Get The App

કાશ્મીર એટલે આતંકવાદ નહીં... પ્રેમ, કવિતા અને નિર્દોષતા પણ ખરાં!

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
કાશ્મીર એટલે આતંકવાદ નહીં... પ્રેમ, કવિતા અને નિર્દોષતા પણ ખરાં! 1 - image


- 'હું પહેલેથી જ આ મામલે સ્પષ્ટ હતો કે મારે એક સાફસુથરો, રોમેન્ટિક, સિનેમેટિક, રૂપકડો શો બનાવવો છે. 'પશ્મિના - ધાગે મહોબ્બત કે' શો વાસ્તવમાં મેં યશ ચોપડાને આપેલી અંજલિ છે!'

જ રા કલ્પના કરો. હિમાચલ પ્રદેશના પહાડી ઈલાકામાં વસતી એક રૂપકડી યુવતી. જિંદગીમાં એણે ક્યારેય અભિનય કર્યો નથી. ન સ્કૂલમાં, ન કોલેજમાં. હા, થોડા પંજાબી મ્યુઝિક વિડીયો જરુર કર્યા છે ને આ વિડીયો ખાસ્સા જોવાયા પણ છે. ખેર, મ્યુઝિક વિડીયોમાં બનીઠનીને કેમેરા સામે સંગીતના તાલે થોડું ઝુમવું, થોડા પૉઝ આપવા એક વાત છે અને અ-ભિ-ને-ત્રી હોવું તે તદ્ન જુદી વાત છે. આ કન્યા એક સપરમા દહાડે પોતાના ઘરમાં કશીક ગડમથલ કરી રહી છે. એણે સીધાસાદાં કપડાં પહેર્યાં છે. પોતાના સ્માર્ટફોનને માંડ માંડ એડજસ્ટ કરીને, વિડીયો ઓન કરીને એ કશુંક બોલી રહી છે. વેલ, આ એનું 'સેલ્ફ-ઓડિશન' ચાલી રહ્યું છે. કોરોનાની મહામારીએ સૌને સ્વાવલંબી બનાવી દીધા છે એ તો નક્કી. સામાન્યપણે કોઈ ફિલ્મ કે શોના ઓડિશન માટે લાંબી કતારમાં ઊભા રહેવું પડે ને પ્રોફેશનલ ટીમની સામે કેમેરા-લાઇટ્સના તામજામ વચ્ચે ઓડિશન આપવું પડે. અહીં તો આ કન્યા પોતે જ એકલી એકલી ખુદનો વિડીયો ઉતારે છે અને એક પ્રોડક્શન હાઉસના ઇમેઇલ આઇડી પર મોકલી આપે છે. 

દેખીતું છે કે પ્રોડક્શન હાઉસને આ પ્રકારનાં સેંકડો-હજારો ઓડિશનના વિડીયો મળે છે. વાત એમ છે કે એક ટીવી સિરીયલ પ્લાન થઈ રહી છે અને તેની લીડ એક્ટ્રેસની શોધ ચાલી રહી છે. અસંખ્ય વિડીયો જોયા બાદ થોડીક કન્યાઓને શોર્ટ-લિસ્ટ કરવામાં આવે છે ને એમાંથી આખરે એક યુવતી પર પસંદગીનો કળશ ઢોળાય છે. શોના લાગતાવળગતા લોકો એકસાથે નિર્ણય પર આવે છે: બસ, આ જ છોકરી પરફેક્ટ છે. આ જ છે આપણી પશ્મિના!

આ પશ્મિના એટલે ઈશા શર્મા, પેલી પહાડી યુવતી, કે જે પોતાનાં ઘરમાં ખુદનો વિડીયો ઉતારી રહી હતી. એ યુવતી, જેણે જિંદગીમાં ક્યારેય એક્ટિંગ કરી નથી... અને એ જ યુવતીને સબ ટીવી જેવી લોકપ્રિય ટીવી ચેનલના મહત્ત્વાકાંક્ષી શો 'પશ્મિના - ધાગે મહોબ્બત કે'ના ટાઇટલ રોલ માટે પસંદ કરી લેવામાં આવે છે! સબ ટીવી પર આ ગુડલુકિંગ સિરીયલ ઓન-એર થઈ ગઈ તે વાતને આજે દસ દિવસ થઈ ગયા. 

