કાર્તિક આર્યન કાં કરો યા મરો! .
- ''ચંદુ ચેમ્પિયન' માટે તૈયારી કરવી એક મોટો પડકાર હતો. મારે કુસ્તી, બોક્સિંગ અને સ્વિમિંગ આ ત્રણેય અલગ પ્રકારના સ્પોર્ટ્સની તાલીમ લેવી પડી હતી. મારે મારી તમામ સીમાઓ ઓળંગી જવાની હતી.'
કા ર્તિક આર્યન અભિનિત અતિ અપેક્ષિત ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' સારાં કારણોને લીધે સમાચારમાં છે. આ ફિલ્મ માટે કાર્તિકે એવી ગજબનાક નિષ્ઠા દેખાડી છે કે ન પૂછો વાત. આજે ઇન્ડસ્ટ્રી અને ચાહકો બન્ને તેની ચર્ચા કરી રહ્યા છે. આ રોલ માટે કાર્તિકે સઘન તાલીમ લેવી પડી, ભરપૂર તૈયારી કરવી પડી. ફિલ્મમાં કાર્તિકનું જે રૂપ પેશ થયું છે એવું આપણે અગાઉ ક્યારેય જોયું નથી. આ પ્રકારનાં બોડી ટ્રાન્સફોર્મેશન આપણે અગાઉ 'ભાગ મિલખા ભાગ' વખતે ફરહાન અખ્તરમાં અને 'દંગલ' વખતે આમિર ખાનમાં જોયાં હતાં. એમ તો હૃતિક રોશન પણ પોતાનાં શરીર સાથે ખેલ કર્યા કરતો હોય છે.
કાર્તિકે કહે છે, 'મારા માટે 'ચંદુ ચેમ્પિયન' માટે તૈયારી કરવી એક મોટો પડકાર હતો. મારે કુસ્તી, બોક્સિંગ અને સ્વિમિંગ આ ત્રણેય અલગ પ્રકારના સ્પોર્ટ્સની તાલીમ લેવી પડી હતી. મારે મારી તમામ સીમાઓ ઓળંગી જવાની હતી. મેં સખત પરિશ્રમ કર્યો, એકદમ શિસ્તબદ્ધ રહ્યો. આ સ્પોર્ટ્સમાં માસ્ટરી મેળવવી આસાન નહોતી, પણ તેથી જ આ રોલ વધુ સંતોષજનક સાબિત થયો છે.'
કાર્તિક આ બાયોપિકમાં ભારતના પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરનું પાત્ર ભજવી રહ્યો છે. કાર્તિકને આપણે અત્યાર સુધી મોટે ભાગે રોમેન્ટિક કોમેડીમાં વધારે જોયો છે. જો 'ચંદુ ચેમ્પિયન' ચાલી જશે તો કાર્તિક માટે આ એક કરીઅર-ડિફાઇનિંગ ભૂમિકા બની રહેશે. આ બાયોપિકના ગીત 'તૂ હૈ ચેમ્પિયન'નું ટીઝર રજૂ થતાં જ કાર્તિકના ફેન્સને મજા પડી ગઈ હતી. આ ગીત જોઈને જીમ ન જનારા લોકોને પણ બોડી બનાવવાનો પાનો ચડી ગયો છે. તાજેતરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કાર્તિકે કમર સાથે પ્લેટ બાંધીને પુશ અપ કરતો દેખાયો હતો. આ કઠોર કસરત તેની ચેમ્પિયન માનસિકતાને વ્યક્ત કરે છે. ભરપૂર કમિટમેન્ટ વગર દોઢ-બે વર્ષ સુધી લાગલગાટ આટલું કષ્ટ ઉઠાવવું શક્ય નથી.
ફિલ્મના દિગ્દર્શક કબીર ખાન તો કાર્તિક આર્યનની પ્રતિબદ્ધતા અને મક્કમતાની બે મોઢે પ્રશંસા કરે છે. ફિલ્મના પોસ્ટરોમાં દેખાતું કાર્તિકનું સ્નાયુબદ્ધ શરીર તેના સખત પરિશ્રમનો પુરાવો છે. કબીર ખાન કહે છે, 'અમે આ ફિલ્મ માટે મળ્યા ત્યારે શરૂઆતમાં જ મેં નોંધ લીધી હતી કે કાર્તિકે અગાઉના એક રોલ માટે વજન વધાર્યું હતું અને તેના શરીરમાં ચરબીની ટકાવારી ૩૯ જેટલી હતી. મેં કાર્તિકને કહ્યું કે તારે એક આંતરરાષ્ટ્રીય સ્તરના શિસ્તબદ્ધ રમતવીરનું પાત્ર ભજવવાનું છે તો બોડી ફેટ્સ તો ઓછી કરવી જ પડશે. કાર્તિકે સ્મિત કરીને માત્ર એટલું જ કહ્યું હતુંઃ હું કરીશ, સર.'
-અને કાર્તિકે કરી દેખાડયું. દોઢ વર્ષમાં તેણે શરીરની ચરબી ઓછી કરીને માત્ર સાત ટકા જેટલી કરી નાખી!
કબીર ખાને ગર્વપૂર્વક જણાવે છે, 'ચંદુ ચેમ્પિયનની વાર્તા તો પ્રેરણાદાયી છે જ, પણ કાર્તિકે આ ચેમ્પિયન બનવા જે પ્રયાસ કર્યો તે પણ એટલું જ પ્રેરણાદાયી છે. આઇ એમ પ્રાઉડ ઓફ કાર્તિક!'
કાર્તિકનું પરિવર્તન માત્ર શારીરિક નથી, માનસિક પણ છે. ભવ્ય સિદ્ધિ મેળવવા અનેક પડકારો પાર કરનાર મુરલીકાંત પેટકરના પાત્રના સત્ત્વને એણે પોતાનામાં ઉતાર્યું છે. 'ચંદુ ચેમ્પિયન' આ વર્ષની સૌથી મહત્ત્વની ફિલ્મોમાંની એક ગણાય છે. ટીઝર કે ટ્રેલર ગમાડવા સહેલાં છે. ઓડિયન્સને આખેઆખી ફિલ્મ ગમવી જોઈએ. માત્ર બોડી ટ્રાન્સફર્મેશનથી આખેઆખી ફિલ્મ શ્રેષ્ઠ બની જતી નથી. જોઈએ, બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કેવીક કમાલ કરે છે.