Get The App

કાર્તિક આર્યન: હા, હું છું મોંઘો હીરો... તો?

Updated: Apr 25th, 2025

GS TEAM


Google News
Google News
કાર્તિક આર્યન: હા, હું છું મોંઘો હીરો... તો? 1 - image


- 'હું હવે એક ફિલ્મ માટે 50 કરોડ રૂપિયાની ફી વસૂલ કરું છું. આમાં ખોટું છે શું છે? મારી ફિલ્મ સુપરહિટ થશે તો  નિર્માતાના ઘરના પટારા જ ભરાવાના છેને?'

આજકાલ  બોલિવુડમાં કાર્તિક આર્યનના નામના સિક્કા પડે  છે એ તો એના સાત પેઢીના દુશ્મનોએ પણ સ્વીકારવી પડે. કાર્તિક આર્યનની ફિલ્મો સુપરહિટ થઇ રહી છે. દર્શકોમાં, ખાસ કરીને યુવા પેઢીનાં ફિલ્મપ્રેમીઓનો કાર્તિક ગમતીલો એક્ટર છે. 

સૌથી પહેલાં એક ખુલાસો. કાર્તિકની સાચી અટક આર્યન નહીં, તિવારી છે. કાર્તિક તિવારી.    

એક તરફ મોટાં નામ ગણાતાં કલાકારોની તગડા બજેટની, મોટા બેનરની ફિલ્મોને દર્શકોનો જાકારો મળી રહ્યો છે. તો બીજી બાજુ સાધારણ દેખાતાં અભિનેતા-અભિનેત્રીઓની ફિલ્મ સફળ થઇ રહી છે. કાર્તિક આર્યનનું મુખ્ય અને મોટું જમા પાસું છે - એ કોમનમેન જેવો લાગે છે. પડદા પર દેખાય પણ એવો જ છે. જાણે કે આપણામાંનો જ એક હોય. પડોશમાં રહેતો સીધો, સરળ, મધ્યમવર્ગીય યુવાન.  

કાર્તિકની 'ભૂલભુલૈયા' પાર્ટ ટુ અને થ્રી જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી એટલે નિર્માતાઓ અને દિગ્દર્શકો એને પોતાની ફિલ્મોમાં  સાઇન કરવા ઇચ્છે છે.  બોલિવુડના ખબરીઓ કહે છે કે કાર્તિક આર્યન હવે એક ફિલ્મમાં કામ કરવા માટે ૫૦ કરોડ રૂપિયાની ફી લે છે!

ડોક્ટર મમ્મી-પપ્પાનો આ દીકરો કહે છે, 'હા, હું હવે એક ફિલ્મ માટે ૫૦ કરોડ રૂપિયાની ફી વસૂલ કરું છું. આમાં ખોટું છે શું છે? મારી ફિલ્મ સુપરહિટ થશે તો ખરેખર તો નિર્માતાના ઘરના પટારા જ ભરાવાના છેને? તો પછી હું સહેજ મોટી રકમનો આગ્રહ રાખું તો એ બરાબર જ છેને? અને હા, બોલિવુડમાં ૫૦ કરોડ કરતાં ક્યાંય વધુ મોટી રકમ લેતા કેટલાય કલાકારો છે. એટલે એક ફિલ્મ માટે ૫૦ કરોડની ફી લેનારો હું કંઇ નવી નવાઈનો નથી.' 

મુંબઇની ડી.વાય. પાટિલ યુનિવર્સિટીમાંથી બાયોટેકનોલોજી વિષય સાથે માંડ માંડ એન્જિનીયરિંગ ડિગ્રી મેળવનારો કાર્તિક આર્યન પૂરી નમ્રતાથી કહે છે, 'જુઓ, આ વિશાળ હિન્દી ફિલ્મ જગતમાં મારો નથી કોઇ ગોડફાધર કે નથી મારાં કોઇ પરિવારજનો. હું મારી મહેનત અને પ્રતિભાથી આ ફિલ્મી દુનિયામાં આગળ આવ્યો છું. મારા વિશે ફિલ્મનાં મેગેઝીનોમાં, અખબારોમાં અને વેબસાઇટ્સ પર સારું, રૂપાળું, ગમતીલું લખે અથવા પ્રચાર કરે  તેવી કોઇ જ વ્યક્તિ મારી સાથે કે આજુબાજુ નથી. હું જ મારો ગોડફાધર અને હું જ મારો પીઆરઓ.'

આ વાત જોકે પૂરેપૂરી સાચી નથી. કાર્તિકે બીજાઓની જેમ પીઆર એજન્સીઓ હાયર કરી જ છે. બોલિવુડમાં તો એવી વાતો પણ ફેલાઈ છે કે કાર્તિક માત્ર પોતાના વિશે સારી સારી વાતો લખાવતો નથી, એ હરીફ હીરોલોગ વિશે નેગેટિવ સમાચારો પણ જાણી જોઈને ફેલાવે છે. સાચું ખોટું સિનેમાદેવ જાણે!

'પ્યાર કા પંચનામા' (૨૦૧૧) ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં અભિનયનો એકડો ઘૂંટવાની શરૂઆત કરનારો કાર્તિક આર્યન પોતાની પર્સનલ લાઇફ વિશે સ્પષ્ટતા કરે છે, 'જુઓ ભાઇ, હું હાલની ઘડીએ તો સાવ જ સિંગલ છું. બોલિવુડની અંદર કે બોલિવુડ બહાર મારું ક્યાંય ઇલુ ઇલુ ચાલતું નથી. મને ખબર છે કે છેલ્લા થોડા સમયથી મારું નામ એક કે બીજી અભિનેત્રી કે કોઇ અજાણી યુવતી સાથે જોડાઇ રહ્યું છે. લોકો મરી-મસાલા નાખીને વાતો કરી રહ્યા છે. મારી ડેટિંગ લાઇફ વિશે અગાઉ પણ જબરી ચર્ચા ચગી હતી, જેમાં થોડુંક સાચું અને થોડું ખોટું હતું.'

એ અગાઉની વાતોમાં શું સાચું હતું ને કેટલું સાચુું હતું તેનું અનુમાન હવે તમે જ લગાવો!  

Tags :