સાચ્ચે જ આ સિરીયલનું બધું જ ગુડ-લુકિંગ છે. ટાઇટલ (પશ્મિના નામ જ કેવું કર્ણમધુર છે!), કલાકારો, અને ખાસ તો લોકાલ - આ બધું જ સુંદર છે. આખી સિરીયલ કાશ્મીરમાં શૂટ થઈ રહી છે. શ્રીનગરમાં પહાડોની વચ્ચે ફેલાયેલા જગપ્રસિદ્ધ દાલ લેક પર એક સાચુકલી હાઉસબોટમાં 'પશ્મિના'નું શૂટિંગ તેજ રફ્તારથી આગળ વધી રહ્યું છે. નોંધવા જેવી વાત આ છે: સિરીયલના ૮૦થી ૯૦ ટકા હિસ્સો અસલી લોકેશન્સ પર આકાર લઈ રહ્યો છે, સેટ્સ પર નહીં. શું છે 'પશ્મિના'માં? 

'વેલ, ટાઇટલ પરથી જ સ્પષ્ટ થાય છે તેમ, આ એક ખૂબસૂરત લવસ્ટોરી છે,' સિરીયલના ક્રિયેટિવ પ્રોડયુસર સિદ્ધાર્થ પી. મલ્હોત્રા  ઉત્સાહપૂર્વક કહે છે, 'પશ્મિના એક કાશ્મીરી યુવતી છે, જે ટુરિસ્ટ ગાઇડ તરીકે કામ કરે છે. એની મા પ્રીતિ, કે જે સિંગલ મધર છે, એ એક હાઉસબોટ સંભાળે છે. પશ્મિનાના જીવનમાં એક શહેરી બાબુ આવે છે અને એનું જીવન પલટાઈ જાય છે. પશ્મિનાની મા ખાસ્સી પ્રોગ્રેસિવ છે, પણ એણે પોતાની દીકરીને એક જ સૂચના આપી છે: તું બધું કરજે પણ કોઈ પરદેસીના (એટલે કે પ્રવાસીના) પ્રેમમાં ન પડતી... કારણ કે પ્રવાસીઓ આવે છે જ એક દિવસ પાછા જતા રહેવા માટે! પણ દિલ ક્યાં કોઈનું માને છે? પશ્મિના રાઘવના પ્રેમમાં પડે છે અને લાગણીઓનો સંઘર્ષ શરુ થાય છે.'  

રાઘવ એટલે નિશાંત મલકાની. આ હેન્ડસમ હીરોને આપણે 'મિલે જબ હમ તુમ', 'રામ મિલાઇ જોડી' જેવી સિરીયલો, 'બિગ બોસ' (સિઝન-૧૪) જેવા ગેમ-રિયાલિટી શો તેમજ 'હોરર સ્ટોરી', 'બેઝુબાન ઈશ્ક' જેવી ફિલ્મોમાં જોયો છે. નિશાંત ભારે હસમુખો માણસ છે. ઈશા જેટલી શરમાળ અને ઓછાબોલી છે (કમસે કમ પહેલા પરિચયમાં તો આવું લાગે જ છે!) એટલો જ નિશાંત બહિર્મુખ અને વાતોડિયો છે. ઈશાને પૂછાતા અડધોઅડધ સવાલોના જવાબ તો નિશાંત જ આપી દે છે.

'આઇ એમ નર્વસ, વેરી નર્વસ!' ઇશા કહે છે, 'મારા પર વિશ્વાસ મૂકીને મને આટલી મોટી જવાબદારી આપવામાં આવી છે, આખેઆખા શોનું નામ મારા કિરદાર પરથી લેવામાં આવ્યું છે એટલે ટેન્શન તો હોવાનું જ... પણ હું રોજેરોજ, સતત નવું નવું શીખતી રહું છું. સદભાગ્યે મારા કો-એક્ટર્સ, મારી આખી ટીમ બહુ મજાની છે. તેઓ મને ખૂબ મદદ કરે છે.'

નિશાંત કહે છે, 'કોઈ સાધારણ માણસને મશીનગન પકડાવીને તમે ઓચિંતા યુદ્ધના મેદાનમાં મૂકી દો તો એની શી હાલત થાય? બસ, ઈશાની હાલત અત્યારે એક્ઝેક્ટલી એવી જ છે! એ સ્પોન્જ જેવી છે, સેટ પર પોતાની આસપાસ જે કંઈ બને છે તેને તે શોષી લે છે. હું એને હંમેશા કહું છું કે શી ઇઝ બીઇંગ પેઇડ ટુ લર્ન!'

