારીક વાતાવરણ ઘોંઘાટભર્યું અને ઊર્જાયુક્ત છે અને જ્યાં ભાવનાઓ અને રચનાત્મક્તા અગ્રક્રમે રહે છે. આ ભૂતપૂર્વ અમેરિકન આઈડલ જજ રમૂજમાં કહે છે કે બંને માતાપિતાનો સ્વભાવ આક્રમક હોવાથી તેમની પુત્રી બધે ઉગ્રતા જ અનુભવે છે.
પેરીએ બ્લૂમના વ્યક્તિત્વની પ્રશંસા કરતા તેને પ્રેમાળ પાર્ટનર અને પિતા તરીકે વર્ણવ્યો અને તેની બુદ્ધિમતા અને દૂરંદેશીના વખાણ કર્યા. પેરીએ જણાવ્યું કે કેવી રીતે તેઓ તેમના મહત્વાકાંક્ષી અને અહંભર્યા સ્વભાવનું તેમના વધુ ઉમદા કરૂણાસભર સ્વભાવ સાથે સંતુલન કરે છે. પેરી સમજાવે છે કે અમારા બે પાસા છે. અમે ભૌતિકવાદી, અહંકારી પણ છીએ અને અન્યોની તેમજ પરિવારની ભલાઈ પણ ઈચ્છીએ છીએ. પેરીએ કબૂલ કર્યું કે જ્યારે તેઓ પોતાના અહંને કાબુમાં રાખે છે ત્યારે તેમના જીવનમાં સારો તાલમેલ અનુભવાય છે.
પેરી યાદ કરે છે કે ૨૦૧૬માં ગોલ્ડન ગ્લોબ્સની પાર્ટી પછી બ્લૂમને મળવા અગાઉ તે ભટકી ગઈ હતી. પણ ૨૦૧૬ પછી તેમનો સંબંધ સતત વિકસતો રહ્યો અને ૨૦૧૯માં તેમની સગાઈ થઈ ગઈ. ત્યાર પછી વ્યક્તિ તરીકે અને પાર્ટનર તરીકે તેઓ સતત વિકસતા જ રહ્યા અને પેરી સતત બ્લૂમને પોતાના બાળકના એક શક્તિશાળી પિતા તરીકે જોતી રહી.
ડેઝીએ પણ તેની માતાના નવા આલ્બમમાં દેખા દઈને સ્પોટલાઈટમાં પોતાનું ડેબ્યુ પણ કર્યું.
પેરી અને બ્લૂમનો સંબંધ પડકારોથી રહિત તો નહોતો પણ તે ધગશ, પારસ્પરિક આદર અને જીવન વિશેની સહિયારી ફિલસૂફી પર વિકસતો રહ્યો. પેરી અને બ્લૂમને તેમના ઘોંઘાટભર્યા પરિવારમાં સંતુલન મળી ગયું હોવાનો તેમના ચાહકોને અહેસાસ થઈ રહ્યો છે.
કેટી પેરીએ તાજેતરમાં વીએમએનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સ્વીકારવા અગાઉ બ્લૂમની ભારોભાર પ્રશંસા કરી હતી.
એવોર્ડ સ્વીકારવા અગાઉ પેરીએ 'આઈ કિસ્ડ એ ગર્લ', 'કેલિફોર્નિયા ગર્લ્સ' અને 'ઈ.ટી.' તેમજ તેના આગામી આલ્બમમાંથી 'લાઈફ ટાઈમ્સ' અને 'આઈ એમ હિસ, હી ઈસ માઈન' સહિત અનેક હિટ ગીતો પર પરફોર્મ કર્યું હતું.