કાર્તિકની કાયાપલટ કમાલ ન કરી શકી
- શિશિર રામાવત
'શ્રીકાંત'માં રાજકુમાર રાવ અને 'ચંદુ ચેમ્પિયન'માં કાતક આર્યન. બોલો, બેસ્ટ એક્ટરના અવોર્ડ્ઝ આ બન્નેમાંથી કોને આપવો છે?
આ હિન્દી સિનેમાના પ્રેક્ષકોનું થયું છે શું? તેઓ એક ડગલું આગળ ચાલે છે ને બે ડગલાં પાછળ ગતિ કરે છે. વળી પાછા તેઓ ત્રણ ડગલાં આગળ વધે છે ને પછી છ ડગલાં સાવ ત્રાંસા ચાલે છે. ઓડિયન્સની પસંદગી સમજાતી નથી, એટલે જ 'ચંદુ ચેમ્પિયન' જેવી વેલ-મેઇડ ફિલ્મ ફ્લોપ થઈ જાય છે. લગભગ ૧૪૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ૫૦ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કરતાં સુધીમાં તો હાંફી ગઈ. સાચા અર્થમાં સત્ત્વશીલ ફિલ્મ છે આ. માત્ર સત્ત્વશીલ નહીં, મનોરંજક અને દર્શકને સતત જકડી રાખે એવી પણ છે. મુરલીકાંત પેટકર નામના એક અસલી અપંગ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટની માન્યામાં ન આવે એવા અદભુત જીવનની એમાં વાત છે.
અપેક્ષા તો એવી હતી કે આ ફિલ્મ તરખાટ મચાવશે. ચારે બાજુ 'કાતક... કાતક...' થવા માંડશે. એવું કશું થયું નહીં. અપેક્ષા એવી હતી કે વર્ડ-ઓફ-માઉથ પબ્લિસિટીથી ફિલ્મ ચાલશે નહીં, દોડશે. એવું તો બિલકુલ ન થયું. એટલે જ સારા મેઇનસ્ટ્રીમ, કમશયલ સિનેમાના (અને કાતકના) ચાહકો ગૂંચવાઈ ગયા છે. એમને સમજાતું નથી કે હિન્દી ફિલ્મોના ઓડિયન્સને જોઈએ છે શું? શું એમને કાતક પાસેથી ભૂતપ્રેત અને જાદુટોણાવાળી 'ભૂલભુલૈયા' બ્રાન્ડ ફિલ્મો જ જોઈએ છે? શું તેઓ કાતકને મહિલાઓ વિરુદ્ધ બળાપા કાઢતી 'પ્યાર કા પંચનામા' ટાઇપની ફિલ્મોમાં જ જોવા ઇચ્છે છે? એણે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને ખૂબ જોર લગાવ્યું, પણ ધાર્યું પરિણામ ન મળ્યું.
કબીર ખાનની કમાલ
'ચંદુ ચેમ્પિયન'ના ડિરેક્ટર કબીર ખાન પોતાના એક્ટરો પાસેથી અનપેક્ષિત પર્ફોર્મન્સીસ કઢાવવા માટે જાણીતા છે. સલમાન ખાને 'બજરંગી ભાઈજાન' જેવો હૃદયસ્પર્શી અભિનય આ ફિલ્મની પહેલાં કે પછી ક્યારેય કર્યો નથી. ઇવન 'ન્યુ યોર્ક'માં કેટરીના કૈફ અને જોન અબ્રાહમને આપણે જુદાં રંગરૂપમાં જોયાં હતાં. તેથી જ 'ચંદુ ચેમ્પિયન' માટે કબીર ખાને કાતક આર્યન સાથે હાથ મિલાવ્યા ત્યારે ખાતરી હતી કે તેઓ કાતકની ક્યુટ લવરબોય-નેક્સ્ટ-ડોર પર્સનાલિટીને બાજુ પર રાખીને એની ફિલ્મી ઇમેજનું સંપૂર્ણ મેકઓવર કરી નાખશે. કબીર ખાને આ કામ ભારે કુશળતાપૂર્વક કર્યું પણ ખરું, પણ આ વખતે પ્રેક્ષકોએ સાથ ન આપ્યો.