ઈશા અને નિશાંત વચ્ચે મજાકમસ્તી ચાલતાં જ રહે છે. 'પશ્મિના - ધાગે મહોબ્બત કે'માં માત્ર આ એક જ કપલ નથી. શોનું બીજું મહત્ત્વનું યુગલ છે - પ્રીતિ (પશ્મિનાની મા) અને અવિનાશ (રાઘવનો મેન્ટર). પ્રીતિ અને અવિનાશ એક સમયે પ્રેમીઓ હતાં, અત્યારે નથી. પરદેસીને પ્રેમ ન કરવાનો આગ્રહ કદાચ અવિનાશ સાથેના પ્રેમભંગમાંથી જ પેદા થયો છે. આ પાત્રો ભજવનારાં બન્ને કલાકારો ટીવી ઓડિયન્સનાં ફેવટિર છે - હિતેન તેજવાણી અને ગૌરી પ્રધાન તેજવાણી. અસલી જીવનનાં આ પતિ-પત્નીએ આપણે 'કુટુંબ'થી લઈને કેટલીય સુપરહિટ સિરીયલોમાં જોયાં છે.    

'અવિનાશ એક અત્યંત સ્વકેન્દ્રી માણસ છે,' હિતેન કહે છે, 'આ એક ગ્રે કેરેક્ટર છે. રાઘવ પર એ માલિકીભાવ ધરાવે છે. મને તો આ પાત્ર ભજવવાની બહુ મજા આવી રહી છે.'

સિરીયલની વાર્તા વિશે જાણીને તમારું ઓવર-સ્માર્ટ દિમાગ દોડવા લાગે છે. ક્યાંક એવું તો નથી કે પશ્મિના ખરેખર અવિનાશની જ પુત્રી હોય? 'નો કમેન્ટ્સ!' ગૌરી પ્રધાન તેજવાણી હસે છે, 'આ વિશે હું કશું જ નહીં કહું. કીપ ગેસિંગ એન્ડ કીપ વોચિંગ ધ શો!'

સિદ્ધાર્થ પી. મલ્હોત્રા 'વી આર ફેમિલી' (કરીના-કાજોલ-અર્જુન રામપાલ) અને 'હિચકી' (રાની મુખર્જી) ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા છે. યશરાજ બેનરની તેમની આગામી ફિલ્મ 'મહારાજ', કે જે સૌરભ શાહ લિખિત આ જ શીર્ષકની ગુજરાતી નવલકથા પર આધારિત છે અને જેમાં આમિર ખાનનો દીકરો જુનૈદ લીડ રોલ કરે છે, તે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે.  તેઓ કહે છે, ''પશ્મિના' એવો શો છે, જે કાશ્મીરમાં બેઝ્ડ છે, પણ અહીં ટેરરિસ્ટ નથી, લશ્કર નથી, હુલ્લડ કે કોમી તનાવ નથી. હું પહેલેથી જ આ મામલે સ્પષ્ટ હતો કે મારે એક સાફસુથરો, રોમેન્ટિક, કાવ્યાત્મક, સિનેમેટિક, રૂપકડો શો બનાવવો છે. આ શો વાસ્તવમાં મેં યશ ચોપડાને આપેલી અંજલિ છે! મારા ફાધરે 'ગુલ ગુલશન ગુલાફામ' નામની બહુ જ પોપ્યુલર સિરીયલ બનાવી હતી ને તે પણ અહીં શ્રીનગરમાં જ શૂટ થઈ હતી... અને આ થોડા મહિનાઓ સુધી ચાલનારી ફાઇનાઇટ સિરીઝ છે. તે બીજી સિરીયલોની જેમ અનંત કાળ સુધી ચાલ્યા જ નહીં કરે.'

સિરીયલ હિટ થઈ જાય તો એની સિઝન-ટુ બનશે ખરી? 

'ના, તો પણ નહીં. આ શોની સિઝન-ટુ નહીં જ બને. આ સિરીયલનું એક પૂર્વનિશ્ચિત માળખું છે, સ્પષ્ટ શરુઆત-મધ્ય-અંત છે અને તેને અમે વળગી રહીશું!'

ઓલ ધ બેસ્ટ, ટીમ પશ્મિના! 


Google NewsGoogle News