Get The App

કાર્તિક આર્યન: 400 કરોડ ક્લબનો નવો મેમ્બર...

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
કાર્તિક આર્યન: 400 કરોડ ક્લબનો નવો મેમ્બર... 1 - image


- 'કાર્તિકની 'ભૂલભુલૈયા-થ્રી' પહેલી એવી ફિલ્મ છે, જેણે રિલીઝ પછી નવ જ દિવસમાં ૨૦૦ કરોડનો આંકડો પાર કર્યો હોય. કાર્તિકની આ સિદ્ધિ વધુ સરાહનીય એટલા માટે બને છે કે એની ફિલ્મ દિવાળીની સિઝનમાં 'સિંઘમ અગેન' જેવી મોટી મલ્ટિસ્ટારર મૂવી સાથે રિલીઝ થઇ હતી.' 

એક સમયે બોલિવુડમાં રાજેશ ખન્ના-શક્તિ સામંતા, અમિતાભ બચ્ચન-મનમોહન દેસાઇ,  ડેવિડ ધવન-ગોવિંદા, સલમાન ખાન-સૂરજ બડજાત્યા અને શાહરૂખ ખાન-આદિત્ય ચોપરાનું એક્ટર-પ્રોડયુસર કોમ્બિનેશન સફળતાની ગેરંટી જેવું બની ગયું હતું. ૨૦૨૪માં કાર્તિક આર્યન અને ભૂષણકુમારની એક્ટર-પ્રોડયુસરની જોડીની બોલાબાલા છે. તાજેતરમાં 'ભૂલભુલૈયા-થ્રી'ને મળેલી સફળતાને પગલે આ જોડીએ બોક્સ-ઓફિસ પર હેટટ્રિક નોંધાવી છે. કાર્તિક અને ભૂષણ અશ્વમેઘ કરવા નીકળ્યા હોય એમ એક પછી એક વિજયપતાકા લહેરાવી રહ્યા છે.

એમની સક્સેસ જર્ની ૨૦૧૮માં 'સોનુ કે ટિટુ કી સ્વીટી'થી શરૂ થઈ હતી. ભૂષણકુમારના બેનર ટી-સિરીઝની આ ફિલ્મમાં હ્યુમર, રોમાન્સ અને ડ્રામાનું પરફેક્ટ મિશ્રણ હતું, જે યુવા વર્ગને અપીલ કરી ગયું. કાર્તિકને સાચા અર્થમાં સ્ટારડમ અપાવનાર ફિલ્મ આ જ હતી. આ ફિલ્મ પછી એ યુવાનોનો માનીતો એક્ટર બની ગયો. 

૨૦૨૨માં ભૂષણ અને કાર્તિકે અક્ષયકુમાર અને વિદ્યા બાલનની આઇકોનિક હોરર કોમેડી 'ભૂલભુલૈયા'ની સિકવલ બનાવવાનું સાહસ ખેડયું. સ્ટોરીને નવો ટિવસ્ટ આપી એમણે 'ભૂલભુલૈયા-ટુ' બનાવી. અનીસ બઝમીના ડિરેક્શનમાં બનેલી આ મૂવી જોવા મલ્ટિપ્લેક્સમાં દર્શકોનો ધાડેધાડાં ઉમટયાં અને ફિલ્મે રૃા. ૨૫૦ કરોડથી વધુનો વકરો કર્યો. કોરોના મહામારી પછીની બોલિવુડની એ પહેલી સુપરહિટ ફિલ્મ હતી. ફિલ્મ હિટ થઈ ગઈ એટલે ભૂષણકુમારે ખુશ થઈને આર્યનને પોણાપાંચ કરોડની મેકલરેન જીટી નામની કાર ભેટમાં આપી!

...અને હવે આ એક્ટર-પ્રોડયુસરની જોડી 'ભૂલભુલૈયા-થ્રી'ની સક્સેસની ઉજવણી કરી રહ્યા છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર કુલ ૪૦૫ કરોડ કરતાં વધારે રૂપિયાનો બિઝનેસ કરી ચૂકી છે. ૨૦૨૪ની આ એક મોટી બ્લોકબ્લસ્ટર ફિલ્મ છે. કાર્તિક આર્યન પોતાનો જ રેકોર્ડ તોડીને બોલિવુડની એક્સક્લુઝિવ ૪૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ ગયો છે. રોમેન્ટિક-કોમેડી જૉનરનો આ ચેમ્પિયન હવે ઇન્ડસ્ટ્રીનો એક રિલાયેબલ સ્ટાર બની ચૂક્યો છે. 'ભૂલભુલૈયા-ટુ' (૨૦૨૨), 'સત્યપ્રેમ કી કથા' (૨૦૨૩) અને 'ચંદુ ચેમ્પિયન (૨૦૨૪) જેવી ફિલ્મોમાં વૈવિધ્યસભર પાત્રો ભજવીને આર્યન એક્ટર તરીકે પોતાની વર્સેટિલિટી પણ પૂરવાર કરી ચૂક્યો છે.

કાર્તિકની સફળતા પણ ટિપ્પણી કરતા એક જાણીતા ટ્રેડ એનેલિસ્ટ કહે છે, 'કાર્તિકની 'ભૂલભુલૈયા-થ્રી' પહેલી એવી ફિલ્મ છે, જેણે રિલીઝ પછી નવ જ દિવસમાં ૨૦૦ કરોડનો આંકડો પાર કર્યો હોય. કાર્તિકની આ સિદ્ધિ વધુ સરાહનીય એટલા માટે બને છે કે એની ફિલ્મ દિવાળીની સિઝનમાં 'સિંઘમ અગેન' જેવી મોટી મલ્ટિસ્ટારર મૂવી સાથે રિલીઝ થઇ હતી. બહુ ઓછા સ્ટાર્સ મજબૂત હરીફાઈ હોય ત્યારે આટલો મોટો બિઝનેસ મેળવી શકે છે. કાર્તિક હવે જુદી જ લીગમાં પહોંચી ગયો છે. એનામાં એક કરિશ્મેટિક સ્ટાર અને સારા એક્ટરનો સમન્વય થયો છે, જે આજના સમયમાં બહુ અગત્યનું ગણાય.' 

સાવ સાચી વાત.  


Google NewsGoogle News