કહે છે કે પ્રેક્ષકો જ સર્વસ્વ છે અને સર્વોપરી છે, યે જો પબ્લિક હૈ વો સબ જાનતી હૈ. આપણે ત્યાં 'જનતા જનાર્દન' એવો શબ્દપ્રયોગ થાય છે. જનતા જનાર્દન... સાચે જ? જનતા જો બધું જ સમજતી હોય તો ચક્રમ જેવી ફિલ્મોને કેમ હિટ કરાવે છે ને સારી ફિલ્મોને કેમ ધીબેડી નાખે છે? કબૂલ, કે કોઈ ફિલ્મ ચાલે કે ન ચાલે તેની પાછળ ઘણાં પરિબળો કામ કરતાં હોય છે, પણ આ પરિબળો કંઈ દર વખતે આપણને તર્કસંગત લાગતાં નથી.
બોલિવુડનો ફેવરિટ આઉટસાઇડર
'ચંદુ ચેમ્પિયન' ભલે ન ચાલી, પણ કાતક આર્યન આજે બોલિવુડનું એક સફળ નામ છે એ તો નક્કી. કાતક સંપૂર્ણપણે આઉટસાઇડર છે. એ તો મુંબઈ એન્જિનીયરિંગ કરવા માટે આવેલો. પછી ક્લાસ બન્ક કરીને, નવી મુંબઈથી લોકલ ટ્રેન પકડીને, ભીડમાં ભીંસાઈને-ચુંથાઈને અંધેરી કે બાન્દ્રા આવતો. સંકડો જુવાનિયાઓની સાથે લાઇનોમાં ઊભો રહીને ઓડિશન્સ આપતો, રિજેક્ટ થતો, ફરી કોશિશ કરતો. આ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ એને 'પ્યાર કા પંચનામા' ફિલ્મ મળી હતી. એને ચાર-સાડાચાર પાનાં લાંબો એવો પેલો પ્રખ્યાત મોનોલોગ આપવામાં આવ્યો હતો, જે એણે ગોખી માર્યો હતો અને પછી કેમેરા સામે કડકડાટ પર્ફોર્મ કરી નાખ્યો હતો. તે પછીય કાતકને સિલેક્ટ કરવામાં આવ્યો નહોતો. આ તો પસંદ થઈ ચૂકેલા બીજા કોઈ સ્ટ્રગલિંગ એક્ટરે ફિલ્મ છોડી એટલે કાતકનો નંબર લાગ્યો હતો. 'પ્યાર કા પંચનામા' હિટ થઈ અને પછી જે કંઈ થયું તે ઇતિહાસ છે.
અલબત્ત, 'પ્યાર કા પંચનામા' પછીય કાતકનો સંઘર્ષ અટક્યો નહોતો. આ ફિલ્મ માટે એને પૂરા એક લાખ પણ ફી પેટે ચૂકવાયા નહોતા. ટુ બી પ્રિસાઇઝ, એને આ ફિલ્મમાં હીરોગીરી કરવા બદલ ફક્ત ૭૦ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. પછી તેણે 'આકાશવાણી' અને 'પ્યાર કા પંચનામા પાર્ટ ટુ' કરી. કોલેજોમાં બહુ બન્ક માર્યા હતા એટલે એન્જિનીયરિંગમાં એ ફેઇલ થયા કરતો હતો અને એટીકેટી (અલાઉડ ટુ કીપ ટર્મ)નો ઢગલો થઈ ગયો હતો. કાતકનાં ડોક્ટર મમ્મી-પપ્પાનો આગ્રહ હતો કે તું ભલે હીરોગીરી કરે, તારે ડિગ્રી તો લેવી જ પડશે! એની મમ્મી એને પકડીને નવી મુંબઈ પરીક્ષા અપાવવા લઈ જતી. એક પરીક્ષામાં એ 'આકાશવાણી'ની સ્ટોરી લખી આવેલો! આ રીતે માંડ માંડ, પાંચ-છ વર્ષે એણે એન્જિનીયરિંગ પૂરું કર્યું. જોકે બધ્ધેબધ્ધી એટીકેટી ક્લીઅર કરીને આખરે એણે ડિગ્રી મેળવી કે નહીં તે સવાલ છે. ખેર, 'સોનુ કે ટિટુ કી સ્વીટી'ની સફળતા પછી એ સાચા અર્થમાં સફળ ફિલ્મી હીરો બન્યો ને એનું ભણતર અપ્રસ્તુત થઈ ગયું. 'ભૂલભૂલૈયા-ટુ' હિટ થતાં પ્રોડયુસર ભૂણષકુમારે ખુશ થઈને એને ચાર-સાડાચાર કરોડની મોંઘીદાટ મેક્લરેન કાર ભેટમાં આપી હતી તે જાણીતી વાત છે.
કાતકને આ એક જ વસ્તુનો શોખ છે - કારનો. એની પાસે આજની તારીખે આખો શોરૂમ ભરાઈ જાય એટલી બધી ગાડીઓ છે. ગ્વાલિયર જેવા નાના શહેરથી આવેલો એક સાધારણ છોકરો આપબળે બોલિવુડ જેવી અત્યંત સ્પર્ધાત્મક જગ્યામાં સફળ થઈને દેખાડે છે ને પોતાની ડ્રીમલાઇફ જીવે છે - આ આખી વાત યંગસ્ટર્સને, અને સૌ કોઈને, પાનો ચડાવે એવી છે. એક સમયે કરણ જોહરે એને અને જ્હાન્વીને લઈને 'દોસ્તાના-ટુ'નું શૂટિંગ શરૂ કરી દીધું હતું, પણ પછી કાતક અને કરણ જોહર વચ્ચે કોઈક વાતે વિખવાદ થયો ને ફિલ્મ પડતી મૂકવામાં આવી. કાતક વિશે નઠારી વાતો ફેલાવવામાં આવી હતી, પણ કાતક ચુપચાપ કામ કરતો રહ્યો. આજે એ સ્થિતિ આવી છે કે કરણ જોહરે નવેસરથી એને બીજી એક ફિલ્મ ઓફર કરવી પડી છે. માણસ નિાથી એકધારો અને સખત મહેનત કરતો રહે તો એ ઊગ્યા વગર રહેતું નથી...અને જો 'ચંદુ ચેમ્પિયન' હિટ થઈ ગઈ હોત તો કાતકનો પરિશ્રમ ખરેખર એને એક જુદા જ સમતલ પર મૂકી દેત. ખેર, જે થયું તે થયું. બોક્સ ઓફિસ રિઝલ્ટ જે આવ્યું તે, પણ કાતક એક દમદાર સ્ટાર-એક્ટર છે તે વાત હવે આખી ઇન્ડસ્ટ્રીએ સ્વીકારવી પડી છે.
આ વર્ષે અત્યાર સુધીમાં આપણે બે સૌથી દમદાર પર્ફોર્મન્સીસ જોયાં - 'શ્રીકાંત'માં રાજકુમાર રાવ અને 'ચંદુ ચેમ્પિયન'માં કાતક આર્યન. બોલો, બેસ્ટ એક્ટરના અવોર્ડ્ઝ આ બન્નેમાંથી કોને આપવો છે? બેમાંથી કોઈ એકને? કે પછી, ટાઈ ઘોષિત કરીને બન્નેને શ્રે અભિનેતા તરીકે નવાજીશું?